World

રશિયાએ યુક્રેનમાં ઓડેસા બંદરને કાટમાળ બનાવ્યું : આઠનાં મોત

By GS TEAM
20 Dec 20252 mins read
રશિયાએ યુક્રેનમાં ઓડેસા બંદરને કાટમાળ બનાવ્યું : આઠનાં મોત

સમુદ્ર સાથેનું યુક્રેનનું જોડાણ કાપવાનું રશિયાનું અભિયાન

પોર્ટ સિટી  ઓડેસા પર છેલ્લા નવ દિવસથી રશિયાના હુમલા ચાલુ છે, છેલ્લા અઠવાડિયાથી શહેરમાં અંધારપટ્ટ

મોસ્કો: રશિયાએ યુક્રેનને સમુદ્રથી કાપવાના અભિયાનમાં આગેકૂચ કરતાં હોય તેમ ઓડેશા બંદરને કાટમાળ બનાવી દેતા  હુમલો કર્યો છે. આ હુમલામાં આઠના મોત થયા છે અને ૨૭ને ઇજા થઈ છે. આમ મોસ્કોએ વ્યૂહાત્મક બ્લેક સી રિજયનમાં તેના હુમલા તીવ્ર બનાવ્યા છે. યુક્રેને રશિયાની સમુદ્રની અંદરની ઓઇલ રિગ અને તેની રખેવાળી કરતાં જહાજ પર હુમલો કરતાં રશિયાએ વળતો હુમલો કર્યો હતો. 

એકબાજુએ અમેરિકાની યુરોપ, કીવ અને રશિયા સાથેની શાંતિ મંત્રણાના પ્રયત્નો વધુને વધુ સઘન બની રહ્યા છે તેમ યુદ્ધ પણ વધુને વધુ તીવ્ર બની રહ્યુ છે. રશિયાએ આ બાજુ પૂર્વી યુક્રેનમાં આગળ વધતાં પૂર્વી ડોનેત્સ્ક પ્રાંતમાં સ્વિટલ વિસ્તારમાં કેટલાક ગામડા અને ઉત્તરપૂર્વી સુમી રિજયનમાં વ્યોસ્કને કબ્જે કર્યાનો દાવો કર્યો હતો. જો કે રશિયાના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકે તેમ નથી.

યુક્રેને પણ રશિયાની લશ્કરી અને એનર્જી એસેટ્સ પર હુમલા કરવા માંડયા છે. યુક્રેનિયન ડ્રોને શુક્રવારે ફિલાનોવ્સ્કી ઓઇલ રિગ પર હુમલો કર્યો હતો. કાસ્પિયન સીમાં આવેલી આ રિગ એનર્જી જાયન્ટ લ્યુકોઇલની છે. આ ઉપરાંત પ્લેટફોર્મની નજીક ઉભેલા લશ્કરી રખેવાળ જહાજને પણ નિશાન બનાવ્યું હતું. કાસ્પિયન સમુદ્રમાં ડ્રિલિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પર યુક્રેનનો આ પ્રથમ સત્તાવાર હુમલો મનાય છે. જો કે રિગ પર ડિસેમ્બર પહેલા પણ બે વખત હુમલો થઈ ચૂક્યો છે. યુક્રેનના હુમલામાં રશિયાને કેટલું નુકસાન થયું છે તે અંગે રશિયાએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી. 

રશિયા યુક્રેનને સમુદ્રથી કાપી નાખવા માટે તેના પોર્ટ સિટી ઓડેેશા પર છેલ્લા નવ દિવસથી હુમલા કરી રહ્યુ છે. તેના કારણે આખા શહેરમાં  અને તેની આસપાસના વિસ્તારોમાં અઠવાડિયાથી વીજળી નથી. આ હુમલાના કારણે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને બીજા જહાજોને ખૂબ જ નુકસાન થયું છે. પ્રાંતના મેયરે જણાવ્યું હતું કે ઓડેશા શહેર પર બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો છે. 

બીજી બાજુએ અમેરિકા યુરોપ, યુક્રેન અને રશિયા સાથે શાંતિ મંત્રણાને વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેના ભાગરૂપે અમેરિકન અધિકારીઓ યુરોપ અને યુક્રેનના પ્રતિનિધિઓને અલગથી મળશે. તેના પછી રશિયન પ્રવક્તા દમિત્રિને મળશે.