World

ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
ઈટાલીમાં વધતી મોંઘવારી, ઊંચા ભાડાં અને શિક્ષણ બજેટમાં કાપ સામે 40થી વધુ શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ, મજૂરો અને કર્મચારીઓએ 24 કલાકની હડતાળ પાડી. આંદોલનકારીઓએ વધુ વેતન અને સસ્તી સુવિધાઓની માંગ સાથે લશ્કરી ખર્ચ વધારવાના મેલોની સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. રોમ અને જેનોઆ બંદરે પણ ઉગ્ર પ્રદર્શનો થયા, જેમાં પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરી 8 લોકોની અટકાયત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી

Italy Protests : ઈટાલીમાં વધતી જતી મોંઘવારી, ઘરના ઊંચા ભાડાં અને શિક્ષણના ઘટતા બજેટ સામે હજારો વિદ્યાર્થીઓ, મજૂરો અને કર્મચારી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશની મુખ્ય ટ્રેડ યુનિયન (USB) દ્વારા જાહેર કરાયેલી 24 કલાકની દેશવ્યાપી હડતાળના પગલે શુક્રવારે 40થી વધુ શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આંદોલનકારીઓએ વધુ વેતન અને સસ્તી સુવિધાઓની માગ સાથે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સરકારના લશ્કરી ખર્ચ વધારવાના નિર્ણયનો પણ જોરદાર વિરોધ કર્યો છે.

સંસદ તરફ કૂચ અને ટ્યુરિનમાં વોટર કેનનનો ઉપયોગ

ટ્યુરિન શહેરમાં આંદોલનકારીઓએ સરકારી ઈમારતો તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે ભીડને રોકવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. સાંજના સમયે પ્રદર્શનકારીઓનું એક મોટું જૂથ સંસદ તરફ આગળ વધતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે સુરક્ષા દળોએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરી રહેલા 8 લોકોની અટકાયત કરી હતી.

વિદ્યાર્થીઓની માગ: શિક્ષણ બજેટ વધારો અને સસ્તું રહેઠાણ આપો

આ સમગ્ર આંદોલનમાં વિદ્યાર્થીઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. રોમમાં વિદ્યાર્થીઓ માટે એક રૂમનું માસિક ભાડું 1,200 યુરો સુધી પહોંચી ગયું હોવાથી પરિવારો પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. વિદ્યાર્થી સંગઠનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મેલોની સરકાર શિક્ષણના ખર્ચમાં કાપ મૂકીને યુદ્ધ સામગ્રી અને લશ્કર પાછળ બજેટ વાપરી રહી છે, જે સામાન્ય જનતા માટે નુકસાનકારક છે.

રાજધાની રોમ અને જેનોઆ બંદરે ઉગ્ર આક્રોશ

રાજધાની રોમમાં હજારો લોકોએ ઐતિહાસિક કોલોસિયમ સુધી કૂચ કરી હતી અને રસ્તા પર ટેન્ટ લગાવીને વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, જેનોઆ બંદરે લગભગ 15,000 બંદર કર્મચારીઓ અને નાગરિકો ભેગા થયા હતા. તેમણે વેપારી બંદરોનો ઉપયોગ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં હથિયારો મોકલવા માટે ન કરવા સામે કડક વિરોધ નોંધાવ્યો હતો.

હિંસા રોકવા કડક નિયમો અને રાહત પેકેજની જાહેરાત

અગાઉ 17 અને 18 ઓક્ટોબરે મિલાનમાં થયેલી તોડફોડ બાદ સરકારે જાહેર પ્રદર્શનો અંગેના કાયદા વધુ કડક બનાવ્યા છે. બીજી તરફ, વધતા અસંતોષને શાંત કરવા ઈટાલી સરકારે ટ્રક ડ્રાઈવરો અને ખેડૂતો માટે 175.2 મિલિયન યુરો (આશરે 195 મિલિયન ડોલર)ના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સાથે 2027 ના બજેટમાં 30 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓને વાર્ષિક 2,500 યુરો બોનસ આપવા પર પણ વિચારણા ચાલી રહી છે.

આંદોલનકારીઓ અને મેલોની સરકાર આમને-સામને

વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું છે કે સરકાર યુવાનોની સમસ્યાઓ ઉકેલવા પગલાં લઈ રહી છે, પરંતુ હિંસા અને તોડફોડ કરનારાઓને કોઈ રાહત મળશે નહીં. દેશભરમાંથી પેન્શનરો, ખેડૂતો અને વિવિધ વર્ગો આ આંદોલનમાં જોડાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં સરકાર પર દબાણ વધુ વધવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.