રશિયાનો સળંગ છઠ્ઠા દિવસે કીવ પર હુમલો : એક ભારતીય સહિત 12નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ત્રણ બાળકો સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ
- રશિયાએ ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો, જેટ પાવર્ડ ડ્રોન, ગ્લાઇડ બોંબથી કીવનાં આઠ સ્થળોને નિશાન બનાવ્યા
કીવ : રશિયાએે સમગ્ર રાત અને મંગળવાર સવાર સુધી યુક્રેનની રાજધાની કીવ પર બોંબમારો કર્યો હતો. ૧૨ કલાક સુધી ચાલેલા રશિયાનાં આ હવાઇ હુમલામાં એક ભારતીય સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ હુમલાનો ઉદ્દેશ લોકોને ડરાવવાનો હતો.
રશિયાએ સળંગ છઠ્ઠા દિવસે યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત રશિયાએ સળંગ છઠ્ઠા દિવસે કીવ પર હુમલો કર્યો છે.
સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો હેતુ સામાન્ય લોકોનાં જીવનમાં અવરોધ ઉભો કરી તેમના જીવનને અસ્ત વ્યસ્ત બનાવવાનો છે.
રશિયાએ ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો, જેટ પાવર્ડ ડ્રોન, ગ્લાઇડ બોંબ તોપથી કરેલા હુમલાઓમાં કીવનાં આઠ અલગ અલગ સ્થળોને નિશાન બનાવ્યા હતાં. આ હુમલાઓમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે લાખો યુક્રેની બાળકો નવા શૈક્ષણિક વર્ષ માટે શાળાઓમાં પરત ફરી રહ્યાં હતાં.
યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીનાં જણાવ્યા અનુસાર મૃતકોમાં એક ભારતીય પણ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કીવ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ૩૫૦ ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં.
યુક્રેનનાં એરફોર્સનાં જણાવ્યા અનુસાર સોમવાર સાંજે ૬ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા હુમલા મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યાં હતાં. જેમાં બેલેસ્ટિક, ક્રૂઝ અને એન્ટી રડાર મિસાઇલોની સાથે ૨૧૮ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બે રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે અને એક ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ લાગી છે. આ દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે તેણે યુક્રેનનાં ૫૧૬ ડ્રોન તોડી પાડયા છે.




