પાકિસ્તાનના ફરી ટુકડા ! બલૂચિસ્તાન દેશ બન્યો, નવો ઝંડો-રાષ્ટ્રગીત-કરન્સી લાગુ, દાવો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Balochistan Declares Independence From Pakistan : લાંબા સમયથી ભારે અશાંતિનો સામનો કરી રહેલા બલૂચિસ્તાને પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતા પોતાને એક સંપૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સત્તાવાર નિવેદનમાં 'રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન' (Republic of Balochistan)ના નામે સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી છે. આ વાયરલ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, બલૂચિસ્તાનની સેનાએ આ વિસ્તારના 85 ટકા હિસ્સા પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ સાથે જ નવો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, નવી કરન્સી (ચલણ) અને નવી વહીવટી વ્યવસ્થા લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી બલૂચ સરકાર પાસે આ ક્ષેત્રના તમામ ખનિજ સંસાધનો, ગેસ ક્ષેત્રો અને કોલસાની ખાણો પર પૂર્ણ માલિકી હક હોવાનો પણ દાવો કરાયો છે.
લાંબા સમયથી અલગતાવાદની માગ
વાયરલ થયેલા આ નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના ઘણા અધિકારીઓ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને બલૂચિસ્તાનની સ્વતંત્રતાની લડાઈમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં લાંબા સમયથી પાકિસ્તાન વિરુદ્ધ અલગતાવાદી આંદોલન જોર પકડી રહ્યું છે. સ્થાનિક લોકોએ અનેક વખત મોટા પાયે વિરોધ પ્રદર્શનો કરીને પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા છે.
જો કે, બલૂચિસ્તાનની સ્વતંત્રતાની આ જાહેરાતની હજુ સુધી કોઈ સત્તાવાર સ્ત્રોત કે વૈશ્વિક ન્યૂઝ એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ વિશ્વના કોઈ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠન કે, સરકારે તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી.
બલૂચિસ્તાનમાં હિંસા ચરમસીમાએ
આ દરમિયાન બલૂચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ સતત વણસી રહી છે. સ્થાનિક બલૂચ વિદ્રોહીઓ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓએ પાકિસ્તાની સુરક્ષા દળો પર પોતાના હુમલાઓ તેજ કરી દીધા છે. પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 1 અઠવાડિયામાં 105 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી 71 આતંકવાદીઓ 7 જુલાઈથી શરૂ થયેલા 'ઓપરેશન શાબાન' (Operation Shaban) દરમિયાન ઠાર મરાયા છે. ક્વેટા જિલ્લાના શાબાન વિસ્તારમાં પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર (FC) અને બલૂચિસ્તાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
5 જુલાઈએ માર્યા ગયા હતા 27 પોલીસકર્મી
ગત 5 જુલાઈએ શાબાન વિસ્તારના મંગી ડેમ પમ્પિંગ સ્ટેશન પર આવેલી પોલીસ ચોકી પર થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 27 પાકિસ્તાની પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ જ સુરક્ષા દળોએ મોટા પાયે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. રવિવારે સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ચાલેલા અભિયાન દરમિયાન વધુ 7 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેથી ઓપરેશન શાબાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા 71 પર પહોંચી ગઈ છે. બલૂચિસ્તાન છેલ્લા 2 દાયકાથી હિંસાનો સામનો કરી રહ્યું છે, અને તાજેતરના મહિનાઓમાં ત્યાં હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.









