Get The App

2,000થી વધુ હુમલા, 61નાં મૃત્યુ : ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયભીત : તેમની ઉપર અસ્તિત્વનું જોખમ મંડરાઈ રહ્યું છે

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
2,000થી વધુ હુમલા, 61નાં મૃત્યુ : ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયભીત : તેમની ઉપર અસ્તિત્વનું જોખમ મંડરાઈ રહ્યું છે 1 - image

- યુનુસ અને બાંગ્લાદેશની કૃતધ્નતાનો જોટો મળે તેમ નથી

- દીપુચંદ્રની નૃશંસ હત્યાએ, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી અને માનવ અધિકારો અંગે પ્રશ્નો ઊભા કર્યા છે : દુનિયા તે અંગે મૌન છે

ઢાકા : બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરી.એ યોજાનારી ચૂંટણી પહેલા હિન્દુ લઘુમતી ઉપર હુમલા વધી રહ્યા છે. દીપુ ચંદ્રની નૃશંસ હત્યા અને ૨,૦૦૦થી વધુ હિંસક ઘટનાઓએ દેશમાં લઘુમતીઓની સલામતી અને માનવ અધિકારો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ડીસેમ્બર- ૨૦૨૪માં ૨૭ વર્ષના, હિન્દુ કાપડના કારખાનાના કામદાર દીપુ ચંદ્ર દાસની હત્યાએ તો સમગ્ર દેશમાં હા-હા-કાર મચાવી દીધો છે. તેમણે પયગંબર મહમ્મદ સાહેબ વિષે કરેલી કથિત ટીકા અંગે તેના મુસ્લિમ સહકર્મીઓએ આક્ષેપ મુકતા, તેની ઉપર કેટલાક લોકો કશું જાણ્યા સિવાય તૂટી પડયા હતા અને મારી-મારીને લોચા જેવો બનાવી હજી તે પૂરો માર્યો પણ ન હતો ત્યાં ઝાડ ઉપર લટકાવી લગભગ જીવતો જ સળગાવી દીધો હતો. આથી, દેશમાં રહેતા હિન્દુ સમુદાયોમાં ભય અને આક્રોશ ફેલાઈ ગયો છે.

આ ઘટના પછી ઢાકા અને બીજા શહેરોમાં પણ દેખાવો થયા, રેલીઓ નીકળી, દેખાવકારોએ દોષિતોને સજા કરવા તેમજ લઘુમતીઓને સલામતી આપવાની માંગણી કરી હતી.

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વ નીચેની સરકારે તપાસનો આદેશ આપ્યો બારેક લોકોની ધરપકડ પણ કરી પરંતુ પછી આગળ કશું હજી સુધી તો થયું જ નથી.

આ અંગે ઢાકા સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા રંજન કર્માકર કહે છે કે, હવે કોઈ પોતાને સુરક્ષિત માનતું જ નથી. દરેકે દરેક ભયભીત છે. આવા હિંસક હુમલા કરનાર અપરાધીઓને પણ 'પુરાવાના અભાવે' મુક્ત કરી દેવાય છે. તેથી હિંસાચાર કરનારાઓને જાણે કે, હિંસાનો પરવાનો મળી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં તો હિન્દુઓની સ્થિતિ અત્યંત કરુણ છે. વાસ્તવમાં શેખ હસીનાને પદભ્રષ્ટ કરાયા પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ગણ્યા-ગાંઠયા યહુદીઓ તો સતત ભયમાં રહે છે. તેમાં યે હિન્દુઓ જેઓ, બાંગ્લાદેશની ૧૭ કરોડની વસ્તીમાં ૧.૩૧ કરોડ (૮ ટકા) છે. તેમની ઉપર તો સૌથી વધુ હુમલા થાય છે.

અત્રે તે યાદ અપાવવું જરૂરી છે કે, તે સમયના પશ્ચિમ પાકિસ્તાનથી તે સમયે પૂર્વ પાકિસ્તાન કહેવાતા પ્રદેશને પશ્ચિમ પાકિસ્તાનથી 'મુક્ત' કરવા રચાયેલી બંગવાહિનીને સહાય કરવા ભારતીય સેના જ ગઈ હતી. તેના ૬૦૦ જવાનો શહિદ પણ થયા હતા. તે પૈકીના મોટા ભાગના તો હિન્દુ હતા તેમ છતાં હિન્દુઓ ઉપર જ હુમલા કરનાર બાંગ્લાદેશના મુસ્લિમો અને બાંગ્લાદેશની વર્તમાન સરકારના સલાહકાર યુનુસની કૃતઘ્નતાનો જોટો મળી શકે તેમ નથી. તેથી કોઈ પણ સહજ રીતે કહે દુનિયા તે પાપાચાર જોઈ રહી છે.