આંખની રેટિનાની નીચે ચિપ સેટ કરીને દર્દીઓએ દ્રષ્ટિ પાછી મેળવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લંડન : આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો માટે ફરીથી દુનિયા જોવાની આશા જગાવતી બાયોનિક આઇ ટેકનોલોજીમાં મહત્ત્વની પ્રગતિ થઈ છે. આંખની રેટિનાની નીચે નાની ચિપ સેટ કરીને સ્પેશિયલ કેમેરાવાળાં ચશ્માની મદદથી દૃષ્ટિ સુધારવાના પ્રયાસોને સફળતા મળી છે. આ ટેકનોલોજીની મદદથી ચોક્કસ પ્રકારની આંખની બીમારી ધરાવતા કેટલાક દર્દીઓ અક્ષરો, આંકડા અને શબ્દો વાંચી શક્યા છે.
સામાન્ય રીતે આંખની રેટિના લાઈટને ઇલેક્ટ્રિકલ સંકેતોમાં ફેરવે છે. જે ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે. મગજ તેને દ્રશ્ય તરીકે સમજે છે. રેટિનાના કોષોને નુકસાન પહોંચે ત્યારે દૃષ્ટિ ગુમાવવાની સમસ્યા સર્જાય છે. બાયોનિક આઇ ટેકનોલોજીમાં ખાસ ચશ્માંં પર લગાવવામાં આવેલો કેમેરા સામેના સીનને કેપ્ચર કરે છે. પ્રોસેસર તેને ઇન્ફ્રારેડ લાઈટના સંકેતોમાં ફેરવે છે. આંખની રેટિનાની નીચે બેસાડવામાં આવેલી નાની ચિપ આ સંકેતોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવીને રેટિનાના બાકી રહેલા કાર્યક્ષમ કોષોને ઉત્તેજિત કરે છે. આ રીતે વિઝન સંબંધિત માહિતી મગજ સુધી પહોંચે છે.
આ ટેકનોલોજીથી મળતી દૃષ્ટિ સામાન્ય આંખ જેવી હોતી નથી. તેનાથી દર્દીઓને વસ્તુઓ ઓળખવામાં અને વાંચવામાં મદદ મળી શકે છે. તેનો ઉપયોગ કરતાં શીખવા માટે દર્દીઓને ટ્રેનિંગની પણ જરૂર પડે છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલી સ્ટડી મુજબ, ટ્રાયલમાં સામેલ ૩૮ દર્દીઓમાંથી ૩૨ દર્દીઓએ ૧૨ મહિનાનું ફોલો-અપ પૂર્ણ કર્યું હતું. આ ૩૨માંથી ૨૬ દર્દીઓની દૃષ્ટિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.આ સિસ્ટમ એજ-રિલેટેડ મેક્યુલર ડિજનરેશન નામની આંખની બીમારીના અદ્યતન સ્વરૂપને કારણે કેન્દ્રીય દૃષ્ટિ ગુમાવનારા દર્દીઓ માટે ડેવલપ કરાઈ છે.




