Get The App

ઇઝરાયેલ પર એટેક : હુથીઓ સુએઝ કેનાલ બંધ કરવાની ફિરાકમાં

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલ પર એટેક : હુથીઓ સુએઝ કેનાલ બંધ કરવાની ફિરાકમાં 1 - image

- ઇરાનના પરમાણુ મથક પર હુમલાથી સ્થિતિ વણસી 

- સાઉદીમાં અમેરિકાના લશ્કરી મથક પર ઇરાનના હુમલામાં અનેક વિમાનો નષ્ટ, 15 સૈનિકો ઇજાગ્રસ્ત

- સુએઝ કેનાલમાંથી દર વર્ષે એક ટ્રિલિયન ડોલરથી પણ વધુ રકમનો કાર્ગો ટ્રાફિક પસાર થાય છે

તહેરાન,તેલઅવીવ, દુબઈ : મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધને લગભગ એક મહિનો થઈ ગયો છે ત્યારે  તે કોઈપણ રીતે અટકવાનું નામ લેતું નથી. તેના બદલે તે વધુને વધુ તીવ્ર થતું જાય છે.યુદ્ધમાં યમનના હુથી બળવાખોરોએ ઝંપલાવ્યુ છે, એટલું જ નહીં હુથીઓ ઇરાને હોર્મુઝ બંધ કરી દીધી તેમ સુએઝ કેનાલ બંધ કરી દે તેવા નિષ્ણાતોના દાવાથી આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. હુથીઓ બિલકુલ સુએઝ કેનાલના નાકે જ બેઠા છે અને આમ પણ ત્યાંથી પસાર થતાં જહાજોને હેરાન કરીને ખંડણી વસૂલતા જ હોય છે. 

ઇઝરાયેલના ઇરાનના પરમાણુ મથક પર હુમલા

ઇરાનના બશર શહેરમાં આવેલા પરમાણુ મથક નજીક મોડી રાત્રે હુમલોથયો છે. ઇઝરાયેલે આ હુમલા કર્યા છે. પરમાણુ મથક નજીક થયેલો આ ત્રીજો હુમલો છે. આ હુમલામાં પ્લાન્ટને નુકસાન થયું નથી કે જાનહાનિ થઈ નથી, એમ ઇરાનના એટમિક એનર્જી વિભાગે જણાવ્યું હતું. રશિયાના પરમાણ ઉર્જા વિભાગના વડાએ આ પ્રકારના હુમલા સામે ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ટરનેશનલ એટમિક એનર્જીએ પણ જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ મથકવાળા બશર શહેરમાં આ ત્રીજો હુમલો છે. હાલમાં કામ કરતાં રીએક્ટરને તેની કોઈ અસર થઈ નથી અને કોઈ રેડિયેશન લીક થયું નથી.આ સિવાય અન્ય એક હુમલામાં ઇરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને નિશાન બનાવવામાં આવી હતી. 

હીઝબુલ્લાહ પછી હુથીએ પણ યુદ્ધમાં ઝંપલાવ્યું

ઇરાન-અમેરિકા-ઉઝરાયેલ યુદ્ધમાં હીઝબુલ્લાહ પછી હુથી આતંકવાદી સંગઠન પણ જોડાયું છે. તેણે ઇઝરાયેલને લક્ષ્યાંક બનાવીને હુમલો કર્યો હતો.જોકે ઇઝરાયેલે આ હુમલા ખાળ્યા હતા.  હવે હૂથીઓ પણ આ યુદ્ધમાં જોડાતા યુદ્ધ વધુ વિસ્તરી શકે છે અને વધુ જટિલ થઈ શકે છે. હુથીઓ જોડાવવાના કારણે તેઓ આગામી દિવસોમાં સુએઝ કેનાલ પણ બંધ કરવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરી છે તો હુથીઓ સુએઝ કેનાલ પણ બંધ કરી શકે છે. જો આ સ્થિતિ સર્જાય તો યુરોપની સ્થિતિ વધુ આકરી બની શકે છે. સુએઝ કેનાલમાંથી દર વર્ષે એક ટ્રિલિયન ડોલર કરતાં વધુ રકમનો કાર્ગો ટ્રાફિક રવાના થાય છે. આ સિવાય ગ્લોબલ કન્ટેનર ટ્રાફિકનો ૩૦ ટકા હિસ્સો સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. તેથી જ સુએઝ કેનાલને યુરોપ અન એશિયાની લાઇફલાઇન પણ કહેવાય છે. દાયકાઓ પહેલા ઇજિપ્તે સુએઝ કેનાલ બંધ કરી હતી ત્યારે હોહા મચી ગઈ હતી અને તેના પર યુરોપીયન દેશોએ લશ્કરી પગલાં લઈ કેનાલ ખાલાવી હતી. 

