ચીનના ડેમથી ભારત, બાંગ્લાદેશમાં જળપ્રલયની વૈજ્ઞાનિકોની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાના સૌથી મોટા બાંધ સામે ચીની વૈજ્ઞાનિકોની જ લાલબત્તી
2017માં તિબેટમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આ જ ફોલ્ટના ઉત્તરી છેડા પર આવ્યો હતો
પૈઝેન ફોલ્ટના કારણે આજુબાજુના ડેમ, રસ્તા, પુલ, સુરંગો, જળાશય ક્ષેત્રની સંરચનાત્મક સ્થિરતા પર ગંભીર અસર કરશે
બેઇજિંગ : ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારત સરહદથી માત્ર ૫૦ કિ.મી. દૂર તિબેટમાં દુનિયાનો સૌથી મોટો જળવિદ્યુત પ્રોજેક્ટ મેડોગ હાઈડ્રોપાવર સ્ટેશન બનાવી રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટ એક મોટા ભૂગર્ભીય જોખમની ઉપર બની રહ્યો છે. ચીનના આ પ્રોજેક્ટનો માત્ર ભારત, બાંગ્લાદેશ કે મ્યાંમાર જ નહીં તેના વૈજ્ઞાનિકો પણ વિરોધ કરી રહ્યા છે. ચીનના વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ઘટસ્ફોટ થયો છે કે દુનિયાનો આ સૌથી મોટો બાંધ એક અત્યંત સક્રિય ફોલ્ટ લાઈન એટલે કે ભૂકંપીય તિરાડની ઉપર બનાવાઈ રહ્યો છે, જે ભવિષ્યમાં જળપ્રલય સર્જાઈ શકે છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ સેડિમેન્ટ્રી જિયોલોજી એન્ડ ટેથિયન જિયોલોજી જર્નલમાં પ્રકાશિત એક ચીની રિસર્ચ પેપરમાં સંશોધકોએ યારલુંગ ત્સાંગપો નદી એટલે કે બ્રહ્મપુત્રા નદી પર બની રહેલા મેડોગ બાંધના એકદમ નીચે પૈઝેન ફોલ્ટની ઓળખ થઈ છે.
ચીની વૈજ્ઞાનિકના આ ખુલાસાએ આ મેગા પ્રોજેક્ટની સંરચનાત્મક સુરક્ષા અંગે નવા અને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચેંગડુ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી અને ચીન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના નિષ્ણાતોએ કરેલા આ રિસર્ચમાં ચેતવણી અપાઈ છે કે આ ફોલ્ટ લાઈન આ મહાબાંધની મજબૂતીને ગંભીરરૂપે નબળી કરી શકે છે.
રિપોર્ટ મુજબ પૈઝેન ફોલ્ટ પ્લીસ્ટોસિન યુગ અંદાજે ૨૬ લાખ વર્ષ પહેલા શરૂ થયેલા હિમયુગ કાળથી સક્રિય છે અને આજે પણ તેમાં ટેક્ટોનિક હલચલના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સંશોધકોએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, પૈઝેન ફોલ્ટના કારણે આજુબાજુના બાંધ, રસ્તા, પુલ, સુરંગો અને જળાશય ક્ષેત્રની સંરચનાત્મક સ્થિરતા પર ગંભીર અસર કરશે. ભવિષ્યમાં આ ફોલ્ટ લાઈનમાં થતી કોઈપણ હલચલ આ આખા પ્રોજેક્ટની સુરક્ષાને જોખમમાં નાંખી શકે છે.
રિસર્ચ મુજબ આ બાંધ પૈ વિલેજ વિસ્તારમાં બને છે, જે ચીનના સૌથી વધુ ભૂકંપ સંભવિત ક્ષેત્રોમાંથી એક છે. વર્ષ ૨૦૧૭માં તિબેટમાં ૬.૯ની તિવ્રતાનો ભૂકંપ આ જ ફોલ્ટના ઉત્તરી છેડા પર આવ્યો હતો, જે તેના સક્રિય હોવાનો નક્કર પુરાવો છે. બાંધ બનાવવા માટે થતી હલચલે નીચેના ખડકોને ખોખલા અને નબળા કરી દીધા છે, જેનાથી આ બાંધ ૬૦,૦૦૦ મેગાવોટના ભારે-ભરખમ કોંક્રિટના માળખા અને વિશાળ જળાશયનું વજન સંભાળી શકે તેમ નથી.
ચીનના વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જ આ બાબતો સામે આવી છે ત્યારે સૌથી મોટો અને ડરામણો સવાલ કુટનીતિક નહીં પરંતુ સુરક્ષાનો છે. દુનિયાનો આ સૌથી મોટો બાંધ સક્રિય ભૂકંપીય તિરાડ પર બની રહ્યો છે તો સવાલ એ નથી કે ચીન પાણી રોકશે, પરંતુ સવાલ એ છે કે હિમાલયના આ સૌથી સંવેદનશીલ ક્ષેત્રમાં ભૂકંપના કારણે આ વિશાળ બાંધ તૂટશે તો જે જળપ્રલય આવશે તેમાં ભારતના અસમ અને પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતિ કેટલી ખરાબ થશે.
મેડોગ ડેમ ૨૦૩૩ સુધીમાં તૈયાર થશે
ચીનનો મેડોગ ડેમ તૈયાર થઈ ગયા પછી દુનિયાનો સૌથી મોટો જળવિદ્યુત પ્રોજેક્ટ હશે અને તેની ક્ષમતા ૬૦,૦૦૦ મેગાવોટ હશે.
આ ડેમ ચીનના જ વર્તમાન થ્રી ગોર્જ ડેમ કરતા ત્રણ ગણી વધુ વીજળી એટલે કે વાર્ષિક ૩૦૦ અબજ કિલોવોટ વીજળી પેદા કરશે. આ ડેમને તૈયાર કરવામાં એક ટ્રિલિયન યુઆન એટલે કે અંદાજે ૧૩૭ અબજ ડોલરનો ખર્ચ થશે. ચીને ડિસેમ્બર ૨૦૨૪માં આ ડેમને મંજૂરી આપી હતી. ત્યાર પછી જુલાઈ ૨૦૨૫માં તેનું નિર્માણ શરૂ થયું છે. આ ડેમ વર્ષ ૨૦૩૩ સુધીમાં સંપૂર્ણ પણે શરૂ કરવાનું જિનપિંગ સરકારનું લક્ષ્ય છે.









