પાકિસ્તાની તોપના ગોળાએ યુક્રેનનું વધાર્યું ટેન્શન, અનેકમાં ખામી હોવાનો કમાન્ડરનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ukraine Commander On Pakistani Artillery : યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં બનેલા હથિયારો અને દારૂગોળાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. યુક્રેની સેનાના એક ટોપ આર્ટિલરી કમાન્ડરે પાકિસ્તાનથી મળેલા 155mm તોપના ગોળાઓની નબળી ગુણવત્તા અંગે ફરિયાદ કરી છે.
પાકિસ્તાની તોપના ગોળાઓમાં ખામી : કમાન્ડરનો દાવો
કમાન્ડરે દાવો કર્યો છે કે પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીઝ(POF) દ્વારા બનાવવામાં આવેલા આ દારૂગોળાના કેટલાક બેચમાં મોટી ખામીઓ સામે આવી છે, જેના કારણે યુદ્ધના મેદાનમાં સેનાની કામગીરી અને નિશાન સાધવાની ચોકસાઈ પર માઠી અસર પડી રહી છે.
‘યુદ્ધમાં આવી ગરબડ સૈનિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે’
યુક્રેની કમાન્ડરે દાવો કર્યો છે કે, પાકિસ્તાની ગોળાઓની ગુણવત્તા ખરાબ હોવાથી તેમની તોપચી ટીમોને અલગ-અલગ બેલિસ્ટિક ડેટા અને ટેબલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. દરેક ઉત્પાદકના ગોળા માટે અલગ ગણતરી કરવી પડતી હોવાથી ફાયરિંગની તૈયારીમાં વધારે સમય બગડે છે અને ભૂલ થવાની શક્યતા વધી જાય છે. કમાન્ડરનો દાવો છે કે કેટલાક બેચ બરાબર કામ કરે છે જ્યારે કેટલાકમાં મોટી સમસ્યાઓ જોવા મળે છે, જે ઉત્પાદન દરમિયાન ક્વોલિટી કંટ્રોલના અભાવ તરફ ઇશારો કરે છે. તીવ્ર યુદ્ધ દરમિયાન આવી ગરબડ સૈનિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
અમેરિકી માધ્યમથી થઈ હતી મોટી સપ્લાય
અમેરિકન દસ્તાવેજોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનમાં બનેલા 155mm દારૂગોળાના કોન્ટ્રાક્ટ આશરે 364 મિલિયન ડૉલરના હતા. આ સપ્લાય ત્રીજા પક્ષ કે અમેરિકી કાર્યક્રમો મારફતે યુક્રેનને પહોંચાડવામાં આવી હતી. આધુનિક યુદ્ધમાં મોટા પાયે વપરાતા M107 સ્ટાન્ડર્ડ હાઇ-એક્સપ્લોઝિવ ગોળાઓ પાકિસ્તાને મોટી માત્રામાં સપ્લાય કર્યા હોવા છતાં, યુદ્ધના મોરચે તેની વિશ્વસનીયતા સામે ફરિયાદો ઊઠી છે.
ગુણવત્તાના માપદંડો સામે સવાલ
યુક્રેન સંઘર્ષમાં દારૂગોળાની ભારે માગ હોવાથી વિશ્વના અનેક દેશોમાંથી હથિયારો પહોંચી રહ્યા છે. તેમ છતાં, યુદ્ધના મેદાનમાં હથિયારોની વિશ્વસનીયતા જીવલેણ સાબિત થઈ શકે છે. યુક્રેની કમાન્ડરના આ દાવા બાદ હથિયારો પૂરા પાડતા દેશો અને ખાસ કરીને પાકિસ્તાન માટે પોતાના ઉત્પાદન તેમજ ક્વોલિટી ટેસ્ટિંગના નિયમો સુધારવા જરૂરી બની ગયા છે.




