Get The App

બાંગ્લાદેશમાં રહેમાનને જંગી બહુમતી: કટ્ટરવાદી જમાતને જાકારો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં રહેમાનને જંગી બહુમતી: કટ્ટરવાદી જમાતને જાકારો 1 - image

- બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો 299માંથી 212 બેઠકો પર ભવ્ય વિજય

- પાકિસ્તાન સમર્થક જમાત અને હસીના સામે બળવો કરનારા વિદ્યાર્થીઓ સહિતના 11 પક્ષોના ગઠબંધનને માત્ર 77 બેઠકો મળી

- બાંગ્લાદેશના વિકાસ અને શાંતિ માટે ભારત હંમેશા સાથ આપતું રહેશે: મોદીએ રહેમાન સાથે ફોન પર વાત કરી

- બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામોને સ્વીકારવા બદલ મોદીનો આભાર, ભારત સાથે મળીને કામ કરીશું: બીએનપી 

ઢાકા/નવી દિલ્હી : બાંગ્લાદેશમાં સંસદની ચૂંટણી યોજાઇ હતી જેમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપીનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ બે દસકાથી દેશ નિકાલનો સામનો કરી રહેલા અને બીએનપીના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. શેખ હસીનાના પક્ષ અવામી લીગે ૧૫ વર્ષ સુધી શાસન કર્યું જેને ૨૦૨૪માં થયેલા બળવાએ ઉખાડી ફેંક્યું જે બાદ પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી યોજાઇ હતી. વિરોધી પક્ષ બીએનપીની જીત સાથે જ શેખ હસીનાના પક્ષ અવામી લીગના શાસનનો પણ અંત આવી ગયો છે. એટલુ જ નહીં મતદારોએ બાંગ્લાદેશના કટ્ટરવાદી અને પાકિસ્તાન સમર્થક જમાત-એ-ઇસ્લામીને પણ જાકારો આપ્યો છે.    

બાંગ્લાદેશમાં ૧૨મી તારીખે હિંસા વચ્ચે સંસદની કુલ ૨૯૯ બેઠકો પર મતદાન થયું હતું જેમાંથી કુલ ૨૯૭ બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ચટ્ટોગ્રામની બે બેઠકોના પરિણામો હિંસામાં ઉમેદવારના મોતને કારણે મુલતવી રાખવામાં આવ્યા હતા. આ ૨૯૭ બેઠકોમાંથી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપી ગઠબંધનનો ૨૧૨ બેઠકો પર ભવ્ય વિજય થયો હતો. જ્યારે પાકિસ્તાન સમર્થક અને ધાર્મિક રીતે કટ્ટરવાદી પાર્ટી જમાત-એ-ઇસ્લામી અને તેના સાથી પક્ષોને ૭૭ બેઠકો મળી હતી.  

જ્યારે બળવાને કારણે બાંગ્લાદેશ છોડી ભારતમાં શરણાર્થી બનીને રહેતા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગને ચૂંટણી લડતા રોકવામાં આવ્યો હતો. અવામી લીગ ૧૫ વર્ષથી બાંગ્લાદેશમાં સરકાર ચલાવી રહ્યો હતો. શેખ હસીનાના પક્ષને સત્તામાંથી કાઢી મુકવામાં મહત્વની ભૂમિકા ભજવનારા નેશનલ સિટિઝન પાર્ટીનો જમાત સાથે કારમો પરાજય થયો હતો. બીએનપીના ભવ્ય વિજયને પગલે હવે તેના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. તારિક રહેમાન બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝીયાના પુત્ર છે.

