World

ચિમ્પાન્ઝી એક્સપર્ટ વિખ્યાત વૈજ્ઞાનિક જેન ગુડોલનું 91 વર્ષની વયે અવસાન

By GS TEAM
3 Oct 20252 mins read
ચિમ્પાન્ઝી એક્સપર્ટ વિખ્યાત વૈજ્ઞાનિક જેન ગુડોલનું 91 વર્ષની વયે અવસાન

- અનેક ડોક્યુમેન્ટરીઝ અને ટીવી સીરિઝમાં પણ જોવા મળ્યાં હતાં

- આફ્રિકાના જંગલોમાં 60 વર્ષના સંશોધન પછી તેમણે ચિમ્પાન્ઝીમાં બુદ્ધિમત્તા સાબિત કરીને નવા સંશોધકોને નવી દિશા બતાવી હતી

વૉશિંગ્ટન : જે જમાનામાં પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર પુરુષોના પ્રભુત્વનું ગણાતું ત્યારે એક મહિલા જેન ગુડોલે  એ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું. એટલું જ નહીં, તેમણે ચિમ્પાન્ઝી વિશે કરેલું સંશોધન તો બ્રેકથુ્ર ગણાયું. તેમણે આખું જીવન પર્યાવરણ, જંગલ અને સજીવોને આપી દીધું. ૩જી એપ્રિલ, ૧૯૩૪માં જન્મેલાં જેનનું ૯૧ વર્ષની વયે અવસાન થયું હતું.

જેન ગુડોલનો જન્મ લંડનમાં થયો હતો. તેમને બાળપણથી જ સજીવો માટે ખૂબ પ્રેમ હતો. ૧૯૨૦માં લખાયેલું એક પુસ્તક ધ સ્ટોરી ઓફ ડૉ. ડુલિટલ તેમને બેહદ પસંદ પડયું હતું. એમાં એક ડોક્ટર પ્રાણીઓ સાથે વાતો કરે છે. એ વાંચ્યા પછી તેમને સજીવો માટે કામ કરવાની ઈચ્છા થઈ. તેમને હંમેશા આફ્રિકાના જંગલો આકર્ષતા હતાં. ૧૯૫૭માં પહેલી વખત કેન્યાની મુલાકાતે ગયાં. ત્યાં તેમણે જાણ્યું કે ચિમ્પાન્ઝીનો અભ્યાસ કરવાથી માનવના પ્રાચીન પૂર્વજો વિશે જાણી શકાય છે. તે વખતે આ ક્ષેત્રમાં પુરુષોનો દબદબો હતો. મહિલાઓ આ ક્ષેત્રના સંશોધનમાં આવતી ન હતી. જેને એ ક્ષેત્રમાં સંઘર્ષ કરીને સંશોધન શરૂ કર્યું. ૧૯૬૦માં તાન્ઝાનિયાના ગોમ્બે નેશનલ પાર્કમાં જઈને ચિમ્પાન્ઝી પર સંશોધન હાથ ધર્યું.તેમણે ચિમ્પાન્ઝીને નામ પણ આપ્યા. જેમ કે, ફીફી, પૈશન અને ડેવિડ ગ્રેબર્ડ - એવા નામો આપીને ચિમ્પાન્ઝી સાથે દોસ્તી કરી. તેમણે વર્ષો સુધી સંશોધન કર્યા પછી ચિમ્પાન્ઝીની બુદ્ધિમત્તા સાબિત કરી. તેમણે એ સાબિત કર્યું કે ચિમ્પાન્ઝી ખૂબ બુદ્ધિશાળી સજીવ છે અને ખરેખર માણસના પૂર્વજ છે. એ તર્કપૂર્ણ વિચારી શકે છે અને એનામાં વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તેમનું આ તારણ ખરેખર બ્રેકથુ્ર નીવડયું. કેટલાય સંશોધકોને તેમણે દિશા બતાવી.

૧૯૯૬માં પીબીએસ ડોક્યુમેન્ટ્રીમાં તેમણે કહ્યું હતું કે માત્ર માણસો જ નહીં, સજીવોને પણ વ્યક્તિત્ત્વ હોય છે અને તેમને પણ સુખ અને દુખનો અનુભવ થાય છે. તેઓ સતત ડોક્યુમેન્ટ્રીઝ અને ટીવી સિરીઝમાં દેખાતા હતા એટલે પ્રાણીશાસ્ત્રના સંશોધકોમાં ખૂબ જાણીતું નામ બની ગયા હતા. પછીના સમયગાળામાં સજીવસૃષ્ટિના એક્સપર્ટ્સ તરીકે તેઓ દુનિયાભરમાં જાણીતું નામ અને ચહેરો બન્યા હતા. તેમણે જેન ગુડોલ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી અને છેક સુધી તેઓ વર્ષમાં ૨૫૦-૩૦૦ દિવસ પર્યાવરણ-સજીવો માટે દુનિયાભરમાં ફરતા હતા. તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘનો શાંતિ દૂત એવોર્ડ મળ્યો હતો ને અમેરિકાનું પ્રેસિડેન્શિયલ પ્રાઈઝ એનાયત થયું હતું.