World

Explainer: ભારતીય હસ્તકળાની ચોરી! અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન' પર જરદોશી વર્ક કોપી કરવાનો આરોપ, વિવાદ વકર્યો

By GS Team
19 Sep 20265 mins read
TukuTouch Logo
અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન' ભારતીય 'જરદોશી વર્ક'ની ચોરી કરીને વિવાદમાં સપડાઈ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં પ્રદર્શિત ઘાટા ગુલાબી ગાઉન પરના જરદોશી વર્કને બ્રાન્ડે 'હાથથી કરવામાં આવેલી સજાવટ' ગણાવી, ભારત કે કારીગરોને ક્રેડિટ ન આપી. 300 વર્ષ જૂની GI ટેગ પ્રાપ્ત કળાની ચોરી બદલ સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ રાલ્ફ લોરેન ઝુમકા અને બાંધણીની ચોરી કરી ચૂક્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ભારતીય હસ્તકળાની ચોરી! અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન' પર જરદોશી વર્ક કોપી કરવાનો આરોપ, વિવાદ વકર્યો

Ralph Lauren Zardozi Embroidery Controversy: તાજેતરમાં ઇટાલીની Fendi બ્રાન્ડ દ્વારા ₹500ની 'નવરાત્રી બેગ' ₹8.3 લાખમાં વેચાવા મૂકાઈ અને વિવાદ થયો, એની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં તો પશ્ચિમી ફેશન દુનિયામાંથી બીજા એક વિવાદનો ફણગો ફૂટી નીકળ્યો છે. અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન'એ ઘાટા ગુલાબી રંગનો ઇવનિંગ ગાઉન પ્રદર્શિત કર્યો હતો, જેના પર થયેલું મણકા અને ધાતુના તારનું ઝીણવટભર્યું કામ સ્પષ્ટપણે ભારતીય 'જરદોશી વર્ક' જેવું જ હતું. ભારતીય ડિઝાઇનની ચોરી કરીને એ કળાના મૂળ વતન કે કારીગરોને ક્રેડિટ ન આપવાની હરકતે વિવાદ છેડી દીધો છે અને સોશિયલ મીડિયામાં લોકો રાલ્ફ લોરેનને આડે હાથે લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય 'સાંસ્કૃતિક ચોરી'ની આ એક વધુ ઘટનાની અંદર ઉતરીને જાણીએ કે મામલો શું છે.

જરદોશી વર્કની ચોરી બદલ રાલ્ફ લોરેન વિવાદના ઘેરામાં

ફેશન જગતમાં અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન'નું નામ બહુ મોટું ગણાય છે. તાજેતરમાં ન્યૂયોર્ક ફેશન વીકમાં રાલ્ફ લોરેને પોતાનું 'સ્પ્રિંગ-સમર 2027' કલેક્શન રજૂ કર્યું હતું. તેમાં રનવે પર એક ઘાટા ગુલાબી રંગનો ઇવનિંગ ગાઉન પ્રદર્શિત કરવામાં આવ્યો, જેના પર થયેલું મણકા અને ધાતુના તારનું ઝીણવટભર્યું કામ સ્પષ્ટપણે ભારતીય 'જરદોશી વર્ક' જેવું જ હતું. પરંતુ, બ્રાન્ડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેને માત્ર ‘હાથથી કરવામાં આવેલી સજાવટ’ (hand-applied embellishments) તરીકે ઓળખાવ્યું હતું અને ભારતને કે ભારતીય કારીગરોને કોઈ ક્રેડિટ નથી આપી.

GI ટેગ પ્રાપ્ત કળાની ચોરી!

ભારતના ફેશન ડિઝાઈનર પ્રખર રાવ સિંહ ચંદેલે આ બાબતે કડક વિરોધ નોંધાવ્યો છે. જરદોશી વર્ક કળા 300 વર્ષ જૂની છે, જે પર્સિયાથી આવીને મુઘલ કાળમાં ભારતમાં લોકપ્રિય બની હતી. 2013થી લખનૌ અને તેની આસપાસના 6 જિલ્લાઓમાં આ કળાને ભૌગોલિક સંકેત(GI) ટેગ મળેલો છે. આ કળા સાથે લગભગ 1,75,000 ભારતીય કારીગરો જોડાયેલા છે, જેમના અસ્તિત્વ અને કૌશલ્યને રાલ્ફ લોરેન જેવી બ્રાન્ડ્સ અવગણી રહી છે.