તારિક રહેમાનના પિતા ઝીયાઉર રહેમાને ૧૯૭૧ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ ૧૯૭૭માં બાંગ્લાદેશના પ્રમુખ બન્યા હતા બાદમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. માતા અને પિતા બન્નેએ બાંગ્લાદેશની કમાન સંભાળી છે હવે પુત્ર ૬૦ વર્ષીય તારિક રહેમાનને જનતાએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું પદ સોંપ્યું છે. તારિક રહેમાન વર્ષો સુધી બાંગ્લાદેશ બહાર રહ્યા, તાજેતરમાં જ તેમના માતા અને પૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝીયાનું મોત થતા તેઓ બાંગ્લાદેશ પરત ફર્યા હતા અને પક્ષની કમાન સંભાળી હતી. તારિક રહેમાનની ૨૦૦૭માં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાઇ હતી, તેઓ ૧૮ મહિના જેલમાં રહ્યા હતા. છૂટયા બાદ તેઓ લંડન જતા રહ્યા હતા. હવે બાંગ્લાદેશ પરત ફરતા જ તેમને સત્તા મળી ગઇ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં સત્તા પ્રાપ્ત કરનારા બીએનપીને શુભેચ્છા પાઠવી હતી, મોદીએ બીએનપીના અધ્યક્ષ રહેમાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશ સાથે મળીને શાંતિ, વિકાસની દિશામાં આગળ વધવામાં મદદરૂપ થતંુ રહેશે. જ્યારે બાંગ્લાદેશની આ ચૂંટણીને સ્વીકારવા બદલ તારિક રહેમાનના પક્ષ બીએનપીએ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. બીએનપીના ચીફ કોઓર્ડિનેટર નઝરુલ ઇસ્લામ ખાને પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમારો પક્ષ આ ચૂંટણીને સ્વીકારવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છે. અમને આશા છે કે તારિક રહેમાનની આગેવાનીમાં ભારત અને બાંગ્લાદેશ સાથે મળીને સંબંધોને વધુ મજબૂત બનાવશે.    

બાંગ્લાદેશમાં માત્ર એક હિન્દુ ઉમેદવાર જીત્યા, 7 મહિલાનો પણ વિજય થયો

ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં એક માત્ર હિન્દુ ઉમેદવાર ગયેશ્વર ચંદ્ર રોયની જીત થઇ હતી. તેઓ સંસદમાં પહોંચનારા એક માત્ર હિન્દુ છે. ગયેશ્વર ચંદ્ર રોય ઢાકા-૩ બેઠક પરથી તારિક રેહમાનના પક્ષ બીએનપીની ટિકિટ પર ચૂંટણી લડયા હતા. રોય બીએનપીની સર્વોચ્ચ બોડી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. અગાઉ તેઓ ૧૯૯૦ના સમયગાળામાં બીએનપીની સત્તા સમયે મંત્રી રહી ચુક્યા છે. આ વખતે પણ તેમને મંત્રીપદ મળવાની શક્યતાઓ છે.  આ સાથે જ બાંગ્લાદેશની આ ચૂંટણીમાં સાત મહિલા ઉમેદવારોની પણ જીત થઇ છે. 

જેમાં બીએનપીની છ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીએનપીમાંથી કાઢી મુકાયેલા મહિલા નેતા બેરિસ્ટર રુમીન ફરહાનાએ અપક્ષ ચૂંટણી જીતી છે. બીએનપીએ કુલ ૧૦ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી છનો વિજય થયો છે.

બીએનપી સત્તા વખતે ભારત વિરોધી કૃત્યો માટે કુખ્યાત

ઢાકા : બાંગ્લાદેશમાં અત્યાર સુધી અવામી લીગ અને શેખ હસીનાનું શાસન હતું, હવે વર્ષો પછી બીએનપીને સત્તા મળી છે. બીએનપી અગાઉ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતી, ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાન જ્યારે બીએનપીના હાથમાં સત્તા હતી ત્યારે પાકિસ્તાન સમર્થક કટ્ટરવાદી જમાત સાથે ગઠબંધન કર્યું હતું. જમાત અને બીએનપીએ મળીને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં કટ્ટરવાદીઓને હથિયારો પુરા પાડવા સહિત ભારત વિરોધી કામ કર્યા હતા. જોકે હવે બીએનપીની સત્તા તારિક રેહમાનના હાથમાં છે, રેહમાને ચૂંટણી પ્રચારમાં ભારત વિરોધી મુદ્દા ઉઠાવવાનું ટાળ્યું હતું, તેમણે બાંગ્લાદેશ પરત ફર્યા બાદ પણ કોઇ ભારત વિરોધી નિવેદન નથી આપ્યું. તેથી તેમના માતા ખાલેદા ઝીયાની આગેવાનીમાં બીએનપી જે ભારત વિરોધી માનસિકતા હતી તે રેહમાનની આગેવાનીમાં નથી જોવા મળી રહી. તેથી ભારત સાથે તેમના સંબંધ સારા રહેવાની આશા છે.