- અમારો ઉદ્દેશ્ય એક સમકાલીન, સંતુલિત, પરસ્પર ફાયદાકારક અને લાંબા ગાળાની ભાગીદારી બનાવવાનો છેઃ જયશંકર
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2022, મંગળવાર
યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયાની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, યુક્રેન સંઘર્ષ ભારત માટે એક મોટો મુદ્દો છે. આ સાથે તેમણે એમ કહ્યું હતું કે, આ સંઘર્ષ વચ્ચે પણ ભારત અને રશિયાની સરકારો વચ્ચે એક મજબૂત સંપર્ક રહ્યો છે. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે બેઠક પહેલા કહ્યું હતું કે, 'વિભિન્ન સ્તરે અમારી સરકારો વચ્ચે મજબૂત અને સતત સંપર્ક છે.' તમને જણાવી દઈએ કે જયશંકર એવા સમયે રશિયાની મુલાકાતે છે જ્યારે યુક્રેન સાથે રશિયાનો ઘણા મહિનાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જયશંકરે યુક્રેન-રશિયા યુદ્ધ પર કહ્યું હતું કે, 'ભારત ભારપૂર્વક પુનરોચ્ચાર કરે છે કે બન્ને દેશોએ વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ.'
આ પણ વાંચોઃ જયશંકરની મોસ્કો મુલાકાત ઉપર દુનિયાભરની નજર
મોસ્કોમાં વિદેશમંત્રી જયશંકરે સર્ગેી લાવરોવ સાથે મુલાકાત બાદ ઈશારામાં કહ્યું હતું કે, આ બેઠકના બીજા સંદર્ભો ન નીકળવા જોઈએ. તેમણે રશિયાના વિદેશ મંત્રી લાવરોવની સાથે બેઠકના પ્રારંભિક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારી બેઠક અમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા અને વૈશ્વિક પરિસ્થિતિ પર એકબીજાના દ્રષ્ટિકોણ સમજવા માટે છે. અમારી વાતચીતમાં સમગ્ર વૈશ્વિક પરિસ્થિતિ અને ચોક્કસ ક્ષેત્રીય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.' તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં ભારતે અનેક પશ્ચિમી દેશોનું દબાણ હોવા છતા રશિયા પાસેથી સબસિડીવાળા ક્રૂડ ઓઈલની આયાત વધારી છે.
જયશંકરે કહ્યું હતું કે, 'જ્યાં સુધી દ્વિપક્ષીય સંબંધોની વાત છે અમારો ઉદ્દેશ્ય એક સમકાલીન, સંતુલિત, પરસ્પર ફાયદાકારક અને લાંબા ગાળાની ભાગીદારી બનાવવાનો છે.' તેમણે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ તેમના માટે ટોચનો મુદ્દો છે. તેમણે કહ્યું હતું કે, 'કોવિડ, વેપાર સંબંધિત મુશ્કેલીઓએ વૈશ્વિક અર્થવ્યસ્થાને પ્રભાવિત કરી છે પરંતુ હવે અમે યુક્રેન સંઘર્ષના પરિણામોને આ મામલે ટોચ પર જોઈ રહ્યા છીએ.' આ બેઠકમાં જયશંકરે ક્રૂડ ઓઈલ, વેપાર સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, 'આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના સતત મુદ્દાઓ પણ છે જે પ્રગતિ તથા સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે.'
જયશંકરે કહ્યું હતું કે, 'ભારત, રશિયા ઝડપથી બહુધ્રુવીય અને પુનઃસંતુલિત થતા વિશ્વમાં એકબીજા સાથે ભાગીદારી કરી રહ્યા છે. અમે બે એવી સરકારો છીએ જેમની વચ્ચે અત્યંત સ્થાયી અને સમયની કસોટી પર સાચા સંબંધો રહ્યા છે.'
ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્શ શરૂ થયો ત્યારથઈ જયશંકર અને લાવરોવ 4 વખત મળી ચૂક્યા છે. ત્યારે રશિયામાં આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ રશિયાના વિદેશ મંત્રી એપ્રિલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન લાવરોવે જયશંકરની સાથે વિસ્તૃત વાતચીત કરી હતી અને પીએમ નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લીધી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમુર પુતિન ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત-રશિયા વાર્ષિક શિખર સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.


