World

યુક્રેન પર રશિયા ત્રાટક્યું : ભીષણ હુમલામાં 21નાં મોત

By GS Team
6 Aug 20264 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે, જેમાં 48 કલાકમાં 60 લોકોના ભોગ લેવાયા. રશિયાએ યુક્રેનના 475 ડ્રોન તોડી પાડ્યા અને બ્લેક સીમાં શસ્ત્રો લઈ જતાં 3 બલ્ક કેરિયર પર હુમલો કર્યો. જવાબમાં યુક્રેને રશિયાની ડ્રોન ફેક્ટરીના CEOની કારમાં બ્લાસ્ટ કર્યો, જેમાં ડ્રાઈવરનું મોત થયું. યુક્રેન હવે હવાઈ સંરક્ષણ પ્રણાલીની માંગ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન પર રશિયા ત્રાટક્યું : ભીષણ હુમલામાં 21નાં મોત
  • રશિયા-યુક્રેન યુદ્ધ વધુ તીવ્ર બન્યું : 48 કલાકમાં 60 લોકોનો ભોગ લેવાયો
  • રશિયાએ યુક્રેનના 475 ડ્રોન તોડી પાડયા, બ્લેક સીમાં યુક્રેન માટે શસ્ત્રો લઈ જતાં ત્રણ બલ્ક કેરિયર પર હુમલો કર્યો
  • યુક્રેનનો વળતો પ્રહાર : રશિયા માટે ડ્રોન બનાવતી ફેક્ટરીના સીઇઓની કારમાં બ્લાસ્ટ કર્યો