પ્રખર રાવ સિંહ ચંદેલે શું લખ્યું?

પ્રખર રાવ સિંહ ચંદેલે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાલ્ફ લોરેનની ટીકા કરતાં લખ્યું હતું કે, આ ડિઝાઇન રજૂ કરતી વખતે રાલ્ફ લોરેને લખ્યું છે કે, ‘તેઓ ઇચ્છે છે કે દરેક પોશાક એવો અનુભવ કરાવે જાણે તેનો પોતાનો ઇતિહાસ અને વ્યક્તિત્વ હોય’. હું પૂછું છું કે, ‘કોનો ઇતિહાસ? કોનું વ્યક્તિત્વ?’

વિદેશી બ્રાન્ડ્સની રણનીતિ વિશે તેમણે લખ્યું કે, ‘આ બધું કેવી રીતે ચાલે છે તે આપણે જાણીએ જ છીએ, કારણ કે આપણે ગયા વર્ષે પણ આવું જોયું હતું. જૂન 2025માં મિલાનમાં પ્રાડા(Prada)એ કોલ્હાપુરી શૈલીના સેન્ડલ રજૂ કર્યા હતા અને તેને માત્ર 'લેધર સેન્ડલ' તરીકે ઓળખાવ્યા હતા. મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સે તેમના બોર્ડને પત્ર લખ્યાના બે દિવસ બાદ જ ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જ તેમની રણનીતિ છે: વાહવાહી મેળવવી અને જ્યારે કોઈ મજબૂર કરે ત્યારે જ શ્રેય(credit) આપવો. જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે જ તેનું નામ આપો; જ્યારે પકડાઈ જાઓ ત્યારે નહીં.’

રાલ્ફ લોરેન દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉપેક્ષાનો આ પહેલો કિસ્સો નથી. રાલ્ફ લોરેન ભૂતકાળમાં ઝુમકા અને બાંધણીની પણ ચોરી કરી ચૂક્યું છે

  • માર્ચ 2026માં પેરિસના રનવે પર રજૂ થયેલા 'ફોલ 2026' કલેક્શનમાં મોડલ્સે ભારતીય 'ઝુમકા' પહેર્યા હતા. આ ઝુમકાઓને ભારતીય કહેવાને બદલે બ્રાન્ડે તેને ‘અસલી વિન્ટેજ એક્સેસરીઝ’ કહીને નેટિવ અમેરિકન ડિઝાઇનર્સના નામે ખપાવી દીધા હતા.
  • ગસ્ટ 2026: પહેલેથી ડ્રેપ કરેલી (પહેરવા માટે તૈયાર) સાડીને બ્રાન્ડે ‘બોટનિકલ એમ્બેલિશ્ડ ડ્રેપ્ડ ઓવરલે મેક્સી ડ્રેસ’ તરીકે વેચવા મૂકી હતી.
  • આ બ્રાન્ડે આપણી પારંપરિક બાંધણી-શૈલીનું એક સ્કર્ટ 44,800 રૂપિયાની તોતિંગ કિંમતે વેચવા મૂક્યું હતું, જેમાં પણ ક્યાંય મૂળ ભારતીય કારીગરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

ફેન્ડી(Fendi)ની 8.3 લાખની 'નવરાત્રી બેગ'

