Get The App

ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ: કેબિનેટ ગઠનના ગણતરીના કલાકો બાદ PMનું રાજીનામું, મેક્રોનને ઝટકો

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ: કેબિનેટ ગઠનના ગણતરીના કલાકો બાદ PMનું રાજીનામું, મેક્રોનને ઝટકો 1 - image

France PM Resignation: ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એક મહિનામાં જ રાજીનામું આપતાં રાષ્ટ્ર પ્રમુખ મેક્રોનને મોટો ઝટકો વાગ્યો છે. બજેટ રજૂ ન કરવા બદલ અને શાસન કરવામાં નિષ્ફળ રહ્યા બાદ લોકોર્નુએ રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની જાહેરાતથી પેરિસ સ્ટોક એક્સચેન્જ 1.7 ટકા તૂટ્યો હતો. ફ્રાન્સમાં એક વર્ષમાં લેકાર્નુ રાજીનામું મૂકનારા ચોથા વડાપ્રધાન બની ગયા. જેનાથી ફ્રાાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની મુશ્કેલી વધી ગઈ છે.  

કેબિનેટની રચનાના થોડા કલાકમાં રાજીનામું

ફ્રાન્સના મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોર્નુએ કેબિનેટની રચનાના થોડા કલાકમાં જ રાજીનામું આપી દીધુ હતું. તેમની વિરુદ્ધ વિપક્ષ દ્વારા સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી તેમને ગંધ આવી ગઈ હતી કે, સંસદમાં તેમનો સ્વીકાર કરવામાં આવશે નહીં. લોક હાંસીથી બચવા તેમણે પોતે જ રાજીનામું આપી દીધુ હતું. કેબિનેટની રચના બાદ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ બેઠક પહેલાં જ લોકોર્નુએ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.



એક મહિનામાં ખુરશી છોડી

ફ્રાન્સના પ્રમુખ મેક્રોને એક મહિના પહેલાં જ લોકોર્નુની વડાપ્રધાન પદે નિમણૂક કરી હતી. પરંતુ વિપક્ષે તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો. લોકોર્નુના વિરોધ પાછળ બે કારણ જવાબદાર હતા. એક 2024માં જ્યારે સામાન્ય ચૂંટણી થઈ, ત્યારે કોઈપણ પક્ષને બહુમત મળ્યો ન હતો. તેમ છતાં પ્રમુખ મેક્રોને પોતાના અંગત નેતાઓને સત્તા સોંપી હતી. જેમાં વડાપ્રધાનની ખુરશી ફ્રાન્સ બાયરુને સોંપી હતી.  આ સમયે મેક્રોન પર બંધારણનું અતિક્રમણ કરવાનો આરોપ મૂકાયો હતો. જો કે, બાયરુ ઝાઝા દિવસ ખુરશી સંભાળી શક્યા નહીં. બાદમાં લોકોર્નુને પીએમનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ સદનમાં વિશ્વાસ હાંસલ કરી શક્યા નહીં. બીજું ફ્રાન્સની આર્થિક સ્થિતિ કથળી છે. સરકાર પર દેવું વધી રહ્યું છે. જેથી સરકારે બજેટમાં કાપનો પ્રસ્તાવ મૂકતાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જનતાના ભારે વિરોધ વચ્ચે આ બજેટ પસાર કરવામાં બાયરુ અને બાદમાં લોકોર્નુ નિષ્ફળ રહ્યા.

ફ્રાન્સની કમાન કોણ સંભાળશે?

ફ્રાન્સમાં ધ રેલી ગ્રૂપ પાસે વધુ સાંસદો છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોન બંધારણની મદદથી આ પક્ષને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. કારણકે, તેમના છેલ્લા બે અનુભવ ખરાબ રહ્યા છે. મેક્રોન 2027 સુધી ફ્રાન્સના પ્રમુખ પદ પર કાર્યરત છે. જો કે, ધ રેલી ગ્રૂપની માગ છે કે, નેશનલ એસેમ્બલીનો તુરંત ભંગ કરવામાં આવે, સરકાર નવેસરથી ચૂંટણી કરશે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ 577 બેઠખ છે. જેમાં સરકાર બનાવવા ઓછામાં ઓછી કુલ 279 બેઠકની જરૂર છે.

ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ: કેબિનેટ ગઠનના ગણતરીના કલાકો બાદ PMનું રાજીનામું, મેક્રોનને ઝટકો 2 - image