World

રોબોટને લોહી નીકળતું નથી, યુક્રેને યુજીવી વાપરી યુદ્ધના મેદાનની પરિભાષા બદલી નાંખી

By GS TEAM
23 Apr 20262 mins read
રોબોટને લોહી નીકળતું નથી, યુક્રેને યુજીવી વાપરી યુદ્ધના મેદાનની પરિભાષા બદલી નાંખી

- યુજીવી રોબોટ દ્વારા ઓપરેશન પાર પાડી પાયદળ વિના જ દુશ્મનનો વિસ્તાર જીત્યો        

- સૈનિકોને મામૂલી ટ્રેનિંગ આપી અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ રોબોટ-યુએવી વાપરી યુક્રેને પોતાના સૈનિકોની ઘણી જાનહાનિ નિવારી

કીવ : રોબોટ્સને કારણે ઘણાં ક્ષેત્રોમાં પરિવર્તન આવી રહ્યાં છે પણ યુદ્ધના મેદાનમાં રોબોટને ઉતારી યુક્રેને યુદ્ધના મેદાનની પરિભાષા જ બદલી નાંખી છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મંગળવારે જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધમાં ૨૨,૦૦૦થી વધારે મિશન ડ્રોન અને રોબોટ દ્વારા પાર પાડવામાં આવ્યા છે જેને કારણે ૨૨,૦૦૦થી વધારે વખત કોઇ સૈનિકને બદલે એક રોબોટને ખતરનાક વિસ્તારમાં મોકલી મોટી સંખ્યામાં સૈનિકોના જીવો બચાવી લેવામાં આવ્યા છે. 

છેલ્લા ચાર વર્ષથી રશિયા સામે જંગલડી રહેલાં યુક્રેન દ્વારા  અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ-યુજીવીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ યુજીવીની ખાસિયત એ છે કે  આ રોબોટને ચલાવવા માટે  કોઇ સૈનિકને ટ્રેઇન કરવા માટે માંડ એક મહિનાનો સમય લાગે છે. આ યુજીવી નાના મધ્યમ કદના વાહનો હોય છે જે સૈનિકોને બદલે ખતરનાક મિશન પાર પાડે છે.

મુવમેન્ટ માટે આ યુજીવી કેટરપિલર ટ્રેકનો ઉપયોગ કરે છે. જેનો દેખાવ ટેન્ક જેવો હોય છે. અથવા આ યુજીવીને મોટા ટાયરો પર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે જેથી તે સરળતાથી ખાઇ, જંગલો અને ખેતરોમાંથી પસાર થઇ શકે છે. યુજીવીના ઉપરના હિસ્સામાં થર્મલ કેમેરા, રિમોટ કન્ટ્રોલ એન્ટેના અને સેન્સર લાગેલાં હોય છે જેને કારણે ઓપરેટર તેને લાંબા અંતરે રહીને કન્ટ્રોલ કરી શકે છે. 

આ યુજીવી પર ૧૨.૭ એમએમની મશીનગન,ગ્રેનેડ લોન્ચર, એન્ટી ટેન્ક માઇન્સ અને ગોળ ફરી શકતી ગન બેસાડવામાં આવેલી હોય છે. આ ઉપરાંત આ રોબોટિક સૈનિકોમાં દારૂગોળો   સંગ્રહવા અને ઇજાગ્રસ્ત સૈનિકને બચાવવા માટે કેપ્સ્યુલની વ્યવસ્થા પણ હોય છે. આ યુજીવી રોબોટને કિલોમીટર દૂર સુરક્ષિત બંકર કે મોબાઇલ કમાન્ડ સ્ટેશનથી નિયંત્રિત કરવામાં આવે છે. એકસૈનિકને માત્ર એક મહિનો ટ્રેનિંગ આપી યુજીવીના સંચાલનમાં નિષ્ણાત બનાવી શકાય છે. યુજીવી રોબોટનું સંચાલન કરવા રેડિયો ફ્રિકવન્સી, સ્ટારલિન્ક સેટેલાઇટ દ્વારા અપાતી ઇન્ટરનેટ સેવા, ફાઇબર ઓપ્ટિક કેબલ અથવા એરિયલ રીલે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રોબોટ પર લાગેલાં મલ્ટીપલ કેમેરા લાઇવ ફીડ પુરૂ પાડે છે. જેના દ્વારા ઓપરેટરસ્ક્રિન પર વ્યુ જોઇ રોબોટ દ્વારા ગન ચલાવી શકે છે. 

યુદ્ધના મેદાનમાં અનેક મિશનો પાર પાડનારી એસોલ્ટ બ્રિગેડ એનસી ૧૩ યુનિટના વડા કમાન્ડર મિકોલા મકાર જિનકેવિચે જણાવ્યું હતું કે અમારા યુનિટે ઇતિહાસમાં પહેલીવાર રોબોટ અને ડ્રોન દ્વારા દુશ્મનના ઇલાકામાં હુમલો કરી સૈનિકોને જેર કર્યા હતા.