Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઇટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર
India-Pakistan Tension DGMO Press Meet : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના DGએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઓપરેશન સિંદૂરની માહિતી આપવાની સાથે એક વીડિયો પણ શેર કરાયો છે. વીડિયોમાં પાકિસ્તાની મિરાજનો કાટમાળ જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ કહ્યું કે, ‘અમે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ફાઇટર જેટ મિરાજને તોડી પાડ્યું છે.
‘અમે આકાશમાં જ દુશ્મનો સફાયો કરી દીધો’
ભારતીય સેનાએ કહ્યું કે, ‘અમે માત્ર આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યા છીએ, તેથી અમે 7 મેએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ અમારી વળતી કાર્યવાહીને પોતાની લડાઈ માની લીધી છે. જોકે હવે જે થયું તે માટે તેઓ જવાબદાર છે. અમે આકાશમાં જ દુશ્મનો સફાયો કરી દીધો છે.’
આકાશ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું : સેના
પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ અંગે માહિતી આપતાં એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ‘આપણી યુદ્ધ સિસ્ટમ સમયસર પ્રમાણિત અને ખરી ઉતરી છે અને જોરદાર મુકાબલો કરે છે. એક ખાસ વાત એ છે કે, સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ આકાશે શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લા દાયકામાં ભારત સરકાર દ્વારા મળેલા બજેટ અને નીતિગત સમર્થનના કારણે જ શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવું શક્ય બની શક્યું છે.
અમે લાંબા અંતરની મિસાઇલ પણ તોડી પાડી : એર માર્શલ ભારતી
એર માર્શલે એકે ભારતીએ ભારતીય સેના દ્વારા ટાર્ગેટ કરાયેલી અન્ય તસવીરો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભારતીય સેનાએ ચીનની પીએલ-15 મિસાઇલ તોડી પાડી, જેનો ભંગાર અમારી પાસે ઉપલબ્ધ છે. અમે લાંબા અંતરની મિસાઇલ પણ તોડી પાડી છે.’