સાઉદીમાં અમેરિકાના બેઝ પર હુમલામાં અનેક વિમાનો ખતમ

ઇરાને સાઉદી અરેબિયામાં અમેરિકાના લશ્કરી બેઝ પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. તેમા અમેરિકાના અનેક વિમાનો ખતમ થઈ ગયાનો અને અનેક રિફ્યુલિંગ વિમાનોને નુકસાન થયાનો અહેવાલ વોલ સ્ટ્રીટ જર્નલે આપ્યો છે.  આ ઉપરાંત દસ અમેરિકન સૈનિકા ઇજા પામ્યા છે. તેમા બેની સ્થિતિ વધુ ગંભીર છે. યુદ્ધ શરુ થયા પછી ૧૩ અમેરિકન સૈનિકો મૃત્યુ પામી ચૂક્યા છે. ૩૦૦ ઇજા પામ્યા છે અને તેમા ૩૦ સૈનિકો ગંભીર રીતે ઇજા પામ્યા છે. આ દરમિયાન અમેરિકાનું યુદ્ધજહાજ સમારકામ માટે ક્રોએશિયા ગયું છે. 

ઇરાનનું કુવૈત, યુએઈ, સાઉદી અને ઇઝરાયેલમાં બોમ્બાર્ડિંગ

ઇરાને શનિવારે મધ્યપૂર્વમાં દારૂગોળાઓનો ઢેર બનાવી દીધો હતો.તેણે કુવૈત, યુએઈ, સાઉદી અને ઇઝરાયેલમાં મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા.ઇરાને કુવૈતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલા કર્યા હતા. તેના લીધે એરપોર્ટની રડાર પ્રણાલિ  ખતમ થઈ ગઈ. આ ઉપરાંત તેણે યુએઈમાં યુક્રેનના ડ્રોન રોધી પ્રણાલિ ડેપોને પણ નિશાન બનાવ્યું હતું. તેનો ઉપયોગ અમેરિકાને મદદ કરવા માટે કરવામાં આવતો હતો. ઇરાને દાવો કર્યો હતો કે તેણે દુબઈમાં અમેરિકાના બે છૂપા લશ્કરી થાણા પર હુમલો કર્યો હતો. આ ક્ષેત્રમાં અમેરિકાના થાણા પર ઇરાનના હુમલા પછી  અમેરિકન લશ્કરના જવાનો છૂપાવવા માટે તે સ્થળોમાં ગયા હતા. તેમા ૪૦૦ જવાના પહેલા સ્થાનમાં અને ૧૦૦ બીજા ઠેકાણામાં હતા.  યુએઈએ જણાવ્યું હતું કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ૨૦ મિસાઇલ અને ૩૭ ડ્રોન એટેકનો સામનો કર્યો હતો.અબુધાબીમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન પર થયેલા હુમલામાં છને ઇજા થઈ હતી. યુએઈના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયા પછી ૪૧૩ મિસાઇલ, ૧,૮૭૨ ડ્રોન હુમલાનો સામનો કર્યો છે. આ હુમલામાં ૧૦ના મોત થયા છે અને ૧૭૮ને ઇજા થઈ છે.  બહેરીને જણાવ્યું હતું કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ૨૦ મિસાઇલ અને ૨૩ ડ્રોન હુમલાનો સામનો કર્યો હતો. અત્યાર સુધીમાં તે ૧૭૪ મિસાઇલ અને ૩૮૫ ડ્રોન હુમલાનો સામનો કરી ચૂક્યું છે. 

