Get The App

કેનેડામાંથી ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
કેનેડામાંથી ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા 1 - image

- વિઝા સિસ્ટમમાં પરિવર્તનથી મોટાપાયે ડિપોર્ટેશનની તૈયારી શરૂ

- 30,000થી વધુ ઇમિગ્રન્ટ્સને સરકારે પ્રોસિજરલ ફેરનેસ લેટર મોકલ્યા, તાત્કાલિક પુરાવા આપવા તાકીદ કરાઈ 

- કેનેડામાં આવ્યાના એક વર્ષમાં આશ્રય માટે અરજી નહીં કરી હોય તેમના કેસ આઇઆરબીને  મોકલાશે નહીં 

ઓટ્ટાવા : કેનેડામાં નવા કાયદા બિલ સી-૧૨નો અમલ શરૂ થવા સાથે હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાં બન્યા છે. ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા-આઇઆરસીસી-દ્વારા ૩૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સ અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ મોકલી જણાવવામાં આવ્યું છે કે તેમણે કરેલાં દાવા નિશ્ચિત માપદંડો અનુસાર ન હોઇ તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં વધુ માહિતી અને પુરાવા આપવાની તક આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ડિપોર્ટેશન ઓર્ડર નથી પણ ઘણાં કિસ્સાઓમાં ચેતવણી આપવામાં આવી છે કે જે અરજદારો અયોગ્ય જણાશે તેમને વહેલી તકે કેનેડા છોડવાની ફરજ પાડવામાં આવશે અથવા તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી થઇ શકે છે. જેમણે ખાલિસ્તાનના ટેકેદાર તરીકે અરજી કરી હોય તેમના પર પણ આ કાર્યવાહીની અસર પડી શકે છે. 

નવા કાયદા બિલ સી-૧૨માં ઇમિગ્રેશનની અરજીના નિયમોને અગાઉ કરતાં કડક બનાવવામાં આવ્યા છે. જે અનુસાર જે લોકો કેનેડામાં આવ્યા બાદ એક વર્ષમાં આશ્રય માટે અરજી ન કરે તેમના કેસને હવે ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ ઓફ કેનેડા-આઇઆરબી-ને મોકલવામાં આવશે નહીં. 

આ જ રીતે જે લોકો યુએસમાંથી ગેરકાયદે સરહદ પાર કરી કેનેડામાં આવ્યા હોય અને ૧૪ દિવસમાં દાવો ન કરે તો તેમને પણ અપાત્ર માનવામાં આવશે. 

ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીની ગંભીર અસર ભારતીય અરજદારો પર મોટા પ્રમાણમાં પડી શકે છે. કેનેડાના આ નવા નિયમને કારણે જે લોકો ખાલિસ્તાન જેવા આંદોલન સાથે જોડાયેલાં હોય તેમને પણ રવાના કરવામાં આવી શકે છે. ખાલિસ્તાનના ઘણાં ટેકેદારો ભારતમાંથી ભાગીને કેનેડામાં સંતાયા છે તેમની હાલત હવે કફોડી બની શકે છે.ઇમિગ્રેશન વકીલો દ્વારા આ પ્રક્રિયા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઘણાં કિસ્સામાં અરજદારોને આમને સામને સુનાવણીની તક મળતી નથી. તેના કારણે તેમણે પોતાનો પક્ષ કાગળિયાં દ્વારા જ રજૂ કરવો પડે છે. જેમાં તેમની સ્થિતિ અને જોખમને યોગ્ય રીતે સમજી શકવામાં મુશ્કેલી પડે છે અને ખોટાં નિર્ણયો લેવાની સંભાવના રહે છે. 

કેનેડાનું આ કડક વલણ તેની ઇમિગ્રેશન નીતિમાં આવેલાં મોટાં પરિવર્તનનો સંકેત છે. સરકાર તેને માસ ડિપોર્ટેશન ગણાવતી નથી પણ હાલ હજારો સ્ટુડન્ટ્સની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. તેમનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.