Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂર્ણ થવાને આડે બે દિવસ બાકી છે ત્યારે મોસ્કો પર યુક્રેને મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ કારણે રશિયાના હવાઈ અડ્ડાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, યુક્રેને રશિયાના અનેક વિસ્તારમાં રાતભર ડ્રોન હુમલા કર્યા છે, જેમાં મુખ્ય રૂપથી બેલગોરોડ બોર્ડરના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે તેમાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે, જેમાં એક ત્રણ વર્ષ બાળકી પણ સામેલ છે.
86 યુક્રેની UAVને ઈન્ટરસેપ્ટ કરી નષ્ટ કર્યા: રશિયા
રવિવારે એક નિવેદનમાં રશિયન મંત્રલાયે જણાવ્યું કે, રશિયન એર ડિફેન્સે 9 વિસ્તારમાં 86 યુક્રેની UAVને ઈન્ટરસેપ્ટ કરી નષ્ટ કરી દીધા છે. સૌથી વધારે 29 ડ્રોન બેલગોરોડ બોર્ડર પર તોડી પાડવામાં આવ્યા છે. જે બાદ સેન્ટ્રલ રશિયાના સારાતોવ ક્ષેત્રમાં 14 ડ્રોન નષ્ટ કર્યા છે. સ્થાનિક તંત્રના દાવા મુજબ એક ડ્રોન બોર્ડરથી દૂર ક્રાસિવો ગામ પાસે એક કારને ટક્કર મારી હતી. જેથી એક વ્યક્તિ અને એક ત્રણ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. બંનેને છરા વાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રશિયાએ વળતો પલટવાર કર્યો
જવાબી કાર્યવાહીમાં રશિયાએ યુક્રેનના એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલા ઉપકરણોને નિશાન બનાવ્યા છે. રશિયાના હુમલામાં યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે, યુક્રેનના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. રશિયા અધિકારીઓનું કહેવું છે કે, 'હુમલા સામાન્ય નાગરિકોને નિશાન નથી બનાવતા'
આ પહેલા યુક્રેનના ડ્રોને રશિયાના ઉદમૂર્ત ગણરાજ્યમાં એક ઔદ્યોગિક સ્થળને નિશાન બનાવ્યું હતું. રશિયાના રિજનલ પ્રમુખ એલેક્ઝાન્ડર બ્રેચાલોવે ટેલીગ્રામ પોસ્ટમાં આ હુમલાની પુષ્ટી કરી અને કહ્યું હતું કે, ડ્રોન હુમલાથી સંબંધિત સ્થળને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે આ ઔદ્યોગિક સ્થળનું નામ જણાવ્યું નહોતું. રશિયન ટેલિગ્રામ ચેનલ એક્સ્ટ્રાએ દાવો કર્યો કે આ હુમલો વોટકિંસ્ક મશીન બિલ્ડિંગ પ્લાન્ટ પર થયો છે, જે એક મહત્વનું સરકારી સંરક્ષણ એકમ છે અને આ એકમ ઈસ્કંદર બેલિસ્ટિક મિસાઈલ તથા પરમાણુ ક્ષમતાવાળી આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલોનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટ યુક્રેનથી લગભગ 1400 કિ.મી. દૂર છે. આ હુમલામાં 11 લોકોને ઈજા પહોંચી હતી.


