Impact of war on Pakistan : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે કેટલાક દેશોમાં જતો ક્રૂડ ઓઈલ, ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય અટકી પડ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનમાં પડી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારીમાં હોવાની અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સરકારે પણ કહ્યું છે કે, તમામ રાજ્ય સરકારો, અધિકારીઓ સાથે વાત કર્યા બાદ, તમામના નિર્ણય જાણ્યા બાદ ‘સ્માર્ટ લોકડાઉન’ પર અંતિમ નિર્ણય લેવાશે.
પાક. સરકારે ‘સ્માર્ટ લોકડાઉન’ને અફવા ગણાવી, પણ નિર્ણય લેવાની તૈયારીમાં
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ લાદવાના અહેવાલો ચાલી રહ્યા છે અને તેનું એક નોટિફિકેશન પણ વાયરલ થઈ રહ્યું છે. હવે આ મામલે પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તારે ખુલાસો કરી અહેવાલોને અફવા ગણાવી છે. તેમણે એવું કહ્યું છે કે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. જોકે પાકિસ્તાન સરકારે એવું પણ કહ્યું છે કે, હજુ સ્માર્ટ લોકડાઉન લાગુ કરાયું નથી, પરંતુ આ મામલે રાજ્યો સરકારો અને અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
વાયરલ નોટિફિકેશમાં શું કહેવાયું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘સ્માર્ટ લોકડાઉન નોટિફિકેશ’માં કહેવાયું છે કે, આખા દેશમાં અઠવાડિયામાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ નિયમ ચોથી અને પાંચમી એપ્રિલ-2026થી લાગુ થશે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો, માર્કેટ, ફેક્ટ્રીઓ અને અન્ય કામકાજો સંપૂર્ણ બંધ રહેશે. સર્વિસ સેક્ટર પણ બંધ રહેશે. આ બંને દિવસમાં કોઈપણ લગ્ન કે જાહેર સમારંભ યોજી શકાશે નહીં. હોસ્પિટલો, દવાની દુકાનો અને જીવનજરૂરીય ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, તેમજ એરપોર્ટ, પોર્ટ અને રેલવે સ્ટેશન પણ ખુલ્લા રહેશે. સરકારે એવું પણ નિર્ણય કર્યો છે કે, લોકડાઉન દરમિયાન શહેરો વચ્ચેના રસ્તાઓ, હાઈવે અને મોટરવે બંધ રહેશે અને વાહનચાલકો અવરજવર નહીં કરી શકે. જોકે વાયરલ નોટિફિકેશન મુજબ પબ્લિક ટ્રન્સપોર્ટેશન ચાલુ રહેશે, જેથી લોકો જરૂરીયાત મુજબ પ્રવાસ કરી શકે.
...તો પાકિસ્તાનમાં એરલાઈન્સો થઈ જશે બંધ
પાકિસ્તાન ઈન્ટરનેસનલ એરલાઈન્સ (PIA) મોટા સંકટમાં આવી ગયું છે. પીઆઈએ કન્સોર્ટિયમના ચેરમેન આરિફ હબીબે કહ્યું કે, જો જેટ ફ્યૂલની કિંમતો સતત વધતી રહેશે તો એરલાઈન્સ બંધ કરવાની નોબત ઉભી થઈ શકે છે. તાજેતરમાં જ જેટ ફ્યૂલ (JP-1)ની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. 21 માર્ચે તેની પ્રતિ લિટર કિંમત 388 રૂપિયા હતી, જે વધીને 472 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે તેમાં 88 રૂપિયાનો વધારો થયો છે. પહેલી માર્ચથી અત્યાર સુધીમાં જેટ ફ્યૂલની કિંમતમાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. તે પહેલા કિંમત 190 રૂપિયા હતી. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધથી વૈશ્વિક સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે ફ્યૂલમાં ધરખમ વધારો થયો છે. આ સંકટના કારણે પીઆઈએનો ખર્ચ ખૂબ જ વધી જતાં ફ્લાઈટોનું સંચાલન કરવું મુશ્કેલ થઈ શકે છે.


