Get The App

મુનિર અને ટ્રમ્પની 'સિક્રેટ ડીલ' મુદ્દે પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ખનીજોના સેમ્પલ અમેરિકા મોકલાયા!

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
મુનિર અને ટ્રમ્પની 'સિક્રેટ ડીલ' મુદ્દે પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ખનીજોના સેમ્પલ અમેરિકા મોકલાયા! 1 - image

Pakistan-US Rare Earth Deal : દેવાના બોજ નીચે દબાયેલા પાકિસ્તાને પહેલીવાર દુર્લભ (Rare Earth) અને મહત્ત્વપૂર્ણ ખનીજોનો જથ્થો અમેરિકા મોકલ્યો છે. વાસ્તવમાં ગત મહિને પાકિસ્તાને અમેરિકન કંપની સાથે ખનીજ ‘સંસાધનોની ખોજ અને વિકાસ’ માટે હસ્તાક્ષર કર્યા હતા, જેના ભાગ રૂપે આ ચીજવસ્તુઓ અમેરિકા મોકલવામાં આવી છે. પાકિસ્તાન આમ કરીને ટ્રમ્પને ખુશ કરવા માંગે છે, જોકે બીજીબાજુ પાકિસ્તાનમાં તેનો આંતરિક વિરોધ પણ સામે આવ્યો છે.

અમેરિકા સાથે સિક્રેટ ડીલ્સથી પાકિસ્તાનમાં નારાજગી

પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(PTI)એ અમેરિકા સાથેની આ 'સિક્રેટ ડીલ્સ' પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ડોન અખબારના અહેવાલ મુજબ, અમેરિકા મોકલાયેલા સેમ્પલ જથ્થામાં એન્ટિમની, કોપર કોન્સન્ટ્રેટ અને નિયોડાઇમિયમ તથા પ્રેસિયોડાઇમિયમ જેવા રેયર અર્થ મિનરલ્સનો સમાવેશ થાય છે.

અમેરિકન કંપની પાકિસ્તાનમાં રોકાણ કરશે

કરાર હેઠળ અમેરિકન કંપની યુએસ સ્ટ્રેટેજિક મિનરલ્સ(USSM)એ પાકિસ્તાનની સૈન્ય એન્જિનિયરિંગ એકમ ફ્રન્ટિયર વર્ક્સ ઑર્ગેનાઇઝેશન (FWO) સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. USSM પાકિસ્તાનમાં ખનીજ પ્રોસેસિંગ અને ડેવલપમેન્ટ સુવિધાઓ સ્થાપવા માટે 50 કરોડ ડૉલર(આશરે 4200 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.

આ પણ વાંચો : અમેરિકામાં નજીવા કારણોસર ભારતીયોની હત્યાના કારણે ભયનો માહોલ, વંશીય નફરત કે બીજું કંઈ?

પાકિસ્તાન પાસે 500 લાખ કરોડ રૂપિયાનો ખનીજ ભંડાર

ખાસ વાત એ છે કે આ ડીલના થોડા દિવસો બાદ અમેરિકન આર્મી ચીફ જનરલ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir) વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ને રેર અર્થ મિનરલ્સના પથ્થરો બતાવતા નજરે પડ્યા હતા. તેમની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ (PM Shehbaz Sharif) પણ હસતા નજરે પડી રહ્યા છે. પાકિસ્તાન પાસે આશરે 6 ટ્રિલિયન ડૉલર (આશરે 500 લાખ કરોડ રૂપિયા)ના ખનીજ ભંડાર હોવાનો અંદાજ છે. હવે આ ખનીજ ભંડારને શોધવા માટે પાકિસ્તાન ટ્રમ્પ તંત્રને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન અમેરિકાનો પોર્ટ આપશે

PTIએ માંગ કરી છે કે, સરકાર અમેરિકા અને તેની કંપનીઓ સાથે થયેલા તમામ કરારોની સંપૂર્ણ વિગતો સાર્વજનિક કરે. પાર્ટીએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન સરકાર માત્ર ખનીજ કરાર જ નહીં, બલુચિસ્તાનમાં ચીનના ગ્વાદર બંદર નજીક આવેલું પાસની પોર્ટ અમેરિકાને સોંપવા જઈ રહ્યું છે. PTI ના માહિતી સચિવ શેખ વક્કાસ અકરમે ચેતવણી આપી છે કે, આવા એકતરફી અને સિક્રેટ ડીલ્સ દેશની ખરાબ સ્થિતિને વધુ બગાડી શકે છે. અમારી પાર્ટી એવા કોઈપણ કરારને સ્વીકારશે નહીં જે જનતા અને રાષ્ટ્રના હિતોની વિરુદ્ધ હોય.

આ પણ વાંચો : ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ: કેબિનેટ ગઠનના ગણતરીના કલાકો બાદ PMનું રાજીનામું, મેક્રોનને ઝટકો