- નવાં ન્યૂક્લિયર વેપન્સ બનાવાશે : જૂનાંને આધુનિક કરાશે
- વ્હાઈટ હાઉસે સંરક્ષણ બજેટ માટે 1.5 ટ્રિલિયન ડૉલર માગ્યા છે જે હજી સુધીનું સૌથી મોટું સંરક્ષણ બજેટ છે : સૈનિકોનો પગાર 5-7 ટકા વધાર્યો
વૉશિંગ્ટન (ડી.સી.) : ઈરાન યુદ્ધ ચકરાવે ચઢ્યું છે. ટ્રમ્પને પૈસાની જરૂર છે. અહેવાલો જણાવે છે કે અમેરિકાએ તેનું સંરક્ષણ બજેટ ગત વર્ષની તુલનામાં ૪૦ ટકા વધુ કરવું પડયું છે. ટ્રમ્પે તે માટે આશરે રૂ. ૧૪૦ લાખ કરોડ રૂપિયા - ૧.૫ ટ્રિલિયન ડૉલર માગ્યા છે. કારણ સમજાય શકે તેમ છે : ઈરાન યુદ્ધ
જો આ બજેટને મંજૂરી (કોંગ્રેસ દ્વારા) મળી જશે તો તે હજી સુધીમાં ઘડાયેલું સૌથી મોટું સંરક્ષણ બજેટ બની રહેશે. ગત વર્ષે રજૂ કરાયેલાં તે બજેટ કરતાં આ વર્ષે ૪૦ ટકા વધુ રકમ માગવામાં આવી છે.
આ વધારાનો હેતુ વધુ શસ્ત્ર-સરંજામ ભંડાર ભરવાનો છે. નૌ-સેનાનો વિસ્તાર કરવાનો છે. અને ડૉનાલ્ડ ટ્રમ્પની ગોલ્ડન-ડોલ મિસાઈલ-ડીફેઝ-સીસ્ટીમ પણ ગોઠવવાનો છે. તેમાં સૈનિકોના પગારમાં ૫-૭ ટકાનો વધારો પણ સમાવિષ્ટ છે.
આ બધી ગણતરી કરતાં ગત વર્ષની તુલનામાં આ વર્ષનું અમેરિકાનું સંરક્ષણ બજેટ ૪૪૫ અબજ ડોલર જેટલું વધુ હશે. તે પૈકી ૩૫૦ અબજ ડૉલર બજેટને કાનૂની રીતે પસાર કરવાની પણ યોજના ઘડી કઢાઈ છે તેથી તેમાં ડેમોક્રેટસનાં સમર્થનની જરૂર જ ન રહે.
આ ઉપરાંત નેશનલ ન્યૂક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન માટે ૩.૫ અબજ ડોલર વધારવાની માગ કરવામાં આવી છે. તેનો ઉપયોગ ન્યૂક્લિયર-વેપન્સ બનાવવા અને વર્તમાન શસ્ત્રો આધુનિક બનાવવામાં વપરાશે.
સંરક્ષણ બજેટ ૧.૫ ટ્રિલિયન ડોલર જેટલું બનાવી ટ્રમ્પ તે ક્યાં વાપરશે, તે કહેવાની જરૂર જ નથી. ભલે તેઓ વારંવાર કહેતા હોય કે આગામી ૩-૪ સપ્તાહમાં જ અમેરિકા ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળી જશે. પરંતુ સંરક્ષણ બજેટમાં કરાયેલો જબ્બર વધારો, તે વિધાનો સામે પ્રશ્નો ઊભા કરે છે.
અમેરિકાની વિશ્વ વિખ્યાત સમાચાર એજન્સી સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્ક (સી.એન.એન.) વધુમાં જણાવે છે કે, ટ્રમ્પ વહીવટી તંત્રે રજૂ કરેલાં તે બજેટ પ્રસ્તાવમાં સંરક્ષણ સિવાયના તમામ ખર્ચમાં ૧૦ ટકાનો કાપ મુકવાનો પ્રસ્તાવ પણ છે. આવાસ, સોશ્યલ સર્વિસ અને હેલ્થકેર વગેરે ઉપર કાપ મુકાશે. કેટલીક યોજનાઓ તો પડતી મુકાશે. તેનાં ૪ અબજ ડોલરની લો-ઇન્કમ-હોમ-એનર્જી-ઈસીસ્ટન્સ-પ્રોગ્રામ પણ સામેલ છે. તે ઉપરાંત ૭૭.૫ કરોડ ડોલરની કોમ્યુનિટી સર્વિસીઝ ગ્રાન્ટ પણ સામેલ છે. વાસ્તવમાં આ ગ્રાંટનો હેતુ ગરીબી દૂર કરવાનો છે. પરંતુ તે ગ્રાન્ટ અભરાઈએ મુકી દેવામાં આવી છે.
પ્રસ્તાવિક બજેટમાં ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીને અપાનારી ૧૫ અબજ ડોલરની રકમ પણ રદ્દ કરાઈ છે. ઋતુ પરિવર્તન અને ક્વીન એનર્જી માટે થઈ રહેલી રીસર્ચ માટે ફાળવવામાં આવતી ૧ અબજ ડોલરથી પણ વધુ રકમ હવે બંધ કરાઈ છે. ગૃહ વિભાગની ફાળવણી ૧૨ ટકા ઘટાડી દેવાઈ છે. તેમજ ઈલેક્ટ્રિક મોટરો ખરીદવા માટે અપાતી ૪.૨ અબજ ડોલર જેટલી કુલ સબસીડી ખતમ થઈ જશે.


