રશિયન સેના યુક્રેનમાં પોતાના સૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લેશે : પુતીન

- રશિયન પ્રમુખનું વાર્ષિક પત્રકાર પરિષદમાં સંબોધન
- 4.5 કલાક સુધી ચાલેલી વાર્ષિક પત્રકાર પરિષદમાં પુતિને દાવો કર્યો કે રશિયન સેના દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે
- જો કિવ શાંતિ મંત્રણામાં રશિયાની શરતો સાથે સંમત નહીં થાય તો ક્રેમલિન લશ્કરી રીતે તેના લક્ષ્યો પ્રાપ્ત કરી લેશે
મોસ્કો : મોસ્કોનાં સૈનિકો યુક્રેનમાં યુદ્ધ ભૂમિમાં આગળ વધી રહ્યાં છે અને જો કિવ શાંતિ મંત્રણામાં રશિયાની શરતો સાથે સંમત નહીં થાય તો ક્રેમલિન લશ્કરી રીતે તેના લક્ષ્યો પ્રાપ્ત કરી લેશે તેમ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતીને એક નિવેદનમાં જણાવ્યું છે.
૪.૫ કલાક સુધી ચાલેલી વાર્ષિક પત્રકાર પરિષદને સંબોધતા પુતિને જાહેરાત કરી છે કે રશિયન સેના વર્ષના અંત સુધીમાં વધુ પ્રગતિ હાંસલ કરશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં યુદ્ધના શરૂઆતના દિવસોમાં યુક્રેનની સેનાએ રશિયાની મોટી, વધારે સારા શસ્ત્રો ધરાવતી સેના દ્વારા રાજધાની કીવ પર કબજો કરવાના પ્રયત્નને નિષ્ફળ બનાવી દીધો હતો.
જો કે ત્યારબાદ બંને દેશો વચ્ચે જોરદાર અથડામણ ચાલી હતી. મોસ્કોની સેનાએ આ વર્ષોમાં ધીમે ધીમે પણ સતત પ્રગતિ કરી છે. પુતીન હંમેશા આ પ્રગતિની પ્રશંસા કરે છે પછી ભલે આ પ્રગતિ એવી નથી કે જેની અનેક લોકોને આશા હતી.
પુતીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારી સેના સંપર્ક રેખા પાસે દરેક જગ્યાએ આગળ વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં અમારી સેનાની ઝડપ વધારે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝડપ ઓછી છે. જો કે એક વાત હકીકત છે શત્રુ દરેક મોરચે પાછળ ખસી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વાર્ષિક પત્રકાર પરિષદમાં દેશના લોકો પોતાના નેતાને ડાયરેક્ટ પ્રશ્ર પૂછી શકે છે.
૭૩ વર્ષીય પુતીન ૨૫ વર્ષોથી રશિયા પર શાસન કરી રહ્યાં છે અને તેઓ આ કાર્યક્રમનો ઉપયોગ પોતાની સત્તાને મજબૂત કરવા તથા ઘરેલુ અને વૈશ્વિક બાબતો પર પોતાના વિચારો રજૂ કરવા માટે કરે છે.









