World

'બ્યુરેવેસ્ટનિક' મિસાઇલનાં સફળ પરીક્ષણ પછી રશિયા, યુ.એસ. સાથેના પરમાણુ કરારોમાંથી છૂટું થયું

By GS TEAM
28 Oct 20252 mins read
'બ્યુરેવેસ્ટનિક' મિસાઇલનાં સફળ પરીક્ષણ પછી રશિયા, યુ.એસ. સાથેના પરમાણુ કરારોમાંથી છૂટું થયું

- દુનિયાભરમાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે

- સપ્ટેમ્બર 2000માં થયેલા આ કરારો પ્રમાણે અમેરિકા અને રશિયા બંને 34 ટન જેટલું વધારાનું પ્લુટોનિયમ દૂર કરવા સહમત થયા હતા

મોસ્કો : રશિયાના પ્રમુખ પુતિન, અમેરિકા સાથેના ચાવીરૂપ પરમાણુ કરારોમાંથી વિધિવત છૂટા થયા છે. રશિયાએ ખતરનાક તેવાં 'બ્યુરેવેસ્ટનિક' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે. આ કરારોમાં વેપન ગ્રેડ તેવું વધારાનું ૩૪ ટન જેટલું પ્લુટોનિયમ દૂર કરવા બંને દેશો સહમત થયા હતા. પરંતુ રશિયા તેમાંથી સત્તાવાર રીતે ખસી જતાં દુનિયામાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે.

પ્રમુખ પુતિને આ નિર્ણય ડુમાએ (સંસદે) આપેલી મંજૂરી પછી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

૨૦૦૦માં બંને દેશો વચ્ચે થયેલા કરારો પ્રમાણે બંને દેશો તેઓનું વેપન ગ્રેડ તેવું ૩૪ ટન જેટલું પ્લુટોનિયમ દૂર કરવા (સંભવત: ભૂગર્ભમાં ઊંડે સુધી દાટી દેવા) સહમત થયા હતા. તેનો હેતુ વધુ પરમાણુ શસ્ત્રો બનાવતાં અટકી જવાનો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિને, ડુમાનાં બંને ગૃહોની સંયુક્ત સભાને કરેલાં સંબોધનમાં જાહેર કર્યું હતું કે આપણા વિજ્ઞાાનીઓએ પરમાણુ શક્તિથી સંચાલિત અને પરમાણુ બોમ્બ લઇ જઇ શકે તેવાં પ્રબળ ક્રૂઝ મિસાઇલ બ્યુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ કર્યું છે. જે ઘણાં દૂર અંતર સુધી ધાર્યું નિશાન પાડી શકે તેવું છે. પ્રમુખ પુતિનની આ જાહેરાતને ડુમાના સભ્યોએ હર્ષનાદો અને તાલિના ધ્વનિ સાથે વધાવી લીધી હતી.

બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાએ કરેલાં આ મિસાઇલ પરીક્ષણને અયોગ્ય કહેતાં પ્રમુખ પુતિનને યુક્રેન યુદ્ધ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

અમેરિકાના પ્રમુખ માટેનાં ઉડતા કિલ્લા જેવાં વિશિષ્ટ વિમાન એરફોર્સ વનમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે આપણી પાસે ન્યુક્લિયર સબમરીન્સ છે. દુનિયાની તે સર્વશ્રેષ્ઠ સબમરીન છે તે તેમના (રશિયાના) સાગર તટથી થોડે દૂર જ ગોઠવાયેલી છે તેથી ૮,૦૦૦ માઇલ જેટલા દૂર જવાની આપણે જરૂર જ નથી. ખરી વાત તો તે છે કે તેઓ કૈં આપણી સાથે રમત રમતા નથી. આપણે પણ તેમની સાથે રમત રમતા નથી. તે મિસાઇલ અંગે મારે તેટલું જ કહેવાનું છે કે તે યથાયોગ્ય નથી જ. પુતિને આવાં મિસાઇલ પરીક્ષણોને બદલે યુક્રેન યુદ્ધ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

કેટલાક વિશ્લેષકો તેવી સ્પષ્ટ આશંકા દર્શાવે છે કે હવે ટ્રમ્પ પણ આ પ્રકારનાં પરમાણુ શક્તિથી સંચાલિત અને ૫૦થી ૧૦૦ કીલોમીટર જેટલી જ ઓછી ઉંચાઈએ ઉડી (રડાર ચુકવી) ધાર્યા નિશાને પરમાણુ બોમ્બ નાખી શકે તેવાં મિસાઇલ્સ બનાવશે જ. 

ટૂંકમાં બે ખૂંખાર સત્તાઓ સામસામા ફૂંફાડા મારે છે. દુનિયાનો શ્વાસ અધ્ધર થઇ ગયો છે.