ન્યૂઝીલેન્ડમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીનું હાઈ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Zealand Earthquake : ન્યૂઝીલેન્ડના દક્ષિણ દ્વીપ (સાઉથ આઇલેન્ડ) ના પશ્ચિમ કિનારે ગુરુવારે બપોરે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તેના તુરંત બાદ પ્રશાસને તટીય વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તે અનાઉ શહેરથી આશરે 42 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં જમીનથી 76.4 કિલોમીટરની ઊંડાઈએ હતું.
લોકોને તાત્કાલિક ઊંચા સ્થળોએ ખસી જવા અપીલ
ભૂકંપ બાદ ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ પ્રભાવિત વિસ્તારોના લોકોને તુરંત સુરક્ષિત સ્થાનો પર જવા આદેશ આપ્યો છે. એજન્સીએ સૂચના આપતા જણાવ્યું છે કે, 'અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વિના સુનામી સંભવિત વિસ્તારોમાંથી બહાર નીકળી જાય અને નજીકના ઊંચા સ્થળો અથવા મેદાની ભાગો તરફ જતા રહે.' જોકે, આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.
દરિયામાં અસામાન્ય લહેરો ઉઠવાની આશંકા
નાગરિક સુરક્ષા વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે, ફિયોર્ડલેન્ડ નજીક રાત્રે 9 વાગ્યેને 14 મિનિટે આવેલા આ ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે અને દરિયામાં અતિ તીવ્ર તેમજ અસામાન્ય મોજા ઉછળી શકે છે. પ્રશાસને ચેતવણી આપી છે કે આ અચાનક ઉઠતી લહેરો દરિયા કિનારે રહેલા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રવાસીઓ અને માછીમારો માટે કડક સૂચનાઓ
સરકારે સમુદ્ર કિનારે હાજર તમામ લોકોને તાત્કાલિક પાણીની બહાર આવી જવા અને કિનારાના વિસ્તારોથી દૂર રહેવા કહ્યું છે. આ ઉપરાંત, માછીમારો, નદી કિનારે કે બંદરો પર હાજર લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. નાગરિક સુરક્ષા વિભાગે ખાસ સલાહ આપતા જણાવ્યું છે કે, 'બોટ અથવા જહાજમાં સવાર લોકોએ પોતાની બોટ કિનારે છોડીને સુરક્ષિત સ્થાને જતા રહેવું જોઈએ અને સક્ષમ અધિકારીઓની સૂચના વિના ફરી બોટ પર પાછા ન જવું.'
અન્ય વિસ્તારો માટે કોઈ ખતરો નહીં
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતું માત્ર સંવેદનશીલ તટીય વિસ્તારોને જ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સીધી સૂચના આપવામાં ન આવે, ત્યાં સુધી અન્ય આસપાસના વિસ્તારોના લોકોને ઘર ખાલી કરવાની કોઈ જરૂર નથી. આ આંચકાથી દરિયાકાંઠાની જમીનો પાણીમાં ડૂબી જવાની કોઈ શક્યતા નથી.









