રશિયાએ એક સપ્તાહમાં 1270 ડ્રોન, 39 મિસાઈલ, 1000 શક્તિશાળી ગ્લાઈડ બોંબ ઝિંક્યા, ઝેલેન્સ્કીનો દાવો
Russia-Ukraine War : રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારમાં ફરી 100થી વધુ ડ્રોન ઝિંક્યા હોવાનો માહિતી સામે આવી છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે, રશિયા અમારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે અને જ્યાં વસ્તી વધુ છે ત્યાં ડ્રોનથી હુમલો કર્યો છે. બીજીતરફ રશિયાએ યુક્રેનના સંબંધી હુમલાને ધ્યાને રાખી એરપોર્ટો પરની અનેક ફ્લાઈટો રદ કરી દીધી છે.
રશિયાએ એક સપ્તાહમાં ભયાનક હુમલો કર્યો, ઝેલેન્સ્કીનો દાવો
યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે, ‘રશિયા છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર હુમલા કરી રહ્યું છે, જેમાં 10 નાગરિકોના મોત અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોમવારે (7 જુલાઈ) કહ્યું કે, ‘રશિયાએ અમારા દેશ પર લગભગ 1270 ડ્રોન, 39 મિસાઈલો અને 1000 શક્તિશાળી ગ્લાઈડ બોંબ ઝિંક્યા છે.
આ પણ વાંચો : UAEમાં કાયમી વસવાટની સુવર્ણ તક
યુક્રેનના અનેક વિસ્તારોમાં રશિયાના હુમલા
યુક્રેનિયન અધિકારીઓએ કહ્યું કે, રશિયાના તાજેતરના હુમલામાં દક્ષિણ શહેર ઓડેસામાં એક વ્યક્તિનું મોત થયું છે, ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવમાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ડ્રોન હુમલામાં રાજધાની કિવના બે વિસ્તારોને નુકસાન થયું છે. રશિયાના ટૂંકા અંતરના ડ્રોન હુમલામાં સુમીના ઉત્તરીય પ્રદેશમાં બે લોકોના મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. રશિયાએ સુમી પાસે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. ડોનેટ્સક પ્રદેશના ગવર્નર વાદિમ ફિલ્યાશ્કિને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સાત લોકોના મોત અને નવ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : પુતિનના રડારમાં આવેલા કેબિનેટ મંત્રીનું મોત
યુક્રેને અમેરિકા-યુરોપ પાસેથી મદદ માંગી
યુક્રેને જ્યાં સેના તહેનાત કરી છે, ત્યાં રશિયન સેનાએ એક હજાર કિલોમીટરની ફ્રન્ટ લાઈન પરના કેટલાક સ્થળો પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. આવા ભયાનક હુમલા, યુક્રેન પર યુદ્ધવિરામ કરવાનું દબાણ અને શાંતિ વાર્તામાં પ્રગતિ થતી ન હોવાના કારણે યુક્રેન અમેરિકા-યુરોપ પાસેથી વધુ સૈન્ય મદદ માંગી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના 91 ડ્રોન તોડી પાડ્યા
બીજીતરફ રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે (7 જુલાઈ)એ કહ્યું કે, ‘ગત રાત્રે યુક્રેને રશિયાના 13 વિસ્તારો, કાલા સાગર અને રશિયાના કબજા હેઠળના ક્રીમિયમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન રશિયન સેનાએ યુક્રેનના 91 ડ્રોન તોડી પાડ્યા છે.
આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં ‘સજા-એ-મોત’નો નવો રેકોર્ડ, 6 મહિનામાં 180 લોકોને ફાંસી આપી