કીવ : રશિયા મિસાઇલ અને ડ્રોન વડે યુક્રેન પર તૂટી પડયુ હતુ. રશિયાએ લગભગ બે કલાક સુધી યુક્રેન પર મિસાઇલ અને ડ્રોનનો ભીષણ મારો ચલાવ્યો હતો. રશિયાએ કુલ ૨૪ બેલેસ્ટિક મિસાઇલ અને ૧૧૫ જેટ પાવર્ડ ડ્રોન વડે ત્રાટક્યુ હતુ. રશિયાના આ ભીષણ હુમલામા યુક્રેનમાં ૨૧ના મોત થયા હતા અને ૪૪ ઘાયલ થયા હતા. યુક્રેને પણ વળતો પ્રહાર કરીને રશિયન ડ્રોન ફેક્ટરીના વડાને ઉડાવ્યો હતો. રશિયા-યુક્રેનના યુદ્ધે બે દિવસમાં ૬૦ લકોનો ભોગ લીધો હતો.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ તેના બેલેસ્ટિક મિસાઇલ-કમ-ડ્રોન એટેકમાં બુ્રઇંગ કંપની, બાંધકામ સામગ્રી બનાવતું વેરહાઉસ, ધંધાકીય સંકુલ, ટ્રેન સ્ટેશન, મેઇલ સોર્ટ કરતી ઓફિસને લક્ષ્યાંક બનાવી હતી, જેને આ યુદ્ધ સાથે સ્નાસૂતકનો પણ સંબંધ ન હતો. તેની સામે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે હુમલો કર્યો તે કારોબારો કોઈને કોઈ સ્વરૂપમાં લશ્કર સાથે સંબંધ ધરાવતા હતા.
યુક્રેન રશિયાના બેલેસ્ટિક મિસાઇલો આંતરી શકતું ન હોવાથી તેણે સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ પૂરતા પ્રમાણમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ આપે, જેથી રશિયાના હુમલાનો વધુ સારી રીતે સામનો કરી શકાય અને મૃત્યુઆંક ઘટાડી શકાય. જો અમારી પાસે પૂરતા પ્રમાણમાં એર ડિફેન્સ હોત તો હાલમાં મૃત્યુ પામ્યા છે તેટલા નાગરિકો મૃત્યુ પામ્યા ન હોત. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના અર્ધવાર્ષિક સમયગાળામાં યુક્રેનને ડિફેન્સ મિસાઇલ પૂરુ પાડવાનું પ્રમાણ ૨૦૨૫ની તુલનાએ ત્રીજા ભાગનું થઈ ગયું છે. અમારા ભાગીદારો જો અમને મિસાઇલ પૂરા નહી પાડે તો અમારી જાનહાનિ સતત વધતી જ જશે.
જો કે રશિયાના હુમલાનો યુક્રેને વળતો જવાબ આપ્યો હતો. શાંતિના કોઈ સંજોગો દેખાતા નથી ત્યારે રશિયાને વાટાઘાટના ટેબલ પર લાવવા યુક્રેન હવે રશિયામાં સતત ઊંડે પ્રહાર કરી રહ્યુ છે. તેની રીફાઇનરીઓ અને ઓઇલ ડેપોને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. આવા જ એક હુમલામાં યુક્રેને રશિયાની ડ્રોન બનાવતી ફેક્ટરીના સીઇઓ પર હુમલો કર્યો હતો. રશિયન લશ્કર માટે એફપીવી ડ્રોન બનાવતી કંપની યુરાલડ્રોનજાવોદના સીઇઓ વ્લાદીમીર તકાચુક તેમની મર્સીડીઝ બેન્ઝ કારમાં જતા હતા ત્યારે તેમા બોમ્બ ફીટ કરાયો હતો. તેમની કાર ચાલતી હતી ત્યારે તેમા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં તેમના ડ્રાઇવરનું મોત થયું છે અને તે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ડ્રોનનો ઉપયોગ સશસ્ત્ર વાહનો ઉડાડવા માટે કરવામાં આવે છે. આ અગાઉ એક હુમલામાં અન્ય એક ડ્રોન ફેક્ટરીના વડા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ યુક્રેન હવે રશિયા માટે શસ્ત્રો ડિઝાઇન કરનારા પર પણ હુમલા કરી રહ્યું છે.
યુક્રેને આ સિવાયના અન્ય હુમલામાં રશિયાના લોજિસ્ટિક્સને નિશાન બનાવ્યા હતા. તેમા વાઇલ્ડ બેરીઝ ખાતેની ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. તે રશિયાની સૌથી મોટી રિટેલર છે. યુક્રેનિયન ડ્રોનનો આ કંપનીના ૧૪મા વેરહાઉસ પર હુમલો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના દળોએ લગભગ ૪૭૫ યુક્રેનિયન ડ્રોન તોડી પાડયા હતા. આ ડ્રોન રશિયાના કુલ ૧૬ પ્રાંત પર ત્રાટક્યા હતા. આ સિવાય રશિયાએ દાવો કર્યો હતો કે તેણે ઓેડેસાના બ્લેક સીમાં ત્રણ બલ્ક કેરિયર પર હુમલો કર્યો છે, જે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાર બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા તકચુક નાના પાયા પરના ઉદ્યોગસાહસિક છે. તેમણે એન્જિનીયરોની ટીમ સ્થાપીને રશિયા માટે ઉપિર ડ્રોન વિકસાવ્યા છે. આ ઉપિર ડ્રોન એકદમ સસ્તા છે અને તેનું સંચાલન સરળ છે. રશિયન લશ્કર માટે તે ખૂબ જ ઉપયોગી નીવડયા છે. તે જામ પણ થતા નથી. સપ્ટેમ્બર ૨૦૨૪માં તકાચુકે પ્રમુખ પુતિન સમક્ષ તેની ડિઝાઇન રજૂ કરી હતી. આ સિવાય તકાચુક ક્રેમલિનના યુક્રેન સામેના લશ્કરી પગલાના પ્રબળ સમર્થક છે. તેઓ વોર ચેનલ પણ ચલાવે છે, તેના ટેલિગ્રામ પર ૬.૫૦ લાખથી વધુ ફોલોઅર છે. તેના સ્પતાહ પહેલા વધુ એક ડ્રોન મેકર એન્દ્રેઇ ચેરેઝોવને પણ તુલા ખઆતે ગોળી મારવામાં આવી હતી.

યુક્રેનમાં હુમલા માટે આવેલું રશિયન ડ્રોન શાકભાજીવાળા પાછળ પડયું !
કીવ : યુક્રેનમાં શાકભાજીવાળા પાછળ રશિયાનું ડ્રોન પડયુ હતુ. તેનો વિડીયો પણ વાઇરલ થયો છે. યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર ખેરસનમાં રશિયન ડ્રોન એક શાકભાજીવાળાનો પીછો કરીને તેના પર ત્રાટક્યું હતું. તેના લીધે તે ઇજા પામ્યો હતો. વિડીયોમાં ડ્રોન રસ્તાના કિનારે દુકાન તરીકે ઉપયોગમાં લેવાતી વેનની આસપાસ એક વ્યક્તિનો પીછો કરતું દેખાયુ. આ વ્યક્તિ જેવો બચાવ માટે વાન પાછળ છૂપાય છે તરત જ ડ્રોનમાં વિસ્ફોટ થાય છે.
લગભગ ૫૦ વર્ષની વયનો આ વ્યક્તિ બચી તો ગયો, પરંતુ તેને ઇજા થઈ છે. તે આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોએ યુદ્ધની વિભિષિકા પરત્વે પણ ધ્યાન દોર્યુ છે.