- ડીપફેક વિડીયોઝને કારણે વિવાદોમાં ફસાઈ હતી
- 3 મહિના પહેલા ડિઝની સાથે 1 અબજ ડોલરની ડીલ કરી હતી : હવે કોર્પોરેટ ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરશે
કેલિફોર્નિયા : ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈએ તેની લોકપ્રિય વિડીયો એપ સોરાને બંધ કરવાની જાહેરાત કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી શોર્ટ વિડીયોઝ બનાવતી આ એપ ગત વર્ષે ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ, તેની સાથે વિવાદો પણ જોડાયેલા હતા.
ઓપનએઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ સોરાને અવલિદા કહી રહ્યા છે. કંપનીએ યુઝર્સને આશ્વાસન આપ્યું કે, તેમણે બનાવેલા વિડીયોઝ સુરક્ષિત રાખવા માટે ટૂંક સમયમાં વિગતો જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૫માં લોન્ચ થયેલી આ એપનો હેતુ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મને ટક્કર આપવાનો હતો. પરંતુ, ઘણા યુઝર્સ પ્રોમ્પટ આપીને ગેરમાર્ગે દોરતા ડીપફેક વિડીયોઝ અને અશ્લીલ સામગ્રી બનાવી રહ્યા હતા.
ઓપનએઆઈના આ નિર્ણયને કારણે મનોરંજન જગતની દિગ્ગજ કંપની ડિઝનીને ફટકો પડયો છે. ડિઝનીએ ત્રણ મહિના પહેલા જ ઓપનએઆઈ સાથે ૧ અબજ ડોલરનો સોદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, માઈકલ જેક્સન અને માર્ટિન લ્યુથર કિંગ જેવી જાણીતી હસ્તીઓના ખોટા વિડીયોને કારણે તે વિવાદોમાં ફસાયું હતું. આ સિવાય હોલીવુડના કલાકારોના યુનિયને પણ આ ટેકનોલોજીનો ભારે વિરોધ કર્યો હતો. જાણકારોના મતે, ઓપનએઆઈ શેરબજારમાં લિસ્ટ થવાની છે ત્યારે તેઓ કોડિંગ ટૂલ્સ અને કોર્પોરેટ ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.


