યુરોપમાં કાળઝાળ ગરમી, અનેક શહેરો 40 ડિગ્રીમાં શેકાયા, ઈટાલીમાં રેડ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓસ્ટ્રિયામાં રેકોર્ડબ્રેક 41 અને સ્લોવાકિયામાં 42 ડિગ્રી તાપમાન
- ઈટાલી સહિત યુરોપના ઘણાં શહેરોમાં જાહેર સ્થળોએ કૂલિંગ આપતા પંખા મૂકાયા, ખાનગી સ્વીમિંગ પૂલ લોકો માટે ખુલ્લા મૂકાયા
રોમ : યુરોપમાં ભીષણ ગરમી શરૂ થતાં જનજીવનને અસર થઈ છે. મોટાભાગના દેશોમાં અસહ્ય ગરમી પડી રહી છે. ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઈટાલીમાં તાપમાન વધવાની ભીતિ હોવાથી ૨૭ શહેરોમાં રેડ એલર્ટ અપાયો છે. ઈટાલીમાં પહેલી વખત નેશનલ હીટ સર્વેલેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે. હંગેરીમાં ડાનૂબે નદી સૂકાઈ જતાં વીજ કટોકટી સર્જાઈ છે. પરમાણુ પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન બંધ થતાં કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
યુરોપમાં ગરમીએ તરખાટ મચાવી દીધો છે. ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા, ફ્રાન્સ અને જર્મની બાદ હવે ઈટાલીમાં પણ તાપમાનનો પારો વધ્યો છે. ઓસ્ટ્રિયામાં રેકોર્ડબ્રેક ૪૧.૨ ડિગ્રીએ તાપમાન પહોંચી જતાં જનજીવન ઠપ થઈ ગયું હતું. સ્લોવાકિયા તો તાપમાનનો પારો પહેલી વખત ૪૨.૨ ડિગ્રી થઈ ગયો હતો. યુરોપના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો હોવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. સરકારોએ તાત્કાલિક રાહતના પગલાં ભરવા પડયા હતા.
ઈટાલીની સરકારે નેશનલ હીટ સર્વલન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી હતી. ૨૭ શહેરોમાં રેડ એલર્ટ આપવાની સાથે સાથે ખાનગી સ્વીમિંગ પૂલ, તળાવો અને બિચને લોકો ઠંડક મેળવી શકે તે માટે ખુલ્લા કરી દેવાયા હતા. ઈટાલીમાં એકાએક કૂલિંગ આપતા ડિવાઈઝનું માર્કેટ વધી ગયું હતું. જાહેર સ્થળોએ શહેરના સરકારી તંત્રએ કૂલિંગ ફેન મૂકી દીધા હતા. મેડિકલ સ્ટોર્સથી માંડીને કરિયાણાની દુકાનો સુધી ચારેબાજુ આવા ફેન મળવા લાગ્યા છે. પંપથી પંખાના પાંખિયા પર પાણીનો ફુવારો થતો હોય એવા પંખાની ડિમાન્ડ વધી ગઈ હતી. જાહેર સ્થળોએ મોટા મોટા પંખા લગાવાયા હતા. યુરોપના અનેક શહેરોમાં આવા કૂલિંગ ડિવાઈઝનું વેચાણ વધ્યું છે.
જર્મનીમાં અનેક નદીઓનું પાણી સૂકાઈ ગયું હતું. તેના કારણે ભારે ચિંતા વ્યક્ત થઈ રહી છે. કેટલીય નદીઓનું પાણી રેકોર્ડ લો લેવલે પહોંચી જતાં પાણીની તંગીની ભીતિ છે. ફ્રાન્સમાં આકરી ગરમીના કારણે કેટલાય જંગલોમાં આગ ફાટી નીકળી છે. આખાય દેશના ફાયર ફાઈટર્સ આગ કાબૂમાં લેવામાં વ્યસ્ત થઈ ગયા છે. બ્લેઝમાં લાગેલી આગ ૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાઈ છે. ફ્રાન્સના બીજા વિસ્તારોમાં પણ આગ લાગવાની શક્યતા હોવાથી ચેતવણી અપાઈ છે.









