World

રશિયાએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને સોંપી મોટી જવાબદારી, યુક્રેન સાથેના કરોડો ડૉલરનો કાનૂની વિવાદ ઉકેલશે!

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારી મળી છે. રશિયાએ યુક્રેનની સરકારી 'ઓશાડબેંક' સાથેના કરોડો ડોલરના રોકાણ વિવાદમાં તેમને પોતાના મધ્યસ્થ તરીકે પસંદ કર્યા છે. આ વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બેંકને થયેલા આર્થિક નુકસાન અને વળતરના દાવાઓ સાથે જોડાયેલો છે. 3 સભ્યોની ટ્રિબ્યુનલ આ કેસની સુનાવણી કરશે. રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને સોંપી મોટી જવાબદારી, યુક્રેન સાથેના કરોડો ડૉલરનો કાનૂની વિવાદ ઉકેલશે!
IMAGE - IANS

DY Chandrachud Russia Ukraine arbitrator: ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ(CJI) ડી.વાય. ચંદ્રચૂડને એક મહત્ત્વની આંતરરાષ્ટ્રીય જવાબદારી મળી છે. રશિયાએ યુક્રેનની સરકારી 'ઓશાડબૅંક' સાથે ચાલી રહેલા કરોડો ડૉલરના રોકાણ વિવાદમાં તેમને પોતાના મધ્યસ્થ (સંચાલક) તરીકે પસંદ કર્યા છે. આ સમગ્ર વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બૅંકને થયેલા મોટા આર્થિક નુકસાન અને તેના વળતરના દાવાઓ સાથે જોડાયેલો છે.

ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલ કરશે કેસની સુનાવણી

'ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ'ના અહેવાલ મુજબ, આ હાઇ-પ્રોફાઇલ વિવાદનો ઉકેલ લાવવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ (ટ્રિબ્યુનલ) બનાવવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી ડિયાલા જિમેનેજને રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે રશિયા તરફથી ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને યુક્રેનની ઓશાડબૅંક તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ આ કમિટીમાં મધ્યસ્થ તરીકે સામેલ થશે.

શું છે કરોડો ડૉલરનો આ આંતરરાષ્ટ્રીય વિવાદ?

આ મધ્યસ્થતા પ્રક્રિયા રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 1998માં થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ હેઠળ શરૂ કરવામાં આવી છે. યુક્રેનની ઓશાડબૅંકનો દાવો છે કે 2022માં રશિયાના લશ્કરી હુમલાને કારણે ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસાન અને ઝાપોરિઝિયા જેવા વિસ્તારોમાં તેની મિલકતો અને બિઝનેસ સંપૂર્ણપણે છીનવાઈ ગયા છે, જેનાથી તેને ભારે આર્થિક નુકસાન થયું છે. આ નુકસાનને સરભર કરવા માટે બૅંકે જુલાઈ 2025માં રશિયાને નોટિસ મોકલી હતી, પરંતુ રશિયા તરફથી કોઈ જવાબ ન મળતાં બૅંકે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.

અગાઉ રશિયાની આ જ ઓફર ફગાવી ચૂક્યા છે જસ્ટિસ ચંદ્રચૂડ

આ અગાઉ પણ રશિયાએ 'વિન્ટર્સહૉલ ડીયા' અને 'ઉક્રેનર્ગો' સાથેના વિવાદોમાં જસ્ટિસ ચંદ્રચૂડને મધ્યસ્થ બનવા માટે ઓફર કરી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નહોતી. પાછળથી આંતરરાષ્ટ્રીય અદાલતે (પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન) તેમને આ કેસમાં નિર્ણાયક અધિકારી બનાવ્યા, ત્યારે તેમણે પોતે જ રશિયા તરફથી અગાઉ મળેલી આ ઓફર વિશે બધું સ્પષ્ટ કર્યું હતું અને તે ભૂમિકામાંથી પણ પોતાની જાતે જ ખસી ગયા હતા.

બંને દેશો તરફથી કાનૂની ટીમો મેદાને

આ હાઇ-પ્રોફાઇલ કેસમાં ઓશાડબૅંક વતી 'ક્વિન ઈમેન્યુઅલ અર્કહાર્ટ ઍન્ડ સુલિવન' અને 'એસ્ટર્સ' લૉ ફર્મના વકીલો પક્ષ રાખશે. જ્યારે રશિયા તરફથી 'પિન્ના ગોલ્ડબર્ગ' લૉ ફર્મના ભાગીદાર એન્ડ્રિયા પિન્ના, ભારતીય મૂળના વકીલ પ્રત્યુષ પંજવાણી અને સિનિયર એસોસિએટ ડિમિત્રિયોસ પાપાજોર્જિયૂ રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.