ટ્રમ્પે સરકારી સહાય મેળવતા વસાહતીઓના દેશોની યાદી જાહેર કરી
અમેરિકામાં રહેતા એશિયન વસાહતીઓમાં ભારત બીજા ક્રમે ભારતીયો સરકારી સહાય પર નિર્ભર નહીં હોવાના સંકેત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર 'ઈમિગ્રન્ટ વેલ્ફેર રેસિપિઅન્ટ રેટ્સ બાય ઓરિજિન' મથાળા હેઠળ ૧૨૦ દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સામેલ દેશના ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં સરકારી સહાય મેળવે છે. જોકે, આ યાદીમાં ભારતનું નામ નથી. આ યાદીમાં ઈમિગ્રન્ટ્સના જન્મ દેશ અને સહાય મેળવતા ઈમિગ્રન્ટ પરિવારોની ટકાવારી દર્શાવે છે. આ યાદીમાં દર્શાવાયું છે કે કયા દેશના કેટલાક વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી કેટલા ટકા સહાય કરવામાં આવી રહી છે.
ટ્રમ્પે જાહેર કરેલા ચાર્ટ મુજબ બાંગ્લાદેશના ૫૪.૮ ટકા વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે. આ સિવાય પાકિસ્તાનના ૪૦.૨ ટકા, નેપાળના ૩૪.૮ ટકા અને ચીનના ૩૨.૯ ટકા લોકોને અમેરિકા સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. ઈઝરાયેલને ૨૫ ટકા જ્યારે યુક્રેનના ૪૨ ટકા વસાહતીઓને વિવિધ સહાય મળે છે. પ્રમુખ ટ્રમ્પની યાદી મુજબ અમેરિકન સહાય મેળવતા વસાહતીઓમાં ભૂતાન ૮૧.૪ ટકા સાથે ટોચના ક્રમે છે જ્યારે બર્મ્યુડા ૨૫.૫ ટકા સાથે સૌથી નીચલા ક્રમે છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા એશિયન વસાહતીઓમાં ભારતનું નામ બીજા ક્રમે છે. આંકડા મુજબ અમેરિકામાં રહેતા કુલ એશિયન વસાહતીઓમાં ૨૧ ટકા ભારતીય છે. ૨૦૨૩માં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોની મીડિયન વાર્ષિક આવક ૧,૫૧,૨૦૦ ડોલર હતી. અમેરિકામાં જ પેદા થયેલા ભારતીય મૂળના લોકો કરતા ભારતથી આવીને વસેલા વસાહતીઓની આવક વધુ છે. અમેરિકામાં રહેતા એશિયન લોકોની સરેરાશ વાર્ષિક આવક ૫૨,૪૦૦ ડોલર હતી જ્યારે ભારતીયોની આવક ૮૫,૩૦૦ હતી.


