Get The App

હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
Pakistan Air Force Strike on Kabul Rehab Hospital

Pakistan Air Force Strike on Kabul Rehab Hospital: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ડ્રગ રિહેબિલિટેશન(નશામુક્તિ) કેન્દ્ર પર પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ અને સુહૈલ શાહીને આક્ષેપ કર્યો છે કે આ હુમલામાં 400થી વધુ દર્દીઓના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા છે. તાલિબાનના મતે, પાકિસ્તાને કોઈ પણ પુરાવા વગર આતંકવાદીઓને નિશાન બનાવવાના નામે માનવતા વિરુદ્ધનો અપરાધ કર્યો છે અને હૉસ્પિટલના મોટા હિસ્સાને તબાહ કરી દીધો છે. કાબુલના પોલીસ ડિસ્ટ્રિક્ટ 9માં થયેલા આ હુમલાને પગલે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

તાલિબાનની પાકિસ્તાનને ચેતવણી

આ ઘટના બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પ્રવક્તા સુહૈલ શાહીને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હાલ કોઈ પણ પ્રકારની ગુપ્ત વાટાઘાટો ચાલી રહી નથી અને જો પાકિસ્તાન સૈન્ય માર્ગ પસંદ કરશે, તો અફઘાન સરકાર પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છે. તાલિબાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં સ્થિરતા ઇચ્છતું નથી અને પાકિસ્તાને વર્ષોથી ત્યાં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓની સંપત્તિ છીનવીને તેમને બળજબરીથી પરત મોકલી દીધા છે. તાલિબાને ખાતરી આપી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે નહીં થવા દેવાય, પરંતુ પાકિસ્તાનના આક્રમક વલણને સાંખી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: BIG NEWS | વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું

પાકિસ્તાનને તાલિબાનના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા

બીજી તરફ, પાકિસ્તાને તાલિબાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેમની સેનાએ માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે અને કોઈ પણ નાગરિક સુવિધા કે હૉસ્પિટલ પર હુમલો કર્યો નથી. આ એરસ્ટ્રાઇક પહેલા સરહદ પર થયેલી અથડામણમાં 4 અફઘાન નાગરિકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી બંને દેશો વચ્ચે ગંભીર તણાવ પ્રવર્તી રહ્યો છે. આ તાજી ઘટના બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સુરક્ષા અને રાજદ્વારી સંબંધોમાં વધુ ખટાશ આવવાના સંકેતો મળી રહ્યા છે.

હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા 2 - image