World

હૂતીઓ સામે સાઉદી અરેબિયાને ન મળી મદદ, મક્કા સંધિના અમલ પર પાકિસ્તાને લગાવી બ્રેક!

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓના વધતા હુમલા વચ્ચે પાકિસ્તાને સંયુક્ત સંરક્ષણ સમજૂતીથી પીછેહઠ કરી છે. વિદેશ મંત્રાલયે લશ્કરી કાર્યવાહીની કોઈ ચર્ચા નકારી. પાકિસ્તાન 'મક્કા ડિફેન્સ પેક્ટ' હોવા છતાં ઈરાન સાથેના સંબંધો બગાડવા માંગતું નથી, કારણ કે હૂતીઓને ઈરાનનું સમર્થન છે. લાલ સમુદ્ર ક્ષેત્રમાં તણાવ વધતાં, પાકિસ્તાને સીધા યુદ્ધમાં ઉતરવાનું ટાળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હૂતીઓ સામે સાઉદી અરેબિયાને ન મળી મદદ, મક્કા સંધિના અમલ પર પાકિસ્તાને લગાવી બ્રેક!

Pakistan-Saudi Arabia Defense Pact : સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓના હુમલા વધતાં જ પાકિસ્તાનના સૂર અચાનક બદલાઈ ગયા છે. થોડા દિવસો પહેલાં સુધી પાકિસ્તાન હૂતીઓને આકરી ચેતવણી આપી રહ્યું હતું કે સાઉદી અરેબિયા પર હુમલો થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, જ્યારે સાઉદી અરેબિયાને ખરેખર સુરક્ષા સહાયની જરૂર પડી ત્યારે સંયુક્ત સંરક્ષણ સમજૂતીના પ્રથમ મોટા પડકાર સામે જ પાકિસ્તાને પોતાના પગ પાછા ખેંચી લીધા છે અને હાલ કોઈ લશ્કરી પગલાં ભરવાનો ઇનકાર કરી દીધો છે.

સૈન્ય કાર્યવાહી અંગે હાલ કોઈ ચર્ચા નહીં: પાકિસ્તાનની સ્પષ્ટતા

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સજ્જાદ હૈદર ખાન (Sajjad Haider Khan)એ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું છે કે, હૂતી વિદ્રોહીઓ સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરવા અંગે હાલ કોઈ ચર્ચા ચાલી રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય સમય આવવા પર કરાર મુજબ પગલાં લેવામાં આવશે. પાકિસ્તાનનું આ વલણ દર્શાવે છે કે સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર હોવા છતાં ઈસ્લામાબાદ સીધા યુદ્ધના મેદાનમાં ઊતરવાથી બચી રહ્યું છે.

મક્કા ડિફેન્સ પેક્ટ છતાં પાકિસ્તાન કેમ પાછળ હટ્યું?

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા 'મક્કા ડિફેન્સ પેક્ટ' મુજબ કોઈપણ એક દેશ પર હુમલો ત્રણેય દેશો પરનો હુમલો ગણાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ (Khawaja Asif) એ અગાઉ સંકેત આપ્યો હતો કે, સાઉદી પર જોખમ વધશે તો આ કરાર સક્રિય કરાશે. પરંતુ પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે અને હૂતીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. જો પાકિસ્તાન હૂતીઓ સામે લશ્કરી પગલું ભરે તો ઈરાન સાથેના સંબંધો વણસી શકે છે, જેથી પાકિસ્તાને પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબિયામાં હૂતીઓના હુમલાથી ભારે તણાવ

યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા એરબેઝ અને ક્રૂડ ઓઈલ સંબંધિત ઠેકાણાઓને નિશાન બનાવીને ભીષણ હુમલા કર્યા હતા, જેમાં 73 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સાઉદી અરેબિયાએ પણ યમનમાં હૂતીઓના ઠેકાણાઓ પર 40 જેટલા હવાઈ હુમલા કરીને વળતો જવાબ આપ્યો હતો. તણાવ વધતાં પાકિસ્તાને ઈરાનને હૂતી વિદ્રોહીઓને કાબૂમાં રાખવા અપીલ કરી હતી, પરંતુ તેહરાને આ બાબતે હાથ ખંખેરી લીધા હતા.

લાલ સમુદ્રના મોખા બંદર તરફ હૂતીઓની આગેકૂચ

હૂતી વિદ્રોહીઓએ યમનના પશ્ચિમી પ્રાંત તાઈઝના વ્યૂહાત્મક વિસ્તારો પર નિયંત્રણ મેળવીને લાલ સમુદ્રના મહત્વપૂર્ણ મોખા બંદર સુધી પ્રવેશ કરી લીધો છે. વર્ષ 2014 થી ચાલી રહેલા યમન ગૃહયુદ્ધમાં વર્ષ 2022 ના યુદ્ધવિરામ બાદ ફરી સંઘર્ષ ભડકી ઊઠ્યો છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય શિપિંગ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય માટે અત્યંત મહત્વનો રૂટ હોવાથી સમગ્ર લાલ સમુદ્રમાં વ્યાપારિક પરિવહન સામે પણ મોટો ખતરો ઊભો થયો છે.