World

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આગામી મહિને બેઠકની શક્યતા, ભારતમાં નહીં પણ અહીં થશે મુલાકાત

By GS Team
20 May 20262 mins read
TukuTouch Logo
G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આગામી મહિને બેઠકની શક્યતા, ભારતમાં નહીં પણ અહીં થશે મુલાકાત

PM Modi France Visit June 2026 : G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. 

ઇવિયન શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરી

વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી આર્થિક અને રાજદ્વારી તાકાતનો પુરાવો ફરી એકવાર જોવા મળ્યો છે. આગામી 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે જવાના છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને વડાપ્રધાન મોદીની આ ઉચ્ચ સ્તરીય સંમેલનમાં સહભાગિતાની પુષ્ટિ કરી છે.

ફ્રાન્સના સત્તાવાર નિવેદનથી ખુલાસો

તાજેતરમાં ફ્રાન્સના 'Abbaye des Vaux-de-Cernay' ખાતે યોજાયેલી G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ફ્રાન્સના યુરોપ તથા વિદેશી બાબતોના મંત્રી જીન-નોએલ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ફ્રાન્સની સત્તાવાર રિલીઝ અનુસાર, "બંને મંત્રીઓએ એ વાતને આવકારી છે કે વડાપ્રધાન મોદીએ ઇવિયન શિખર સંમેલન (Evian Summit) માં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી દીધી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને G7 ના કાર્યો અને વૈશ્વિક નિર્ણયોમાં ભારતના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો."

મોદી અને ટ્રમ્પની મુલાકાત પર વૈશ્વિક નજર

આ પ્રવાસની સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, આ સમિટ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાય તેવી પ્રબળ સંભાવના છે. છેલ્લા 16 મહિના કરતાં પણ વધુ સમયમાં આ પ્રથમ વખત હશે જ્યારે બંને નેતાઓ આમને-સામને બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ, હોર્મુઝ સંકટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવો વચ્ચે આ સંભવિત બેઠક પર આખી દુનિયાની નજર મંડાયેલી રહેશે.

G7 ના સભ્ય ન હોવા છતાં ભારતનું સન્માન

નોંધનીય છે કે ભારત સત્તાવાર રીતે G7 સંગઠન (દુનિયાના ૭ સૌથી મોટા વિકસિત અર્થતંત્રોનો સમૂહ) નો કાયમી સભ્ય દેશ નથી. આમ છતાં, વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત ભૂમિકાને સ્વીકારીને ફ્રાન્સ દ્વારા ભારતને એક વિશેષ 'પાર્ટનર કન્ટ્રી' (ભાગીદાર દેશ) તરીકે સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યું છે.