World

અમારી નિર્દોષ પ્રજા અમેરિકાના આતંકવાદનો ભોગ બની : પેજેશ્કિયન

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
યુનોમાં ટ્રમ્પે ઈરાનને આતંકી ગણાવતા, ઈરાનના પ્રમુખ પેજેશ્કિયને વળતો પ્રહાર કર્યો. તેમના ભાષણ દરમિયાન હોર્મુઝમાં જહાજ પર 2 ટોરપીડો હુમલામાં ભારતીય ખલાસી સુરજ યાદવનું મૃત્યુ થયું. અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ-જેરેડ કુશ્નરે ઈરાનના અધિકારીઓ સાથે 3 કલાક ચર્ચા કરી. ઈરાને અમેરિકાના આતંકનો ભોગ બન્યાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમારી નિર્દોષ પ્રજા અમેરિકાના આતંકવાદનો ભોગ બની : પેજેશ્કિયન
  • ટ્રમ્પે ઇરાનને આતંકી ગણાવતા તેના પ્રમુખનો યુનોમાં વળતો પ્રહાર
  • પેજેશ્કિયનના ભાષણ વખતે જ હોર્મુઝમાં બે ટોરપીડો વડે થયેલા હુમલામાં ભારતીય ખલાસીનું મોત થયું
  • યુએન બેઠક દરમિયાન ઇરાનના અધિકારીઓની ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ-જેરેડ કુશ્નર સાથે ત્રણ કલાક ચર્ચા

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે યુનોના ભાષણમાં ઇરાનને આતંકી ગણાવ્યું તે જ મંચ પરથી ઇરાનના પ્રમુખ પેજેશ્કિયને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમે અમેરિકાના આતંકનો શિકાર છીએ. તેમનું ભાષણ ચાલતુ હતુ તે દરમિયાન જ હોર્મુઝમાં ઓમાનના કિનારાની જોડે એક જહાજ પર બે ટોરપીડો વડે હુમલા કરવામાં આવતા ભારતીય ખલાસી સૂરજ યાદવનું નિધન થયું છે. જ્યારે અન્ય ૨૦ને ઇજા થઈ હતી.
પેજેશ્કિયને તેમની તસ્વીરો પણ બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ફક્ત અમારી આત્મરક્ષા કરી રહ્યા છીએ. અમે આતંકી નથી. અમારી નિર્દોષ પ્રજાને કાયરતાપૂર્વકના હુમલા દ્વારા ખતમ કરવામાં આવી રહી છે. અમે આક્રમણ કર્યુ નથી કે યુદ્ધ કર્યુ નથી, અમારા પર યુદ્ધ લાદવામાં આવ્યું છે.
જો કે ઇરાનના પ્રમુખનું ભાષણ શરૂ થતાં જ અમેરિકાના પ્રતિનિધિમંડળે હોલ છોડી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલે અત્યાધુનિક શસ્ત્રો સાથે હુમલો કર્યો, પરંતુ અમે છ મહિના થયાં છતાં ઘૂંટણ ટેક્યા નથી. તેમણે ઇઝરાયેલ પર પણ ગંભીર આરોપ લગાવ્યા અને જણાવ્યું કે તેણે ગાઝામાં ૮૦ હજારથી પણ વધુ લોકોનો નરસંહાર કર્યો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના મુખ્ય પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર યુએનની બેઠક દરમિયાન ઇરાનના અધિકારીઓ સાથે ત્રણ કલાક બેઠક યોજી હતી.
આ બેઠક ઘણી સારી રહી હતી, પરંતુ તેમણે આ બેઠકની વિગતો આપી ન હતી. આશ્ચર્યની વાત તો એ છે કે અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે પેજેશ્કિયનને મળવું હોય તો ટ્રમ્પ તેમને મળવા તૈયાર છે.
અમેરિકા સમર્થિત બોર્ડ ઓફ પીસે ગાઝામાં રિકન્સ્ટ્રકશનનો ૨.૪૫ અબજ ડોલરનો પ્લાન તૈયાર કર્યો છે. બોર્ડનું કહેવું છે કે ગાઝાને બેઠું કરવા મધ્યમ ગાળા માટે ૩૫ અબજ ડોલર અને લાંબા ગાળા માટે ૭૧ અબજ ડોલરથી પણ વધુ રકમની જરુર છે.