ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને શરૂ તો કરી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, પણ દાવ ઊલટો પડ્યો: જાણો શું થયો કાંડ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Digital Payment Crisis : ભારતની સફળતા જોઈને પાકિસ્તાને પણ પોતાની અર્થવ્યવસ્થાને કેશલેસ બનાવવાની દિશામાં પગલાં ભર્યાં હતાં. થોડા જ સમયમાં ત્યાં મોબાઈલ બેંકિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો અને સરકારે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા. જોકે, અર્થતંત્રને કેશલેસ બનાવવાને બદલે ત્યાં ઊલટી સ્થિતિ સર્જાઈ છે અને બજારમાં રોકડ ચલણ ઘટવાને બદલે બમણું થઈ ગયું છે.
છ વર્ષમાં રોકડ ચલણમાં 94 ટકાનો જંગી વધારો
નાણાકીય વર્ષ 2025-26માં પાકિસ્તાનમાં ચલણમાં રહેલી રોકડ કરન્સી વધીને 11.94 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020માં આ આંકડો 6.14 ટ્રિલિયન રૂપિયા હતો. એટલે કે છેલ્લા 6 વર્ષમાં રોકડ ચલણની માત્રામાં અંદાજે 94 ટકાનો વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટ વધવા છતાં સામાન્ય લોકોમાં રોકડની જરૂરિયાત ઓછી થઈ નથી.
શું સર્જાઈ મુખ્ય સમસ્યા?
પાકિસ્તાનમાં મુખ્ય મુશ્કેલી એ છે કે ડિજિટલ માધ્યમથી ખાતામાં આવતા નાણાં ડિજિટલ રીતે ખર્ચાતા નથી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટ કે મોબાઈલ વોલેટમાં પૈસા આવે, ત્યારે તે ATM અથવા એજન્ટ પાસેથી રોકડા ઉપાડીને બજારમાં રોકડમાં જ ખરીદી કરે છે. પૈસા ડિજિટલ સિસ્ટમમાં આવે છે ખરા, પણ અંતે ખર્ચ થતાં પહેલાં ફરી રોકડમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયાને કેશ કન્વર્ઝન સાયકલ કહેવામાં આવે છે.
વ્યવસ્થા બદલાઈ પરંતુ આદત યથાવત
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાનો અર્થ એ નથી કે દેશ સંપૂર્ણપણે કેશલેસ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં પૈસા ટ્રાન્સફર કરવાની રીત બદલાઈ છે, પરંતુ લોકોની ખરીદી કરવાની પદ્ધતિ બદલાઈ નથી. નાના વેપારીઓ અને અનૌપચારિક વ્યવસાયો હજુ પણ રોકડ વ્યવહારો પર જ નિર્ભર છે. પાકિસ્તાનમાં કુલ મની સપ્લાયમાં રોકડનો હિસ્સો નાણાકીય વર્ષ 2020ના 30.1 ટકાથી ઘટીને 2026માં 25.7 ટકા થયો છે, છતાં પણ નાણાકીય વર્ષ 2024 પછી વાસ્તવિક રોકડ રાખવાનું વલણ ફરી વધવા લાગ્યું છે.
ભારતની સિસ્ટમથી પાકિસ્તાન કેમ પાછળ?
ભારતમાં UPI જેવી વ્યવસ્થાએ ડિજિટલ પેમેન્ટને માત્ર બેંક ટ્રાન્સફર પૂરતું મર્યાદિત નથી રાખ્યું, પરંતુ ચાની લારી, કરિયાણાની દુકાન અને નાના વેપારીઓ સુધી પહોંચાડીને ખરીદીની છેલ્લી કડીને પણ ડિજિટલ બનાવી દીધી છે. પાકિસ્તાન સામે સૌથી મોટો પડકાર એ છે કે ડિજિટલ નાણાં માત્ર બેંક ખાતાઓમાં ન ફરે પરંતુ અંતિમ ખરીદી પણ ઓનલાઇન થાય, ત્યારે જ સાચા અર્થમાં દેશ કેશલેસ બની શકશે.









