- તાલિબાન આતંકીઓના કેન્દ્રો પર એરસ્ટ્રાઈકનો પાકિસ્તાનનો દાવો
- હુમલામાં 250 લોકો ઈજાગ્રસ્ત થયા, કાટમાળ નીચે વધુ મૃતદેહો હોવાની આશંકા, 3,000 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનો દાવો
- પાકિસ્તાન સાથે કુટનીતિનો સમય સમાપ્ત, આ હુમલો માનવતા વિરુદ્ધ ગુનો, જેનો બદલો જરૂર લેવાશે : અફઘાન સરકાર
- પાકિસ્તાને હોસ્પિટલ પર હુમલાના આક્ષેપો નકારી કાઢ્યા, કહ્યું - કાબુલ અને નાન્ગરહારમાં આતંકી સ્થળો પર હુમલા કરાયા
કાબુલ/ઈસ્લામાબાદ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક સ્તરે તંગદિલી ફેલાયેલી છે. આવા સમયે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાને સોમવારે મોડી રાત પછી અત્યંત ચોક્સાઈપૂર્ણ એરસ્ટ્રાઈક કરતા તાલિબાન આતંકીઓના કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. જોકે, અફઘાનિસ્તાન સરકારે ઈસ્લામાબાદ પર કાબુલમાં પુનર્વસન હોસ્પિટલ પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાનના આ હુમલામાં ૪૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં અને ૨૫૦થી વધુને ઈજા થઈ હતી. તાલિબાનોએ પાકિસ્તાન સામે આ હુમલાનો બદલો લેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે ચર્ચાનો સમય ખતમ થઈ ગયો.
પાકિસ્તાને અફઘાનિસ્તાનના શાસકો તાલિબાન સમર્થિત આતંકીઓના ખાત્મા માટે ૨૬ ફેબ્રુઆરીથી ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ છેલ્લા ૨૦ દિવસમાં પાકિસ્તાન નિયમિત સમયાંતરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક સ્થળો પર વારંવાર એરસ્ટ્રાઈક કરી હતી. જોકે, તાલિબાન સરકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને કાબુલમાં ડ્રગ્સ રિહેબિલેશન હોસ્પિટલ ઉમર એડિક્શન ટ્રીટમેન્ટ પર હુમલો કર્યો હતો, જેમાં ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૨૫૦થી વધુને ઈજા પહોંચી હતી. હોસ્પિટલના કાટમાળ નીચે હજુ ૫૦થી વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ કાબુલમાં એરસ્ટ્રાઈકમાં રિહેબિલેશન સેન્ટરના પાંચ બ્લોક તૂટી ગયા હતા. આ હોસ્પિટલમાં ૩,૦૦૦થી વધુ દર્દીઓ સારવાર કરાવી રહ્યા હતા. આ સિવાય દારૂલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આજુબાજુ અનેક સ્થળો પર વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, પાકિસ્તાનના હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા. આ સ્થળ પરથી કાટમાળ હટાવાયા પછી મૃતકોની સંખ્યા વધી પણ શકે છે. પાકિસ્તાનના હુમલાની ટીકા કરતા તાલિબાન સરકારે તેને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો છે અને કહ્યું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની હવાઈ સરહદનો ભંગ કર્યો છે.
પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી મહુમ્મદ નબિ ઓમારઈએ કહ્યું કે, પાકિસ્તાને આતંકીઓ પર નહીં પરંતુ અફઘાનોને મારવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પાકિસ્તાન સાથે કૂટનીતિનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે અને આ હુમલાનો બદલો જરૂર લેવામાં આવશે.
જોકે, પાકિસ્તાને અફઘાનિસ્તાન સરકારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો કે, આર્મ્ડ ફોર્સે સોમવારે મોડી રાત પછી કાબુલ અને નાન્ગરહારમાં અફઘાન તાલિબાન શાસન દ્વારા આશ્રિત આતંકીઓના સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા.
તેમણે કહ્યું, કાબુલમાં તાલિબાન અફઘાન આતંકીઓના બે સ્થળોમાં ટેકનિકલ સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દારૂગોળાના સંગ્રહ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ૨,૬૦૦ કિ.મી. લાંબી સરહદ પર અફઘાન તાલિબાનો દ્વારા કથિત હુમલાના જવાબમાં ઓપરેશન ગજબ લિલ હક શરૂ કર્યું હતું.


