ઈન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરની મુલાકાતે PM મોદી, ભારત સાથે છે ખાસ કનેક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Prambanan Temple Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1000 વર્ષ જૂના આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન PM મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.
રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે પહોંચ્યા મંદિર, જીર્ણોદ્ધાર પરિયોજનાનો શુભારંભ
PM મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિરના ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન મંદિરની સંરક્ષણ અને પુનઃસ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહ્યો છે. આ પહેલા મંગળવારે બંને દેશોએ મંદિરના સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી.
વડાપ્રધાને પુજા કરી
મંદિરમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી અને પરિયોજના સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન બંને દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવીને મોટી સંખ્યામાં લોકોએ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. પોતાની એક પોસ્ટમાં PMએ મંદિરમાં થયેલા મંત્રોચ્ચારનો વીડિયો શેર કરતાં લખ્યું, 'ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરમાં ॐ નમઃ શિવાય.'
9મી સદીમાં બન્યું હતું મંદિર, રામાયણના દ્રશ્યો કોતરેલા
પ્રમ્બાનન મંદિર 9મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તે ઈન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર પરિસર છે. મુખ્યત્વે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જેના ભવ્ય શિખરો પર શિવ, વિષ્ણુ અને બ્રહ્માની ઝલક જોવા મળે છે. પરિસરમાં કરવામાં આવેલી પથ્થરની જટિલ કોતરણીમાં રામાયણના દ્રશ્યો ઉકેરવામાં આવ્યા છે. પરિસરના કેન્દ્રમાં 47 મીટર ઊંચું રાજસી શિવ મંદિર છે, જે પ્રમ્બાનનની સૌથી ઊંચી સંરચના અને પ્રાચીન હિન્દુ સ્થાપત્યનો બેજોડ નમૂનો ગણાય છે. મૂળરૂપે આ સમગ્ર પરિસરમાં સેંકડો નાના-મોટા મંદિરો સામેલ હતા, જે સમય જતાં ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટોના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
'જ્યારે ભારત-ઈન્ડોનેશિયા સાથે આગળ વધે છે, ત્યારે ઘણું બધું થાય છે'
મંગળવારે એક કાર્યક્રમને સંબોધતાં PM મોદીએ બંને દેશોની સહિયારી સંસ્કૃતિ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મહાનદીમાં કેળાના થડમાંથી બનેલી નાની હોડીઓ વહાવવાની પરંપરા હોય, 'વાયાંગ કુલિત' દ્વારા મહાભારતનું મંચન હોય કે દેવી શ્રીની પૂજા હોય, દરેક પરંપરા ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોની જીવંત ઝલક રજૂ કરે છે.
કુછ કુછ હોતા હૈ
ઈન્ડોનેશિયામાં બોલિવૂડની જાણીતી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નું ગીત ખૂબ જ લોકપ્રિય છે. PMએ કહ્યું, 'મેં રાષ્ટ્રપતિ પ્રબોવોને કહ્યું કે જ્યારે ભારત અને ઈન્ડોનેશિયા સાથે મળીને આગળ વધે છે, ત્યારે ઘણું બધું થાય છે.' તેમણે ઉમેર્યું કે ઈન્ડોનેશિયા દ્વારા તેમને અપાયેલું સર્વોચ્ચ સન્માન બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનું વધુ એક પ્રતીક છે. PM મોદીએ પ્રવાસી ભારતીય સમુદાયને અપીલ કરી કે તેઓ પોતાના ઈન્ડોનેશિયન મિત્રોને ભારત વિશે જણાવે અને તેમને ભારત યાત્રા માટે પ્રોત્સાહિત કરે.









