- અમેરિકી પ્રમુખે પાકિસ્તાનના વડાપ્રધાન અને સેનાના વડાની પ્રશંસા કરતાં કહ્યું : તે બંને મજબૂત નેતાઓ છે, મને તેમને માટે ઘણું માન છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેવો સંકેત આપ્યો છે કે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલો સંઘર્ષને અનુલક્ષી તેઓએ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવા વિચારી રહ્યા છે.
વ્હાઇટ હાઉસની બહાર શુક્રવારે સાંજે પત્રકારોને કરેલાં સંબોધનમાં કહ્યું 'હું હસ્તક્ષેપ કદાચ કરૃં પણ ખરો મારા પાકિસ્તાન સાથેના સંબંધો ઘણા સારા છે. તેને એક મહાન વડાપ્રધાન છે અને એક મહાન સેનાપતિ પણ છે, તેમને માટે મને ઘણું માન છે.
દરમિયાન અમેરિકાનાં વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનને સમર્થન જાહેર કરી દીધું છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં અન્ડર સેક્રેટરી એલિસન એમ હૂકરે પાકિસ્તનનાં વિદેશ સચિવ અમન્ના બલોચ સાથે ફોન ઉપર વાતચીત કરતાં તાજેતરનાં યુદ્ધમાં પાકિસ્તાનના માર્યા ગયેલા સૈનિકો અંગે આશ્વાસન આપ્યું હતું, અને વધુમાં કહ્યું હતું કે અમેરિકા ત્યાંની પરિસ્થિતિ ઉપર પૂરી નજર રાખી રહ્યું છે, અને તાલિબાનોના હુમલા સામે પોતાનો બચાવ કરવાના પાકિસ્તાનના અધિકારીને પૂરેપૂરો ટેકો આપે છે.'
તે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વધતાં અમેરિકી દૂતાવાસે અને ઉપદૂતાવાસોએ અમેરિકી નાગરિકોને સાવચેત રહેવા એડવાઇઝરી પાઠવી દીધી છે. તેમાં જણાવ્યું છે કે સંભવિત ત્રાસવાદી હુમલા સામે પાકિસ્તાનનાં સૈન્યે મહત્ત્વનાં શહેરોમાં તેમની હાજરી વધારી દીધી છે છતાં, સાવચેત રહેવાની જરૂર છે.
વાસ્તવમાં પાકિસ્તાની વાયુદળ કાબુલ, કંદહાર અને પનિકા જેવાં અફઘાનિસ્તાનનાં શહેરો ઉપર એર સ્ટ્રાઇક્સ કર્યા પછી પરિસ્થિતિ વધુ વકરી છે અને તાલિબાનોના હુમલાઓ વધી રહ્યા છે. ડુરાંડ લાઈન અંગે ઉભા થયેલા સંઘર્ષને લીધે પાકિસ્તાનના ૧૨ સૈનિકો માર્યા ગયા છે, જ્યારે તાલિબાનોએ ૧૩ યોદ્ધાઓ ગુમાવ્યા છે.