ભારતીય કારીગરોની ઉપેક્ષાના આ સિલસિલામાં ઇટાલીની પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ ફેન્ડી(Fendi)નું નામ પણ ચર્ચામાં છે. ફેન્ડીએ તાજેતરમાં 'Baguette 26424' નામની એક હેન્ડબેગ લોન્ચ કરી છે, જેમાં 39,500 મોતી અને 475 આભલા(મિરર) જડવામાં આવ્યા છે. આ બેગ બિલકુલ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન મળતી 500 રૂપિયાની સામાન્ય ભરતકામવાળી બેગ જેવી જ દેખાય છે, પરંતુ બ્રાન્ડ તેની કિંમત લગભગ 8.3 લાખ રૂપિયા વસૂલી રહી છે.
આ મુદ્દે ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શોએ સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હર્ષ ગોએન્કાએ રોષ ઠાલવતા પ્રશ્ન કર્યો હતો કે, લક્ઝરી બ્રાન્ડ્સ આપણી કળાને કબજે કરવાનું ક્યારે બંધ કરશે અને ભારતીય કારીગરોને કેમ ક્યારેય કોઈ ક્રેડિટ અપાતી નથી? કિરણ મઝુમદાર-શોએ પણ બ્રાન્ડની આ હરકતને 'સાંસ્કૃતિક ચોરી' (cultural appropriation) ગણાવી હતી.

પ્રાડાનો કોલ્હાપુરી ચંપલનો વિવાદ

જૂન 2025માં મિલાન ફેશન વીકમાં પ્રાડાએ બિલકુલ કોલ્હાપુરી ચંપલ જેવી ડિઝાઇન રજૂ કરી હતી અને તેને 1000 ડૉલરથી વધુ કિંમતે માત્ર ‘ચામડાના સેન્ડલ’ તરીકે વેચ્યા હતા. ભારતમાં કોલ્હાપુરી ચપ્પલને 2019થી GI ટેગ મળેલો છે. જ્યારે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો, ત્યારે જ પ્રાડાએ દબાણમાં આવીને માફી માંગી હતી અને ભારતીય કળાને શ્રેય આપ્યો હતો.

આર્થિક અને સાંસ્કૃતિક શોષણ મુદ્દે લોકોનો આક્રોશ

પશ્ચિમી બ્રાન્ડ્સ ભારતીય પરંપરાગત ડિઝાઇનોને નવા અંગ્રેજી નામો આપી દે છે. દાખલા તરીકે, દક્ષિણ એશિયાના દુપટ્ટાને ‘સ્કેન્ડિનેવિયન સ્કાર્ફ’ કે કાશ્મીરી બોટેહ ડિઝાઇનને ‘પેસલી’ નામ આપી દેવામાં આવે છે. મોટી બ્રાન્ડ્સ ‘અસ્પષ્ટ નામો’ આપીને પોશાકોને હજારો ડૉલરમાં વેચે છે અને મૂળ કળા સર્જનાર કારીગરોને કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી. આ બધી ઘટનાઓ પર સોશિયલ મીડિયા યુઝર્સે ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી છે. લોકોનું કહેવું છે કે લક્ઝરી ઇન્ડસ્ટ્રી નોકરી આપવાની વાત આવે ત્યારે ભારતીયોને ક્યારેય પહેલી પસંદગી આપતી નથી, પરંતુ આપણી સંસ્કૃતિની સૌથી વધુ નકલ કરે છે. ઘણા લોકોએ હસ્તકળા માટે વધુ GI ટેગ્સ મેળવવાની માંગ કરી છે.

ડિજિટલ યુગમાં સાંસ્કૃતિક શોષણ નહીં ચાલે

‘ઉપયોગ કરો ત્યારે નામ આપો, પકડાઈ જાઓ ત્યારે નહીં’, આ વાક્ય હવે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે યાદ રાખવાની જરૂર છે. ફક્ત વિવાદ ઊભો થયા પછી કે કોઈ પકડી પાડે ત્યારે જ નામ પૂરતું શ્રેય આપવું એ લક્ઝરી બ્રાન્ડ્સની જૂની રણનીતિ બની ગઈ છે. સાચી પ્રામાણિકતા ત્યારે જ કહેવાય જ્યારે આ બ્રાન્ડ્સ શરૂઆતથી જ ડિઝાઇન પાછળના મૂળ કારીગરોને સ્પષ્ટ શ્રેય આપે અને તેમની સાથે યોગ્ય ભાગીદારી કરે. ભારતીય કળાની નકલ કરીને કરોડો કમાતી આ કંપનીઓએ હવે સમજવું પડશે કે ડિજિટલ યુગના ગ્રાહકો હવે સાંસ્કૃતિક શોષણ ચલાવી લેશે નહીં.