દુબઈમાં પાંચ ભારતીયો ઇજા પામ્યા

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં દુબઈમાં થયેલા મિસાઇલ હુમલામાં ઇન્ટરસેપ્ટર મિસાઇલે તેને આંતરીને ખતમ કરતા તેનો કાટમાળ પડયો તેમા પાંચ ભારતીયોને ઇજા થઈ હતી. અબુધાબી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે આ બનાવમાં પાંચ ભારતીયોને ઇજા પહોંચી હતી અને તેમાએક સગીર છે.

પીએમ મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે પશ્ચિમ એશિયાની ચર્ચા કરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પીએમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી હતી. તેમણે હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષની ચર્ચા કરી હતી અને નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે સંમતિ સાધી હતી. પીએમ મોદીએ હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં પ્રાદેશિક ઉર્જા માળખા પર થઈ રહેલા હુમલાની ટીકા કરી હતી. મોદીએ સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે કરેલા કાર્યો બદલ તેમનો આભાર માન્યો હતો. મોદી આ યુદ્ધ શરુ થયા પછી યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, જોર્ડન, ઇરાન, ફ્રાન્સ, ઇઝરાયેલ અને મલેશિયાના વડાઓ સાથે વાત કરી ચૂક્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ મોદી સાથે યુદ્ધને લઈને ચર્ચા કરી ચૂક્યા છે.

સાઉદી ક્રાઉન પ્રિન્સનો અમેરિકાને આગ્રહ

ઇરાનને ખતમ કરી મધ્યપૂર્વને નવો આકાર આપવાની ઐતિહાસિક તક

- સાઉદી અરેબિયા ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધમાં ગમે ત્યારે ઉતરી શકે

નવી દિલ્હી : સઉદી અરબસ્તાનના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સાવેલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન ઉપર હુમલા તેજ કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, 'આ  મધ્યપૂર્વનો નવો આકાર આપવાની ઐતિહાસિક તક છે, તે ઝડપી લો.'

ઈંગ્લેન્ડનાં વર્તમાન પત્ર 'ધી ગાર્ડીયન' જણાવે છે કે, મહમ્મદ-બિન-સલમાને પ્રમુખ ટ્રમ્પને ઈરાન ઉપર હુમલા બંધ નહીં કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો આ હુમલા તેજ કરવા જોઈએ. અમેરિકા-ઈઝરાયલ પાસે આ ઐતિહાસિક તક છે.

માહિતગાર સાધનો વધુમાં તેમ પણ જણાવે છે કે, મોહમ્મદ બિન સલમાને આ સંદર્ભે પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન ઉપર લંબાણપૂર્વક વાતચીતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાને નવો આકાર આપવા આ 'ઐતિહાસિક તક' છે. આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે પણ ગયા મંગળવારે પત્રકારોને કરેલાં સંબોધનમાં જણાવ્યું હતું કે, 'હા તેઓ (પ્રિન્સ સલમાન) યુદ્ધમાં અમારી સાથે જોડાય છે. તેઓ એક યોધ્ધા છે, તેઓ અમારી સાથે યુદ્ધમાં જોડાયા છે. અમારી સાથે રહી લડી રહ્યા છે.'

સાધનો વધુમાં જણાવે છે કે, સઉદી અરબસ્તાને તેના સેનાકીય વિકલ્પો ખુલ્લા જ રાખ્યા છે. તેવામાં ઈરાને પાડોશમાં રહેલા અખાતી રાજ્યો ઉપર મિસાઇલ્સ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલા તા. ૨૮ ફેબુ્રઆરી ઈઝરાયલ-અમેરિકાના હુમલાના વળતા જવાબરૂપે તહેરાને તેના આરબ પાડોશીઓ ઉપર પણ હુમલા શરૂ કરી દીધા છે.

યમનના હુથી બળવાખોરોને ઈરાનનો જ સાથ છે. ઈરાન તેમને શસ્ત્રો, સાધનો અને પૈસા પણ આપે છે. આ હુથીઓ ગલ્ફ અને તેની આસપાસ રહેલા આરબ રાજ્યો પર હુમલા કરે છે. તેથી સઉદી ક્રાઉન પ્રિન્સ વધુ ધુંધવાયા છે. તેઓ અમેરિકા ઈઝરાયલ સાથે લડવા આતુર થયા છે તેવામાં પાકિસ્તાને રજૂ કરેલો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવી દીધો છે.