World

રશિયાનો યુક્રેન પર ડ્રોન અમે મિસાઇલ હુમલો ઃ ત્રણનાં મોત

By GS TEAM
23 Dec 20252 mins read
રશિયાનો યુક્રેન પર ડ્રોન અમે મિસાઇલ હુમલો ઃ ત્રણનાં મોત


(પીટીઆઇ)     કીવ, તા. ૨૩

રશિયાએ સોમવાર રાતે યુક્રેન પર ૬૫૦થી વધુ ડ્રોન અને ત્રણ ડઝન મિસાઇલ છોડી હતી. આ વ્યાપક હુમલો રાતે શરૃ થયો હતો અને મંગળવાર સુધી ચાલુ રહ્યો હતો. આ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના ૧૩ વિસ્તારોના ઘરો  અને વીજળી ગ્રીડને નિશાન બનાવતા કાતિલ ઠંડીમાં વ્યાપક સ્તરે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે રશિયાના હુમલાથી રશિયન પ્રમુખ પુતિનનો ઇરાદો યુક્રેન પર હુમલા ચાલુ રાખવાનો છે તે પુરવાર થઇ ગયું છે.

યુક્રેન અને યુરોપિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે પુતિન અમેરિકાના નેતૃત્ત્વવાળા શાંતિ પ્રયાસોમાં ગંભીરતાથી સહકાર આપી રહ્યાં નથી.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલો નાતાલ પહેલા એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે લોકો પોતાના પરિવારજનો સાથે ઘરમાં સુરક્ષિત રહેવા માંગે છે.

વાસ્તવમાં આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે મંત્રણાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ કરાર માટે બંને દેશો પર દબાણ કરી રહ્યાં છે પણ મોસ્કો અને કીવની અલગ અલગ માંગણીઓને કારણે મંત્રણા આગળ વધી શકતી નથી.

અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે તેમણે ફલોરિડામાં યુક્રેનિયન અને યુરોપિયન પ્રતિનિધિઓ સાથે સકારાત્મક મંત્રણા કરી હતી. ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે મંત્રણા સારી રીતે ચાલી રહી છે.