World

બ્રાઝિલમાં ભીષણ માર્ગ દુર્ઘટના, 15ના મોત : ધાર્મિક ઉત્સવમાંથી પાછી ફરતી બસ પલટી ખાતાં દુર્ઘટના બની

By GS TEAM
4 Feb 20262 mins read
બ્રાઝિલમાં ભીષણ માર્ગ દુર્ઘટના, 15ના મોત : ધાર્મિક ઉત્સવમાંથી પાછી ફરતી બસ પલટી ખાતાં દુર્ઘટના બની

- અલાગોઆસ પ્રાંતના સેરામાં દર વર્ષે યોજાતા 'અવર લેડી ઓફ કેન્ડેવારિયા'ના ઉત્સવમાંથી પાછી ફરતી બસ વળાંક ઉપર પલ્ટી ખાઈ ગઈ

બ્રાઝિલિયા : બ્રાઝિલમાં ભીષણ સડક દુર્ઘટના બની છે. તેમાં ૧૫ના મૃત્યુ થયા છે, મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. ઉત્તર-પૂર્વ બ્રાઝિલના અલાગોઆસ સ્ટેટના ગ્રામીણ પ્રદેશમાં આ દુર્ઘટના બની હતી. તેમાં ૬૦ શ્રધ્ધાળુઓ ભરેલી બસ માર્ગ ઉપરનો વળાંક કાપતાં પલ્ટી ખાઈ ગઈ તેથી મહિલાઓ અને બાળકો સહિત ૧૫ના મૃત્યુ થયા હતા. બસ પલ્ટી ખાતાં કેટલાક બહાર નીકળી શક્યા, જ્યારે કેટલાક બસની નીચે દબાઈ ગયા.

જોકે થોડી વારમાં જ સહાય ટુકડી ત્યાં પહોંચી હતી અને ક્રેનથી બસને સીધી કરી ઘાયલોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ પણ તુર્તજ ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચતાં જ કેટલાયે ઈજાગ્રસ્તોએ શ્વાસ મુકી દીધા હતા. બચેલા ઘાયલોની સારવાર થઈ રહી છે. પોલીસે મૃતકોનાં શબનાં પોસ્ટમોર્ટમ પછી શબ સગાં-વહાલાંને સોંપી દીધાં હતાં. અકસ્માતગ્રસ્ત બસ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

અલાગોઆસના ગવર્નર પાઉલો દાંતાસે આ દુર્ઘટના અંગે શોક પ્રદર્શિત કરતાં ૩ દિવસના શોકની જાહેરાત પણ કરી હતી, સાથે મૃતકોનાં સગાં-સંબંધીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

આ યાત્રીઓ દર વર્ષે સેરામાં યોજાતા ધાર્મિક ઉત્સવ, 'અવર-લેડી-ઓફ-કેન્ડેલારિયા'માં ભાગ લઈ પાછા ફરી રહ્યા હતા, ત્યાં વળાંક ઉપર બસ પલ્ટી ખાઈ જતાં આ દુર્ઘટના બની હતી, તેમાં ૫ પુરૂષો, ૭ મહિલાઓ અને ત્રણ બાળકો સમાવિષ્ટ છે. આમ છતાં ગંભીર રીતે ઘાયલ થયેલાઓ પૈકી પણ કોઈના શ્વાસ બંધ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે. મૃત્યુઆંક વધવા સંભવ છે. ગવર્નર પાઉલો દાંતાસે મૃતકોનાં આપ્તજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી, તેમજ ઘાયલોને નિ:શુલ્ક તબીબી સહાય આપવા સાથે તેમને પણ થોડી આર્થિક સહાયની જાહેરાત કરી દીધી હતી.