World

લિબિયામાં રશિયન જહાજ ઉડાવ્યું

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
યુક્રેને લિબિયામાં રશિયન યુદ્ધ જહાજ ડ્રોન દ્વારા ડુબાડી દીધું હતું, જ્યારે સાઇબેરિયામાં ઓઇલ રિફાઇનરીઓ પર પણ હુમલા કર્યા હતા. બીજી તરફ, રશિયાએ યુક્રેન પર 24 કલાકમાં 843 હુમલા કર્યા, જેમાં એકનું મોત અને અનેક ઇમારતોને નુકસાન થયું. આ યુદ્ધ હવે આફ્રિકા સુધી ફેલાયું છે. લિબિયાએ યુએનને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લિબિયામાં રશિયન જહાજ ઉડાવ્યું
  • યુક્રેન યુદ્ધની જ્વાળા આફ્રિકા પહોંચી
  • રશિયા દ્વારા યુક્રેન પર માત્ર ૨૪ કલાકમાં જ ૮૪૩ હુમલા
  • યુક્રેનનો લિબિયામાં રશિયન બેઝની સાથે સાઈબેરિયામાં પણ ક્રૂડ ઓઈલની રિફાઈનરીઓ પર હુમલો : ઝેલેન્સ્કીએ વીડિયો વાયરલ કર્યો
  • રશિયાના હુમલામાં એકનું મોત, યુક્રેનના હુમલામાં ૧૦થી વધુ ઘાયલ થયાના અહેવાલો
  • યુક્રેને ૨,૭૦૦ કિમી દૂર રશિયા પર હુમલો કર્યો

મોસ્કો : યુક્રેન દ્વારા લીબિયામાં રશિયન યુદ્ધ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને ડ્રોન દ્વારા કરેલા આ હુમલામાં રશિયાનું જહાજ સમુદ્રમાં સમાઇ ગયું હતું. જ્યારે રશિયાએ યુક્રેન પર ૨૪ કલાકમાં ૮૪૩ હુમલા કર્યા હતા અને અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું સાથે જ અનેક ઇમારતોને નુકસાન પણ પહોંચ્યું હતું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવાની મોટી વાતો કરી રહ્યા છે જોકે તેની કોઇ જ અસર નથી થઇ રહી, અનેક બેઠકો છતા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આગળ વધી રહ્યું છે.
લીબિયામાં રશિયાના નેવી બેઝ પર યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને આ હુમલા માટે ડ્રોનની મદદ લીધી હતી, હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ ડુબી ગયું હતું સાથે જ એરક્રાફ્ટ કેરિયર મર્ક્યુરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ હુમલા બાદ રશિયાના નેવી બેઝમાં આગ લાગી ગઇ હતી. આ માહિતી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા આપવામાં આવી હતી. સાથે જ સાઇબેરિયામાં રશિયાની ઓઇલ રિફાઇનરી પર પણ યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ રોસ્ટવ પ્રાંતમાં પણ એક રશિયન ઓઇલ રિફાઇનરીનું કામ સોમવારે અટકાવી દેવુ પડયું હતું, સ્થાનિક ગવર્નર યુરીએ કહ્યું હતું કે યુક્રેનના ડ્રોન અને મિસાઇલ દ્વારા આ હુમલા કરાયા હતા જે છ કલાક સુધી ચાલ્યા હતા. જ્યારે લીબિયાએ યુક્રેનના હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે અને આ સમગ્ર મામલે દખલ દેવાની માગણી કરી છે. આ હુમલામાં લીબિયા અને રશિયાના ૧૦ નાગરિકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત રશિયાની એક કાર્ગો શિપને પણ નિશાન બનાવવામાં આવી હતી.