સાઉદી અરેબિયામાં ‘સજા-એ-મોત’નો નવો રેકોર્ડ, 6 મહિનામાં 180 લોકોને ફાંસી આપી, માનવાધિકાર સંગઠન ચિંતિત
Saudi Arabia Death Penalty Record : સાઉદી અરેબિયામાં ‘સજા-એ-મોત’નો દર વર્ષે આંકડો વધતાં માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ છેલ્લા 30 વર્ષમાં 2024માં રેકોર્ડ 345 લોકોને ફાંસીએ ચઢાવ્યા છે. જ્યારે 2025માં છ મહિનામાં 180 લોકોને ‘સજા-એ-મોત’ હેઠલ ફાંસીના માંચડે ચઢાવી દેવાયા છે.
‘સજા-એ-મોત’ને માનવધિકારનું ઉલ્લંઘન
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું કે, ‘સાઉદી અરેબિયામાં ગત વર્ષે રેકોર્ડ સંખ્યામાં લોકોને ફાંસી આપવામાં આવી છે. આમાંથી મોટાભાગના કેસ નશા સંબંધીત પણ જીવલેણ ન હોવાના ગુના સામેલ હતા.’ આ મામલે સાઉદી અરેબિયા તરફથી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, પરંતુ માનવાધિકાર ગ્રૂપે સાઉદીના ‘સજા-એ-મોત’ને માનવધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ, સાઉદી અરેબિયામાં વર્ષ 2024માં કુલ 345 લોકોને ફાંસીએ ચઢાવાયા હતા, જે છેલ્લા 30 વર્ષથી સૌથી વધુ છે. જ્યારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં 180 લોકોને ફાંસી આપવામાં આવી છે, જે એક નવો રેકોર્ડ બની શકે છે.
‘અહિંસક ગુનામાં ગંભીર સજા આપવી અયોગ્ય’
વધુ એક માનવાધિકાર સંગઠન રીપ્રાઈવના રિપોર્ટ મુજબ, ‘સાઉદી અરેબિયામાં છ મહિનામાં 180 લોકોને ફાંસી આપવામાં આવી છે, જેમાંથી એક તૃતિયાંશ એટલે કે લગભગ 45 લોકોને નશા સંબંધીત ગુનામાં ફાંસીએ ચઢાવાયા છે. આ એવો ગુનો છે, જેમાં કોઈનો પણ જીવ ગયો નથી. સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે, બિન-હિંસાત્મક ગુનાઓમાં આવી ગંભીર સજા દેવી અયોગ્ય છે.
આ પણ વાંચો : UAEમાં કાયમી વસવાટની સુવર્ણ તક
સૌથી વધુ વિદેશી નાગરિકોને ફાંસીની સજા
એમનેસ્ટીના રિપોર્ટ મુજબ, ‘સાઉદી અરેબિયામાં નશાના કેસોમાં જે ગુનેગારોને ફાંસીએ ચઢાવાયા છે, તેમાં સૌથી વધુ વિદેશી નાગરિકો છે. આમાંથી કેટલાક લોકોને કાયદાકીય પ્રક્રિયા ખબર નથી અને તેમને વકીલ પણ આપવામાં આવ્યા નથી. આ વર્ષે સાઉદી અરેબિયામાં જેટલા લોકોને ફાંસી અપાઈ છે, તેમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા.
સજા નીતિ ફેરફારની સંભાવના
માનવ અધિકાર કાર્યકર્તા ઝિયાદ બસયૌની માને છે કે. જો સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઈચ્છે તો આ નીતિ તાત્કાલિક બદલાઈ શકે છે. તેઓ માફી આપી શકે છે અથવા કાયદામાં સુધારો કરી શકે છે. પરંતુ અત્યાર સુધી આવું કોઈ પગલું લેવામાં આવ્યું નથી.