- જો અમેરિકા યુક્રેનને ટેકનિકલ અને શસ્ત્ર સહાય આપવાનું બંધ કરે તો રશિયા ઇરાનને જાસૂસી માહિતી આપવાનું બંધ કરશે
નવી દિલ્હી : એક રીપોર્ટ પ્રમાણે રશિયાની વિદેશી જાસૂસી સંસ્થા, એસ.વી.આર.ના ચીફ સર્ગેઇ નેરીશ્કીને આજે ૧લી એપ્રિલે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના તેમના સમકક્ષ સીઆઈએના વડાના સંપર્કમાં છે અને ઇરાન-યુદ્ધ અંગે માર્ગ શોધી રહ્યા છે.
ઇરાન યુદ્ધનો આજે (૧ એપ્રિલ, બુધવારે) ૩૩મો દિવસ છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન અને ફરૂખશહર સ્થિત દવા કંપનીઓ અને સ્ટીલ-પ્લાંટસને નિશાન બનાવી હુમલા કર્યા છે. ઇઝરાયલે લેબેનોનમાં પણ હુમલા કર્યા છે.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી, ઇઝરાયલ કાટ્જે એ કહ્યું હતું કે અમે દક્ષિણ લેબેનોનમાંનાં ઘરોને ઢાળી દેવાના છીએ અને તેથી વિસ્થાપિત થયેલા નાગરિકોને પરત જવા મંજૂરી પણ અપાશે નહીં.
બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મોટી મોટી વાત કરતાં કહ્યું હતું કે આ યુદ્ધને બે-ત્રણ સપ્તાહમાં જ પૂરૃં થઇ જશે. યુદ્ધ બંધ કરવા માટે તહેરાન સામે સમજૂતી સાધવાની પણ કોઈ જરૂર નથી. જો ઇરાન નહીં સમજે તો તેનાં ઊર્જા સંસ્થાનોને અમેરિકી સૈનિકો તબાહ કરી નાખશે. તે સામે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કે તેમને વોશિંગ્ટનની કોઈપણ વાત ઉપર વિશ્વાસ નથી.
દરમિયાન આશ્ચર્યજનક વાત તે મળી છે કે રશિયાની જાસૂસી સંસ્થા એસ.વી.આર.ની સાથે સીઆઈએના વડા સંપર્કમાં છે અને તેઓ યુદ્ધ બંધ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. સર્ગેઇનારીશકિનનાં આ વિધાનોએ આશ્ચર્ય ફેલાવી દીધું છે.
વાસ્તવમાં આ ખાડી યુદ્ધ બંધ કરવા પાકિસ્તાને પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે નિષ્ફળ રહ્યા. બીજી તરફ અમેરિકાનાં સૈન્યમથકો વિષે રશિયા સેટેલાઇટ ઇમેજીસ મેળવી તેની માહિતી તે ઇરાનને આપે છે. તેથી ઇરાન નિશાન લઇને હુમલા કરી શકે છે. રશિયાએ કહ્યું હતું કે જો અમેરિકા યુક્રેનને જાસૂસી માહિતી તેમજ શસ્ત્ર સહાય આપવાનું બંધ કરે તો રશિયા ઇરાનને જાસૂસી માહિતી આપવાનું બંધ કરે પરંતુ અમેરિકાએ તે પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ટૂંકમાં યુદ્ધ ક્યારે બંધ થશે તે કોઈ કહી શકે તેમ નથી.


