પાકિસ્તાનની ફજેતી! અમેરિકા બાદ ઈરાને પણ 'શાંતિ કરાર'નું ફીંડલું વાળ્યું, કહ્યું-'હવે અમે કોઈ વચન નહીં પાળીએ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલો શાંતિ કરાર શનિવારે આખરે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં થયેલા અને 'ઈસ્લામાબાદ MoU' તરીકે જાણીતા આ કરારનો અધ્યાય હવે બંધ થઈ ગયો છે. પાકિસ્તાને આ કરારને લઈને દુનિયાભરમાં વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની જાતને શાંતિના મોટા સમર્થક તરીકે રજૂ કરી રહ્યું હતું.
કરારના નિયમો પાળવાનો ઈરાનનો ઈનકાર
પરંતુ હવે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આ કરારના કોઈપણ નિયમનું પાલન નથી કરી રહ્યું. આ રીતે ઈરાને પહેલીવાર સ્વીકાર્યું છે કે ઈસ્લામાબાદ કરાર ખતમ થઈ ગયો છે અને તેઓ આ કરારની કોઈપણ કલમનો અમલ નથી કરી રહ્યા. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે વાસ્તવમાં અમેરિકાએ તમામ વચનો તોડ્યા છે અને MoUને સંપૂર્ણપણે નકામો સાબિત કરી દીધો છે.
બંને દેશો દ્વારા વચનોનો ભંગ
તેમણે આગળ કહ્યું, 'જેના જવાબમાં અમે પણ અમારા તમામ વચનો પર અમલ કરવાનું બંધ કરી દીધું છે, હવે અમે તે વચનો પૂરા નથી કરી રહ્યા.' સત્તાવાર રીતે આ પ્રથમ વખત છે જ્યારે ઈરાની નેતાઓ કહી રહ્યા છે કે MoU ખતમ થઈ ગયો છે અને તેઓ તેની કોઈપણ શરત લાગુ નહીં કરે.
માત્ર એક મહિનામાં કરાર નિષ્ફળ
ઈસ્લામાબાદ MoU પર 18 જૂને સમજૂતી થઈ હતી. શનિવાર, 18 જુલાઈએ 30 દિવસ પછી આ કરાર કચરાપેટીમાં ફેંકાઈ ગયો. ઈરાને અમેરિકા પર આ કરારના તમામ પાસાઓ તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે ઈરાન પણ હવે કરારનું પાલન નથી કરી રહ્યું. આ કરારનો હેતુ અમેરિકા-ઈરાન તણાવ ઓછો કરવાનો, પ્રાદેશિક સ્થિરતા વધારવાનો અને પરમાણુ કાર્યક્રમ સહિતના અનેક વિવાદિત મુદ્દાઓ પર વાતચીતનો માર્ગ ખોલવાનો હોવાનું જણાવાયું હતું. કરાર હેઠળ બંને પક્ષોએ કેટલાક વિશ્વાસ-નિર્માણના પગલાં, રાજદ્વારી સંપર્ક વધારવા અને ભવિષ્યની વાટાઘાટો માટેના માળખા પર સંમતિ દર્શાવી હતી. પાકિસ્તાને તેને પોતાની રાજદ્વારી સફળતા તરીકે રજૂ કર્યું હતું.
હોર્મુઝ સ્ટ્રેટ વિવાદથી તિરાડની શરૂઆત
આ કરાર અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર અને આગળના 60 દિવસમાં વ્યાપક કરારની રૂપરેખા પર આધારિત હતો. પરંતુ જુલાઈની શરૂઆતથી જ તેમાં તિરાડો દેખાવા લાગી હતી. સૌથી પહેલા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અને તેના નિયંત્રણને લઈને બંને દેશોની અલગ-અલગ વ્યાખ્યાઓ સામે આવી. હોર્મુઝ સ્ટ્રેટમાં જે જહાજો ઓમાનના જળક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા, ઈરાને તેના પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. ઈરાને કહ્યું કે હોર્મુઝમાંથી જહાજો તેના દ્વારા નક્કી કરાયેલા માર્ગ પરથી જ પસાર થઈ શકે છે. પરંતુ ઘણા જહાજો હોર્મુઝમાં ઓમાન તરફથી પસાર થઈ રહ્યા હતા.
વધતો સૈન્ય તણાવ અને હુમલા
ઈરાની હુમલા પર અમેરિકાએ તીખી પ્રતિક્રિયા આપી અને ઈરાની નૌસેના તેમજ તેના જહાજો પર હુમલા કરવાનું શરૂ કર્યું. આ પછી અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા કેટલાક ક્રૂડ નિકાસ રાહતના પગલાં પાછા ખેંચવાનું શરૂ કર્યું, જ્યારે ઈરાને તેને કરારનું ઉલ્લંઘન ગણાવ્યું. બીજી તરફ ઈરાને અમેરિકા પર ફ્રીઝ થયેલા ફંડ મુક્ત ન કરવાનો અને ઈઝરાયેલની લેબનાનમાં સૈન્ય કાર્યવાહી ન રોકી શકવાનો આરોપ લગાવ્યો. જવાબમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન કરારની શરતોનું પાલન નથી કરી રહ્યું અને યુદ્ધવિરામ 'ખતમ' થઈ ચૂક્યો છે. આ પછી બંને પક્ષો વચ્ચે ફરી સૈન્ય તણાવ વધી ગયો અને તકનીકી વાટાઘાટો પણ સંકટમાં આવી ગઈ. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાએ ઈરાનના વીજળી, નૌસેના, બંદર, બ્રિજ જેવા પાયાના સંસાધનો પર હુમલા કર્યા અને તેને તહેસ-નહેસ કરી નાખ્યા. જેના જવાબમાં ઈરાને પણ ગલ્ફમાં કુવૈત, બહેરીન, કતારમાં આવેલા અમેરિકન બેઝ પર હુમલા કર્યા.









