Get The App

કતારનો રાજવી પરિવાર ટ્રમ્પને બોઈંગ 747-8 જમ્બો જેટ ભેટ આપશે, જાણો અમેરિકન પ્રમુખ તે સ્વીકારી શકે કે નહીં

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
કતારનો રાજવી પરિવાર ટ્રમ્પને બોઈંગ 747-8 જમ્બો જેટ ભેટ આપશે, જાણો અમેરિકન પ્રમુખ તે સ્વીકારી શકે કે નહીં 1 - image


Qatar Royal Family To Gift Trump Boeing Jet : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની પ્રથમ વિસ્તૃત વિદેશ યાત્રા કરવા જઈ રહ્યા છે, જેમાં તેઓ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારની મુલાકાત લેશે. 13મી મેથી શરૂ થઈ રહેલી આ ત્રિ-દિવસીય યાત્રામાં આરબ દેશો ટ્રમ્પની ખાતીરદારી કરવાના મૂડમાં જણાય છે. કતારના રાજવી પરિવારે તો ટ્રમ્પને ખુશ કરવા મોંઘેરું બોઈંગ જમ્બો જેટ ભેટમાં આપવાની તૈયારી બતાવી છે. 

બોઈંગને એરફોર્સ વનની અવેજીમાં વપરાશે?

યુએસ પ્રમુખ મધ્ય પૂર્વની યાત્રા દરમિયાન કતાર જશે ત્યારે ત્યાંના રાજવી પરિવાર તરફથી તેમને ભેટ તરીકે લક્ઝરી બોઈંગ 747-8 જમ્બો જેટ મળે એવી શક્યતા છે. અલબત્ત, અમેરિકી પ્રમુખ અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા ધરાવતા ‘એરફોર્સ વન’ વિમાનોમાં જ સફર કરતા હોવાથી તેઓ બોઈંગ સ્વીકારીને એનું શું કરશે એવી ચર્ચા ચાલી રહી છે. શું ટ્રમ્પ નવા પ્લેનને એરફોર્સ વનની અવેજીમાં વાપરશે?

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

બોઈંગને એરફોર્સ વનમાં રૂપાંતરિત કરાશે? 

ટ્રમ્પ બોઈંગને જેમની તેમ અવસ્થામાં તો નહીં વાપરે. એક શક્યતા એ છે કે ભેટમાં મળેલા જેટ વિમાનને એરફોર્સ વનમાં રૂપાંતરિત કરી દેવાય. અમેરિકાની જાણીતી ન્યૂઝ ચેનલ ‘એબીસી ન્યૂઝ’ દ્વારા જણાવાયું છે કે, ભેટમાં મળેલા પ્લેનનો ટ્રમ્પ એરફોર્સ વનના નવા સંસ્કરણ તરીકે ઉપયોગ કરશે. જાન્યુઆરી 2029 માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી તેઓ તેનો ઉપયોગ કરશે અને પછી તેને રાષ્ટ્રપતિ પુસ્તકાલયની દેખરેખ રાખતા ફાઉન્ડેશનને સોંપી દેશે. 

શું છે એરફોર્સ વનની વિશેષતાઓ?

અમેરિકન પ્રમુખ દ્વારા ઉપયોગમાં લેવાતું એરફોર્સ વન વિમાન અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવે છે. એ વિમાનમાં રેડિયેશન શિલ્ડિંગ અને મિસાઈલ વિરોધી ટેક્નોલોજી સહિત વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ સામે ટકી રહેવાની ક્ષમતાઓ છે. બુલેટપ્રૂફ કાચ, એરિયલ રીફ્યુલિંગ, જિમ અને મોટા કિચન જેવી અનેક સગવડો ધરાવતા આ વિશાળ વિમાનમાં બેસીને અમેરિકન પ્રમુખ સૈન્ય સાથે સંપર્કમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ સ્થળેથી આદેશ આપી શકે છે કારણ કે, તે અત્યાધુનિક સંદેશાવ્યવહાર ટેક્નોલોજીથી સજ્જ છે.  

આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

શું બોઈંગને એરફોર્સ વનની સમકક્ષ બનાવી શકાશે?

કતાર દ્વારા ભેટમાં મળનારા બોઈંગમાં અમુક ફેરફારો કરીને તેને સંદેશાવ્યવહાર અને સુરક્ષા સંબંધિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ તો કરી શકાશે, પણ તેમ છતાં તે એરફોર્સ વનની તોલે તો નહીં જ આવી શકે. અમેરિકાના પ્રમુખને છાજે એવી ભવ્યતા એમાં ઉમેરાય તોય બોઈંગ ‘વિશેષ રૂપે ડિઝાઈન કરાયેલા’ એરફોર્સ વનનો વિકલ્પ બની શકે એમ નથી.

શું અમેરિકન પ્રમુખ બોઈંગ પ્લેન જેવી મોંઘી ભેટ સ્વીકારી શકે? 

આ સમાચાર આવતા જ પ્રશ્નો થવા લાગ્યા છે કે, અમેરિકન પ્રમુખ બોઈંગ પ્લેન જેવી મોંઘી ભેટ સ્વીકારી શકે ખરા? નિષ્ણાતો કહે છે કે, અમેરિકાના બંધારણના ‘ઈમોલ્યુમેન્ટ્સ ક્લોઝ’ સરકારી હોદ્દો ધરાવનાર કોઈપણ વ્યક્તિને કોંગ્રેસની સંમતિ વિના કોઈપણ ‘રાજા, રાજકુમાર અથવા વિદેશી રાજ્ય’ તરફથી કોઈપણ ભેટ, રોકડ અથવા પદવી સ્વીકારવા પર પ્રતિબંધ મૂકે છે. એટલે જો ટ્રમ્પે કતારના રાજવી પરિવાર પાસેથી બોઈંગ વિમાનની ભેટ સ્વીકારવી હોય તો એના માટે પહેલાં એમના દેશની કોંગ્રેસ(એટલે કે સંસદ)ની સંમતિ લેવી પડે. તેમની મંજૂરી મળે પછી બોઈંગ જેટ સ્વીકારવું કાયદેસર બનશે. ટ્રમ્પ આ ભેટ સ્વીકારે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર

Tags :