Get The App

રશિયાની વિક્ટરી ડે પરેડ : ટેન્કો અને મિસાઈલો વગર તદ્દન ફિક્કી

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
રશિયાની વિક્ટરી ડે પરેડ : ટેન્કો અને મિસાઈલો વગર તદ્દન ફિક્કી 1 - image

- રશિયા- યુક્રેન વચ્ચે ત્રણ દિવસનો યુદ્ધ વિરામ : ટ્રમ્પ

- ત્રણ દિવસની ઉજવણીમાં હુમલો નહીં કરવાની યુક્રેનની ખાતરી છતાં રશિયા સતર્ક

મોસ્કો-કીવ : રશિયા-યુક્રેન વચ્ચે ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતા યુદ્ધમાં અમેરિકા પ્રેરિત ત્રણ દિવસનો યુદ્ધવિરામ થયો છે. આ યુદ્ધવિરામ ૯,૧૦ અને ૧૧ મે એમ ત્રણ દિવસનો છે. યુક્રેને પણ ખાતરી આપી છે કે આ યુદ્ધવિરામ દરમિયાન રશિયાના રેડ સ્કવેરમાં થનારી પરેડમાં તે કોઈ હુમલા નહી કરે. રશિયામાં આ વખતે યોજાયેલી સ્વતંત્રતા પરેડ છેલ્લા અઢી દાયકાની અત્યંત ફિક્કી પરેડ હતી 

તેમા કોઈ મોટા મિલિટરી શસ્ત્રો અને સરંજામ, ટેન્કો, મિસાઇલો ન હતા. તેની જરૂર હવે યુક્રેનના યુદ્ધમાં હોવાનું કહેવાય છે. રશિયાએ વિક્ટરી ડેની ઉજવણી કરી હતી. દ્વિતીય યુદ્ધ દરમિયાન આ દિવસે ૯મીમેના દિવસે તે સમયનાં અખંડ સોવિયેત સંઘનાં સૈન્યે નાઝી જર્મની ઉપર વિજય મેળવ્યો હતો.

જો કે આ વખતે યુક્રેન યુદ્ધને લીધે ભારે આર્થિક ખેંચ ઉભી થવાથી આજની વિક્ટરી ડે પરેડમાં કેમ્બ્લીન સામેના રેડ સ્કેવરમાં આધુનિક તોપો, ટેન્કો, કે આધુનિક સેનાકીય સાધનોની સંખ્યા ઘણી જ સીમિત રહી હતી. તેટલું જ નહીં પરંતુ પરેડમાં સૈનિકોની સંખ્યા પણ ઘણી ઓછી રહી હતી. તેમજ ફાયટર જેટ્સ આકાશી કરતબો પણ મર્યાદિત રહ્યાં હતાં.

રેડ સ્કવેર પરની મિલિટરી પરેડમાં રશિયાના પ્રમુખ પુતિને દાવો કર્યો હતો કે નાઝી જર્મની સામે જે રીતે રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યો તો તે જ રીતે યુક્રેન સામેના મિલિટરી ઓપરેશનમાં પણ મેળવશે. 

પુતિન અને વિદેશી નેતાઓ આ પરેડમાં હાજર હોવાથી આખા મોસ્કોમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા હતી. પુતિને યુક્રેનમાં લડતા રશિયન દળોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આપણું યુદ્ધ ફક્ત યુક્રેન સામે નથી, પણ આપણા દળો નાટો દ્વારા સમર્થિત આખા બ્લોક સામે લડી રહ્યા છે. આમ છતાં પણ વિજય આપણો છે. આપણી સફળતાની ચાવી આપણી નૈતિક તાકાત, હિંમત અને દ્રઢતા, આપણી એક્તા અને કોઈપણ પડકારને પહોંચી વળવાની આપણી ક્ષમતા છે.