રશિયાના દિગ્ગજ મંત્રીનું શંકાસ્પદ મોત, પુતિને થોડા કલાકો પહેલા જ કેબિનેટમાંથી હાંકી કાઢ્યા હતા
Russia Former Minister Roman Starovoit Dead : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેબિનેટ મંત્રી અને કદાવર નેતા રોમન સ્ટારોવોઇટ મૃત હાલતમાં મળી આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, સ્ટારોવોઇટના મોતના ત્રણ કલાક પહેલા જ પુતિને તેમને કેબિનેટમાંથી હાંકી કાઢ્યા હતા. રશિયન સરકારમાં સ્ટારોવોઇટ પરિવહન વિભાગ સંભાળતા હતા. સ્ટારોવોઇટે આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા કરવામાં આવી, તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
કેબિનેટ મંત્રીના મૃતદેહ પાસેથી બંદૂક મળી
રશિયાની લોકપ્રિય સ્વતંત્ર સમાચાર સાઇટ ‘મેડુઝા’એ રશિયન સ્થાનિક મીડિયાને ટાંકીને લખ્યું છે કે, ‘સ્ટારોવોઇટને સોમવારે મંત્રી પદ પરથી હટાવ્યાના ત્રણ કલાક બાદ ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. સ્ટારોવોઇટે આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. ટેલિગ્રામ 112ના રિપોર્ટ મુજબ, ‘સ્ટારોવોઇટના મૃતદેહ પાસે બંદૂક મળી આવી છે.’ રશિયાના ઈમરજન્સી સેવાના એક સૂત્રએ રાજ્ય સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તીએ સ્ટારોવોઇટનું મોત થયું હોવાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : UAEમાં કાયમી વસવાટની સુવર્ણ તક
સ્ટારોવોઇટ એક વર્ષ પહેલા મંત્રી બનાવાયા હતા
વ્લાદિમીર પુતિને સ્ટારોવોઇટને એક વર્ષ પહેલા મંત્રી પદ સોંપ્યું હતું, જોકે કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમને પદ પરથી હટાવાયા હતા. એવું કહેવાય છે કે, થોડા દિવસો પહેલા યુક્રેને રશિયા પર ડ્રોનથી હુમલો કર્યો હતો, ત્યારથી સ્ટારોવોઇટ પુતિનના રડારમાં આવી ગયા હતા. ક્રેમલિને સોમવારે સ્ટારોવોઇટના સ્થાને જુનિયરને મંત્રી પદ સોંપ્યું છે. ક્રેમલિને આંદ્રેઈ નિકિતિનને રશિયાના નવા પરિવહન મંત્રી બનાવ્યા છે.