World

ઓપનએઆઈ ગણિતના સૌથી અઘરા સવાલના ઉકેલની એકદમ નજીક પહોંચ્યું

By GS Team
23 May 20262 mins read
ઓપનએઆઈ ગણિતના સૌથી અઘરા સવાલના ઉકેલની એકદમ નજીક પહોંચ્યું

- 80 વર્ષ જૂના એર્ડોસ પ્રોબ્લેમનું 'AI સોલ્યુશન'

- જાણીતી ગણિતજ્ઞા ટેરેન્સ તાઓએ આ ઘટનાને ગણિતના ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવી 

કેલિફોર્નિયા : છેલ્લા ઘણા સમયથી એઆઈની ક્ષમતાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની નવી સિદ્ધિએ ગણિતજ્ઞાોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઓપનએઆઈના એઆઈ મોડલે ૮૦ વર્ષથી મૂંઝવતા ગણિતના સૌથી અઘરા સવાલના ઉકેલ તરફ પ્રગતિ કરી છે. આ ઉલ્લેખનીય છે કે, એર્ડોશ પ્રોબ્લેમને હંગેરીના ગણિતજ્ઞા પોલ એર્ડોશે ૧૯૪૬માં રજૂ કર્યો હતો. દુનિયાભરના શ્રેષ્ઠ ગણિતજ્ઞાો તેને ઉકેલવાનો પ્રયત્ન દાયકાઓથી કરી રહ્યા હતા. 

આ સમસ્યા પ્લેનર યુનિટ ડિસ્ટન્સ પ્રોબ્લેમ તરીકે ઓળખાય છે. સરળ ભાષામાં કહીએ તો, કોઈ સમતલ સપાટી પર કેટલી રીતે બિંદુઓ ગોઠવી શકાય કે જેમાં સૌથી વધુ બિંદુ-જોડીઓ વચ્ચેનું અંતર ચોક્કસ એક યુનિટ રહે, એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ચોરસ ગ્રીડ જેવી ગોઠવણી સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ ઓપનએઆઈના એઆઈ મોડલે એવી નવી ગોઠવણી શોધી કે જેણે જૂની માન્યતાઓને ખોટી સાબિત કરી. 

આ પહેલીવાર છે જ્યારે એઆઈ દ્વારા આપવામાં આવેલો ગણિતીય પુરાવો એટલો મજબૂત માનવામાં આવી રહ્યો છે કે જો માનવ ગણિતજ્ઞાોએ એકલા તૈયાર કર્યો હોત તો તે ગણિતની સૌથી પ્રતિષ્ઠિત જર્નલોમાં પ્રકાશિત થઈ શક્યો હોત. એઆઈએ આ ઉકેલ માટે ખૂબ જ ઊંડા ગણિતીય ક્ષેત્રો જેવા કે, અલ્જેબ્રિક નંબર થિયરીનો ઉપયોગ કર્યો. 

ઉલ્લેખનીય છે કે, આ રીત વિશે માનવ ગણિતજ્ઞાોએ પહેલાં વિચાર્યું પણ નહોતું. જાણીતા ગણિતજ્ઞા ટેરેન્સ તાઓ સહિતના નિષ્ણાતોએ આ ઘટનાને ગણિતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાવી છે. હાલમાં આખી મૂળ સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગઈ નથી, પરંતુ એઆઈ દ્વારા મળેલો આ નવો પુરાવો અને નવી દિશા ગણિતના ક્ષેત્રમાં ક્રાંતિ સમાન માનવામાં આવી રહી છે.