'કાનૂની આધાર વિના યુદ્ધમાં જોડાવા માટે તૈયાર નથી', ટ્રમ્પની ટીકા પર બ્રિટનના PM સ્ટાર્મરનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Keir Starmer Hits Back at Trump: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકાનો જવાબ આપતા કહ્યું કે, 'તેઓ કાનૂની આધાર વિના યુદ્ધમાં જોડાવા માટે તૈયાર નથી. ફક્ત ટ્રમ્પના નિવેદનો પર આધાર રાખવાથી બંને દેશો વચ્ચેના સંબંધોને સચોટ તસવીર દેખાતી નથી.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે શું કહ્યું?
બ્રિટિશ સંસદને સંબોધતા સ્ટાર્મરે કહ્યું કે, 'અમેરિકન વિમાનો બ્રિટનના બેઝ પરથી ઉડાન ભરી રહ્યા છે. બ્રિટિશ ફાઇટર જેટ પશ્ચિમ એશિયામાં અમેરિકન બેઝનું રક્ષણ કરવા માટે ડ્રોન અને મિસાઇલો તોડી પાડી રહ્યા છે. બંને દેશો દરરોજ ગુપ્ત માહિતી શેર કરી રહ્યા છે. આ ફક્ત એક નિવેદન નહીં, પણ અમેરિકા અને બ્રિટન વચ્ચેના ખાસ સંબંધોનું સાચું ઉદાહરણ છે.'
સ્ટાર્મરે ઈરાન પર હુમલો ન કરવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે, 'તેઓને કોઈ સ્પષ્ટ કાનૂની આધાર કે કોઈ લશ્કરી કાર્યવાહી માટે કોઈ નક્કર યોજના દેખાતી નથી. જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી બ્રિટન કોઈપણ યુદ્ધમાં સામેલ થશે નહીં અને તેમનું વલણ એ જ રહેશે.'
અગાઉ ટ્રમ્પે ઈરાન પર બ્રિટનના વલણને "ખૂબ જ અસહકારી" ગણાવ્યું હતું. તેમણે સ્ટાર્મર પર સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, 'તેઓ વિંસ્ટન ચર્ચિલ નથી.'
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'તેહરાન પર હુમલા પહેલા લંડનના સહયોગના અભાવથી તેઓ નાખુશ હતા.' તેમણે દાવો કર્યો હતો કે, બ્રિટને શરૂઆતમાં હિંદ મહાસાગરમાં લશ્કરી મથક ડિએગો ગાર્સિયાથી યુએસ બોમ્બર્સને ઉડાન ભરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, 'આ વલણ આઘાતજનક હતું અને સંબંધોને નુકસાન પહોંચે છે.' જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે, સ્ટાર્મરે રવિવારે મોડી રાત્રે પરવાનગી આપી હતી. જેનાથી યુએસ ફોર્સને બ્રિટન ઠેકાણાથી હુમલા કરવાની મંજૂરી મળી હતી.
આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું, અત્યાર સુધીમાં 1145 લોકોના મોત
જ્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આજે(4 માર્ચ) ફરી એકવાર ઈરાન પર યુએસ-ઈઝરાયલના નેતૃત્વ હેઠળના હુમલાઓની ટીકા કરી હતી. રોઈટર્સના અહેવાલ મુજબ, પેડ્રોએ કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ લાખો લોકોના જીવન માટે "રશિયન રૂલેટ" જેવો ખતરો ઉભો કરી રહ્યો છે. રશિયન રૂલેટમાં પિસ્તોલના મેગેઝિનમાં ફક્ત એક જ ગોળી લોડ કરવામાં આવતી હતી. ત્યારબાદ ખેલાડીએ બંદૂક પોતાના માથા પર મૂકી અને ટ્રિગર દબાવતા હતા. જેમાં ગોળી ચાલશે કે નહીં તે સંપૂર્ણપણે નસીબ પર હતું.









