Suicide Attack in Pakistan's Bhakkar : પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે ભયાનક આત્મઘાતી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીકની એક પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા આ વિસ્ફોટમાં બે પોલીસ જવાનોના મોત અને ચાર ઘાયલ થયા છે.
CCTVમાં કેદ થયા હુમલાના લાઈવ દ્રશ્યો
ભક્કારના જિલ્લા પોલીસ અધિકારી શહેઝાદ રફીકના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન હુમલાખોર ચેકપોસ્ટ તરફ આવીને સુરક્ષાકર્મીઓની નજીક પહોંચતા જ પોતાની જાતને વિસ્ફોટકોથી ઉડાવી દીધો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વિસ્ફોટથી વિસ્તારમાં અફરાતફરી
વિસ્ફોટના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર ખૈબર પખ્તુનખ્વા અને પંજાબને જોડતો મુખ્ય હાઈવે બુધવારે બંધ રાખવામાં આવ્યો છે. પોલીસે ડેરા દરિયા ખાન પુલ પાસેનો વાહનવ્યવહાર અટકાવી દીધો છે અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કોણે હુમલાની જવાબદારી લીધી?
આ હુમલાની જવાબદારી 'ઈત્તેહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન' સાથે જોડાયેલા ઉગ્રવાદી સંગઠન 'અંસાર-અલ-ઇસ્લામ પાકિસ્તાન' દ્વારા લેવામાં આવી છે. સંગઠને દાવો કર્યો છે કે, તેમનો આત્મઘાતી હુમલાખોર અબુ દરદા આ વિસ્ફોટમાં સામેલ હતો.


